ડિરેક્ટર કટ
યશરાજ બેનરની 'કાબુલ એક્સપ્રેસ' અને 'ન્યૂયોર્ક' જેવી ફિલ્મોનું કબીર ખાનને દિગ્દર્શન કરવા મળ્યું હતું. 'એક થા ટાઇગર'ની ભવ્ય સફળતાએ કબીર ખાનને મોસ્ટ પ્રોફિટેબલ ડિરેક્ટરમાં સ્થાન અપાવ્યું છે.
તમને અંદાજ હતો કે 'એક થા ટાઇગર' આટલી સફળ ફિલ્મ બનશે?
ફિલ્મમાં સલમાન ખાન અને કેટરિના કૈફની હાજરીથી ફિલ્મ હિટ થશે તેવો પૂરો વિશ્વાસ હતો. દર્શકોએ આપેલ બહોળો પ્રતિસાદ અમારી મહેનત અને ફિલ્મની કથાને આભારી છે. સ્ટોરી લાઇન મજબૂત હતી અને ફિલ્મનું લોકેશન એકદમ પરફેક્ટ હતું, જે કોઈ પણ દર્શકોને પસંદ આવે તેવું હતું. ફિલ્મની સફળતા મારા માટે તો અનન્ય જ છે.
સલમાન ખાન જ તમારી પ્રથમ પસંદ હતી, તેનું કારણ?
સલમાન મારા પાત્રની માંગ હતી. જ્યારે અમે સ્ટોરી લખવાનું શરૂ કર્યું ત્યારે જ નક્કી કર્યું હતું, જેની ઇમેજ લાર્જર ધેન લાઇફ હોય તેને ટાઇગરનું પાત્ર આપવું. ફિલ્મનું પાત્ર લેજેન્ડ છે અને તે માટે સલમાન જ ફિટ બેસે. સલમાને ફિલ્મની પરિપૂર્ણતા સાબિત કરી આપી.
'એક થા ટાઇગર' હિટ બની, પણ ફિલ્મ વિવેચકોએ તેને ખાસ ગણકારી નહીં?
મારી ફિલ્મ દર્શકો માટે છે, વિવેચકો માટે નહીં. ફિલ્મ હિટ ત્યારે જ બને જો તે દર્શકોને પસંદ પડે. દરેકનો વ્યક્તિગત મત હોય, દરેકને પસંદ આવે તે જરૂરી નથી.
'એક થા ટાઇગર' બોલિવૂડની રેકોર્ડ બ્રેકિંગ ફિલ્મ બની, પણ '૩ ઇડિયટ'નો રેકોર્ડ તોડી શકશે?
એ તો સમય કહેશે. દરેક ફિલ્મ સફળ બને તે જરૂરી છે, રેકોર્ડ તો ત્યાર પછીની વાત છે. '૩ ઇડિયટ' એ અલગ ફિલ્મ છે અને તે જ તેની આગવી વિશેષતા છે.
સાંભળ્યું છે કે તમે સાજિદ નડિયાદવાલાની આગામી ફિલ્મ કરો છો?
ના, આ માત્ર વાતો છે. થોડા સમય પહેલાં વાત આવી હતી કે મારી આગામી ફિલ્મ એકતા કપૂર પ્રોડયુસ કરે છે. હકીકત તો એ છે કે હજી સુધી મેં કોેઈ નિર્ણય નથી લીધો.