બ્યૂટી ક્વેરી - રાજીકા કચેરિયા
શ્રી રાજીકાબહેન,
શું બોડીસ્ક્રબનો ઉપયોગ બોડી માટે કરી શકાય ? તે ખરેખર મદદકર્તા છે ? - અંજલિ બહેનશ્રી,
બોડી સ્ક્રબ શરીરના પુનઃબંધારણમાં મદદરૂપ છે. એ ત્વચાને એક્સફોલિયેટ કરે છે અને મૃતકોષો જેવી ત્વચાની સપાટી પર રહેલી અશુદ્ધિઓને દૂર કરી ત્વચાને મુલાયમ બનાવે છે. તમે આ માટે 'લુફા'નો પણ ઉપયોગ કરી શકો છો. એ પણ તમને મદદકર્તા રહેશે. આ સિવાય ઘરગથ્થુ બોડી સ્ક્રબ પણ બનાવી શકો છો જેની રીત નીચે મુજબ છે.
૫ ટી સ્પુન મેથી દાણાનો કરકરો ભૂકો, ચપટી હળદર, ૪ ટી સ્પુન, નારંગીની છાલનો પાઉડર અને થોડું તેલ આ બધું બરાબર મિક્સ કરવું. પછી આખા શરીરે લગાવવું. ત્યારબાદ આખા શરીર પર મસાજ કરવો. આટલું કર્યા બાદ ટુવાલ લઇ આખા
શરીર પર ઘસવું.આમ કરવાથી આખા શરીરની ત્વચા એક્સફોલિયેટ થશે.
થાકી ગયેલા પગ માટે
શ્રી રાજીકાબહેન,
દિવસના અંતે મારા પગ ખૂબ થાકી જાય છે. તો એ માટે મારે શું કરવું ? મને ઉપાય બતાવશો. - ચૈતાલી બહેનશ્રી,
આ સાથે તમારા પગ રિલેક્સ થાય તે માટે ઉપાય બતાવું છું.
હુંફાળા પાણીમાં મીઠું નાંખી, ૧૦ મિનિટ પગ તેમાં બોળવા. પછી પગ બહાર કાઢી, સ્ક્રબ કરી, ડ્રાય થવા દેવા. ખાસ કરીને આંગળા વચ્ચેની જગ્યા સાફ કરવી. આ થાકી ગયેલા પગને રિલેક્સ કરવાનો સરળ રસ્તો છે. જો મચકોડ આવી ગઇ હોય તો પાણીમાં ઇપ્સમ સોલ્ટ નાંખવાથી સારું પરિણામ મળે છે. લીંબુના રસમાં વેસેલીન મિક્સ કરી ફાટી ગયેલી એડી પર લગાવવું.
નાક પર ખીલ થયા છે
શ્રી રાજીકાબહેન,
મારા નાક પર ખૂબ ખીલ થયા છે. આ ખીલ સફેદ રંગના (પાકી ગયેલા) છે. તો મારે શું કરવું ? મને ઉપાય બતાવશો.
- કિંજલ બહેનશ્રી,,
તૈલી ત્વચા માટે આ સમસ્યા વારંવાર ઉદ્ભવતી હોય છે. તમે અઠવાડિયે બેથી ત્રણ વખત કલે પેકનો ઉપયોગ કરવાનું રાખો. એ તમારી ત્વચાને મદદરૂપ થશે. કોઇપણ પ્રકારના ક્રીમનો ઉપયોગ કરવાનું ટાળો અને નિષ્ણાત બ્યૂટીશિયન પાસે તમારા વ્હાઇટ હેડસનો નિકાલ કરાવો. વારંવાર ચહેરો ધોઇને ત્વચા પર થતી ચીકાશને દૂર કરો. તમે નીચે જણાવેલ પેક લગાવી શકો છો. ૨-૩ ચમચી મુલતાની માટી, ૩-૪ ટીપા ફુદીનાનો રસ, ૨ ચમચી ગુલાબજળ અને ૩ ચમચી ચંદનનો પાઉડર મિક્સ કરી ચહેરા પર લગાવવો. સૂકાઇ જાય એટલે પાણીથી ત્વચા સાફ કરી લેવી.