નવી દિલ્હી, તા. ૧૦
- ગુજરાતમાં જેડી-યુ એકલા હાથે લડશે : એનડીએનું ગઠબંધન ગુજરાત માટે નહીં-શરદ યાદવ
- જેડી-યુ ૧૦૦ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખે તેવી શક્યતા
જનતા દળ(યુ)એ ગુજરાતમાં આગામી વિધાનસભાચૂંટણીમાં એકલા હાથે લડવાની જાહેરાત કરીને મોદી સામે સીધી બાથ ભીડી છે. ચૂંટણીપ્રચાર માટે મોદીને બિહારમાં આવતા અટકાવનાર બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર હવે જેડી-યુના પ્રચાર માટે ગુજરાતમાં આવશે. ગુજરાતમાં વિશેષ મહત્ત્વ નહીં ધરાવતા જેડી-યુએ કેટલી બેઠકો પરથી ચૂંટણી લડશે તેની સ્પષ્ટતા કરી નથી. જોકે જેડી-યુ પ્રમુખ શરદ યાદવે જણાવ્યું કે એનડીએમાં ભાજપ મુખ્ય પક્ષ છે પણ ભાજપ સાથે ગુજરાતમાં કોઈ તાલમેલ નહીં કરાય. ગુજરાતમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડવાની એ બાબતે તેમનું
ગુજરાત એકમ નિર્ણય કરશે. જોકે કેટલીક અટકળો મુજબ ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા બેઠકોમાંથી ૧૦૦ બેઠકો પર ચૂંટણી લડવાની જેડી-યુની યોજના છે.
તેમનાં આ પગલાંથી એનડીએમાં તિરાડ પડવાની શક્યતાઓને તેમણે નકારી કાઢી હતી, જોકે, તેમણે ગુજરાતમાં જ ભાજપ સાથે જોડાણ કેમ નહીં કરવાના પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે તેઓ લાંબા સમયથી ગુજરાતમાં ભાજપથી અલગ જ ચૂંટણી લડી રહ્યા છે. જેડી-યુ ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ અને દિલ્હી જેવાં રાજ્યોમાં પણ ભાજપથી અલગ એકલા હાથે ચૂંટણી લડે છે. યાદવે જણાવ્યું હતું કે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર અને તેમણે ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણીપ્રચાર કર્યો હતો અને આ વખતે પણ તેઓ ચૂંટણીપ્રચાર માટે ગુજરાત જશે એટલું જ નહીં બિહાર સરકારના અન્ય અગ્રણી નેતાઓ પણ ગુજરાત જશે.
૨૦૦૭ની ચૂંટણીમાં ગુજરાતમાં જેડી-યુએ ૩૫ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા, પરંતુ તેના એકમાત્ર ઉમેદવાર છોટુભાઈ વસાવાએ ઝઘડિયા બેઠક પરથી વિજય મેળવ્યો હતો. વસાવા આ બેઠક પરથી અગાઉ અપક્ષ તરીકે પણ ચૂંટાયા હતા, આમ આંકડાકીય દૃષ્ટિએ જેડી-યુની જાહેરાતનું કોઈ વિશેષ મહત્ત્વ જણાતું નથી.
શું અસર થઈ શકે?
રાષ્ટ્રીય સ્તરે નીતીશ અને મોદી વચ્ચે જંગ ચાલી રહ્યો છે, પરંતુ ગુજરાત ચૂંટણીમાં જેડી-યુનાં આગમનથી ભાજપ કરતાં કોંગ્રેસને નુકસાન જઈ શકે છે. જેડી-યુની મુખ્ય વોટબેંક મુસ્લિમ છે જે ગુજરાતમાં કોંગ્રેસને ટેકો આપે છે, હવે જો જેડી-યુ ગુજરાતમાં પ્રવેશે તો તે કોંગ્રેસના મુસ્લિમ મતો તેની તરફ ખેંચી શકે છે.