ભાવનગર, તા.૧૧
ભાવનગર શહેરના મેઈન બજારમાં આવેલા મેસર્સ સીતારામ મેડિકલ સ્ટોર અને માલિકીના મકાનને આજે આશરે દોઢેક કરોડના બાકી લેણા પેટે મુંબઈ સ્થિત બેન્ક ઓફ બરોડાના અધિકારીઓએ સિલ મારી દીધા હતા. મેડિકલ સ્ટોરને બેન્કના સિલ લાગી જતાં વેપારીઓમાં હલચલ મચી જવા પામી હતી. તમાશાને તેડૂં ન હોય તેમ જાહેર રોડ પર લોકોના ટોળા ઉમટી પડયાં હતા.
- દોઢેક કરોડની ઉઘરાણી કરવા મુંબઈથી બેન્ક અધિકારીઓ ભાવનગર દોડી આવ્યા : સિટી મામલતદારે બેન્કને કબજો સોંપ્યો
- ભાવનગરમાં સીતારામ મેડિકલ સ્ટોરને સિલ મારતી બેન્ક ઓફ બરોડા
ઉલ્લેખનીય છે કે, ભાવનગરના રહીશ નિતીનભાઈ હસમુખરાય પંડયાએ ભાવનગર સહિત મુંબઈના અલગ અલગ જામીનદારોની મિલકતો તારણમાં મુકીને બેન્ક ઓફ બરોડા, પ્રાર્થના સમાજ બ્રાન્ચમાંથી જે તે વખતે કુલ રૂ.ર૧.પ૦ કરોડની લોન લીધી હતી. જેની સમ ખાવાની રકમ પણ બેન્કમાં ભરી નથી. એટલે કે, આસામીએ બેન્કને કરોડોનો ચૂનો ચોપડયો છે.
શહેરના વેપારીઓ અને બેન્કના બાકીદારોમાં હડકંપ મચાવતા કિસ્સાની ઉપલબ્ધ માહિતી અનુસાર શહેરના મેઈન બજારમાં મેસર્સ સન એજન્સી અને મેસર્સ પાર્મી માર્કેટિંગ પ્રા.લિ.ના માલિક નિતીનભાઈ હસમુખરાય પંડયાએ મુંબઈ ખાતેની બેન્ક ઓફ બરોડા, પ્રાર્થના સમાજ બ્રાન્ચમાંથી જે તે વખતે રૂ.૧.પ૦ કરોડની લોન લીધી હતી. જેમાં જામીનદાર તરીકે તેમના ભાવનગર રહેતા સબંધી કિશોરભાઈ જાનીની માલિકીના નામની મિલકત મેસર્સ સીતારામ મેડિકલ સ્ટોર અને તેમના પત્ની અનસુયાબેન બાબુભાઈ જાનીના નામની જેલ રોડ પરના મકાનની મિલકતો જામીન પેટે મુકીને અનુક્રમે રૂ.૭પ લાખ અને રૂ.૭પ લાખ મળી કુલ રૂ.૧.પ૦ કરોડની લોન લીધી હતી. ઉલ્લેખનીય છે કે, જેલ રોડના મકાનના સીધા વારસદાર હેમાંગ કે.જાની, મેઘના પંડયા તથા હિતેશ પંડયાની મિલકતને બેન્ક સત્તાવાહકોએ સિલ માર્યા હોવાનું ભાવનગર સ્થિત બેન્ક ઓફ બરોડાના ચીફ મેનેજર અર્જૂનભાઈ રાઠોડએ જણાવ્યું હતુ.
તેમના જણાવ્યા મુજબ ઘણાં લાંબા સમયથી ખેંચાતી આવતી બેન્ક લોનની રકમ બાકીદાર નિતીનભાઈ એચ.પંડયાએ ભરપાઈ નહિ કરતાં તેમની લોનના ભાવનગર ખાતેના જામીનદાર કિશોરભાઈ જાની અને તેમના પત્ની સ્વ.અનસુયાબેન જાનીના નામની મિલકતોને સિલ કરવા માટે આજે મંગળવારે મુંબઈ ખાતેની બેન્ક ઓફ બરોડાના ચીફ મેનેજર ઓ.પી.શર્મા અધિકારીઓની ટીમ સાથે ભાવનગર ખાતે દોડી આવ્યા હતા અને ભાવનગર સ્થિત બેન્ક ઓફ બરોડાના ચીફ મેનેજર અર્જૂનભાઈ રાઠોડને સાથે રાખીને સ્થાનિક સિટી મામલતદાર એન.બી.ચાવડા સહિતનાએ જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચનાથી બેન્ક ઓફ બરોડાના અધિકારીઓને બેન્કમાં તારણમાં મૂકેલી સીતારામ મેડિકલ સ્ટોર તથા જેલ રોડ પરના મકાનને સિલ મારી
કબજો સોપ્યો હતો.
મુંબઈ ખાતેની બીઓબીના ચીફ મેનેજર ઓ.પી.શર્મા અને ભાવનગરના ચીફ મેનેજર અર્જૂન રાઠોડના જણાવ્યા મુજબ મેસર્સ સન એજન્સી તથા મેસર્સ પાર્મી માર્કેટિંગ પ્રા.લિ.ના માલિક નિતીન હસમુખરાય પંડયાએ ભાવનગર અને મુંબઈ ખાતેની જુદી જુદી બેન્કોમાંથી કુલ રૂ.ર૧.પ૦ કરોડની લોન લીધા બાદ કોઈ રકમ નહિ ભરી બેન્કને કરોડોની રકમનો ધૂમ્બો માર્યો હતો.