મુંબઈ, તા. ૧૧
સામનાના એક લેખમાં દિગ્વિજય સિંહને ખીંચી કુળના ગણાવ્યા
ઠાકરે પરિવાર અને કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયસિંહ વચ્ચે યુપી અને બિહારીઓ પરનું શાબ્દિક યુદ્ધ હવે વ્યક્તિગત બન્યું છે. બંને પક્ષો હવે તેમના યુદ્ધમાં એકબીજાના પૂર્વજો પર આક્ષેપો કરી રહ્યાં છે. ઠાકરે પરિવારને મૂળ બિહારી ગણાવનાર દિગ્વિજયસિંહને વળતો જવાબ આપતાં બાળ ઠાકરેએ મંગળવારે દિગ્વિજય સિંહના પૂર્વજો અંગ્રેજો અને મોગલોના બાતમીદાર હોવાનો આક્ષેપ કર્યો હતો.
દિગ્વિજય સિંહે તો માત્ર ઠાકરે મૂળ બિહારી હોવાનો આક્ષેપ જ કર્યો હતો, પરંતુ ઠાકરેએ તેમના મુખપત્ર સામનાના એક લેખમાં છેક અકબરના સમય સુધીનો દિગ્વિજયસિંહના પૂર્વજોનો ઈતિહાસ ખુલ્લો મુકી દીધો છે. આ લેખમાં ઠાકરેએ દિગ્વિજયના પૂર્વજોને 'દગાબાજ' કહ્યા હતા. આ લેખમાં જણાવાયું છે કે શિવાજીના સૈન્યમાં ઠાકરેનાં પૂર્વજો મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા જ્યારે દિગ્વિજયના પૂર્વજો મુગલો અને અંગ્રેજોના બાતમીદાર તરીકે કામ કરતા હતા. દિગ્વિજયના પૂર્વજોને ખીંચી વંશના ગણાવાયા છે.
તેમાં વધુમાં જણાવાયું છે કે, 'ઠાકરે કુળને બિહારી ગણાવનાર દિગ્વિજય સિંહે તેમનું કુળ પણ તપાસી લેવું જોઈએ. ઠાકરેના પૂર્વજો શિવાજીની સેનામાં હિંદુ સ્વરાજ માટે લડતા હતા. દિગ્વિજય સિંહ જે રાધોગઢના રાજા છે તે તેમના ખીચીં હોવાની પુષ્ટી કરે છે. ખીંચી સંસ્થાન જોધપુરથી પ્રસિદ્ધ 'સર્વે ઓફ ખીંચી હિસ્ટ્રી'નો દાવો છે કે, ખીંચી રાજપૂતો ધન લઈને યુદ્ધ કરવા માટે કુખ્યાત હતા. દિગ્વિજયના પૂર્વજ ગરીબદાસને રાધોગઢ રિયાસત અકબરે આપી હતી. રાજપૂતાના અને મામલાવના મોટા ભાગના ક્ષત્રિયો રાણા પ્રતાપની તરફે લડી રહ્યા હતા ત્યારે પણ રાધોગઢના ગરીબદાસ અકબરના બાતમીદાર હતા. આ ગાદી પર ૧૭૯૭ સુધી દિગ્વિજયના પૂર્વજ બલવંત સિંહ રાજ કરતા હતા. ૧૭૭૮માં મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બલવંત સિંહે અંગ્રેજોને મદદ કરી હતી.'