ન્યૂયોર્ક, 12 ઓગસ્ટ
અમેરિકામાં ભારતીય મૂળની યુવતીની ધરપકડ કરવામાં આવી છે. આ યુવતી પર કોલંબિયા યુનિર્વિસટીમાં સ્ટુડન્ટનાં નામ પર ગેરકાયદેસર ક્લાસમાં ઘૂસવાનો આરોપ છે. ૨૬ વર્ષીય બિરવા પટેલ પોતાને સ્ટુડન્ટ તરીકે દર્શાવી રહી હતી અને તેણે નવ મહિના સુધી યુનિર્વિસટીમાં ક્લાસ ભર્યા હતા. તે વિદ્યાર્થીઓને પોતાનું નામ રેહા સેન બતાવતી હતી. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે સૌપ્રથમ તે કેમ્પસમાં ડિસેમ્બર ૨૦૧૧ની શરૃઆતમાં જોવા મળી હતી, તેના પર ગુનાહિત ટ્રેસપાસિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે.
બિરવા કેમ્પસમાં આરામથી ફરતી, કેમ્પસની કેન્ટિનમાં ભોજન પણ લેતી હતી અને યુનિર્વિસટીની બસમાં પણ ફરતી હતી. તેણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તે એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહી છે અને જુનિયર છે. તેણે યુનિર્વિસટીનાં ઘણાં ઓરિયેન્ટેશનમાં પણ ભાગ લીધો હતો. યુનિર્વિસટીના પ્રવક્તાના કહેવા પ્રમાણે તેની હાજરી અંગે પ્રથમ જાણ આંતરરાષ્ટ્રીય ઓરિયેન્ટેશન પોગ્રામમાં તેની અજીબ વાતચીતથી થઈ હતી જ્યારે કોઈ તેનું આઇકાર્ડ જોવા માગતાં તો તે મિત્ર પાસે રહી ગયાનું બહાનું કરીને જતી રહેતી, તે ક્યાં રહેતી હતી તે કોઈ વિદ્યાર્થીને ખબર ન હતી, તેની વર્તણૂકથી વિદ્યાર્થીઓને શંકા જતાં તપાસ બાદ તેની ધરપકડ કરાઈ હતી.