તંત્રી સ્થાનેથી
લોઢું ટીપાય પછી જ તેને આકાર આપી શકાય. સોનું અગ્નિમાં તપે એટલે ઓર નિખરે છે. એમ સંસારરૂપી ગાડીના ચલનમાં અનેક મુસીબતો આવે, સમસ્યાઓ આવે, મોટા ઝંઝાવાત ખડા થઈ જાય ત્યારે એ બધામાં ટીપાઈને, ઘડાઈને એક સુંદર,સુભગ દાંપત્ય જન્મ લે છે. સ્વસ્થ, તંદુરસ્ત દાંપત્ય પતિ-પત્નીને ચિર યુવાની બક્ષે છે.
લગ્ન એ કેવળ સાંસારિક પરંપરા જ નથી પરંતુ બે અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓનો સમન્વય છે. તેમનું પરસ્પર અનુકૂલન, પ્રેમ, વિશ્વાસ, એકબીજા પરની શ્રદ્ધા આ બધું મળીને એક સારો પરિવાર બનાવે છે અને એમ કરતાં કરતાં એક સુંદર સમાજ અસ્તિત્વમાં આવે છે.
લગ્ન કરીને પતિ ઘરે આવતી યુવતીને પ્રેમ, વિશ્વાસ, માન-આદર આપીને તેના ગૌરવાન્વિત અસ્તિત્વનો સાચો અનુભવ કરાવવો એ પતિનું કર્તવ્ય અને ફરજ છે. તો સામે પક્ષે પતિને પણ પ્રેમ, વિશ્વાસ, આદર આપીને પોતાનાપણાની હૂંફ આપવી એ પત્નીનું કર્તવ્ય અને ફરજ બની રહે છે. જે પતિ-પત્ની દાંપત્યના સૂત્રોને અનુસરે છે એ ખરેખર સુખ મેળવે છે. એકબીજાની નાનીમોટી ભૂલોને માફ કરી, પોતાના પ્રિય પાત્રની ખુશીને અન્યોન્યની ખુશી બનાવનાર અને જીવનાર એક આદર્શ દાંપત્યજીવન જીવી શકે છે. બહુ જ સાંભળેલી એક વાત અહીં ટપકાવું છું. એક વખત ગાંધીજી અને ક્સ્તુરબા વચ્ચે મતભેદ થયો. અને એટલે સુધી બંનેએ એકબીજા સાથે બોલવાનું બંધ કર્યું. હવે નહિ બોલવાનો નિર્ધાર કર્યો પછી કોણ નમતું જોખે ? અને બોલ્યા વગર રહી નહિ શકાય એ પણ સત્ય હતું. બીજા દિવસે સવાર થતાં બાપુ બોલ્યા ચા 'બા' પીવાની છે કે નહિ ? કસ્તુરબા સમજી ગયા અને કસ્તુરબાએ પણ તક ઝડપી લીધી. તે પણ થોડીવાર પછી બોલ્યાં- છાપું 'બાપુ' વાંચ્યું કે નહિ ? બસ, એટલી હળવાશથી અને અનાયાસે આ વાકયો આવ્યા કે સ્વમાન ગુમાવ્યા વગર બંધ છૂટી ગયો.
આ કહેવાનો મતલબ એ નથી કે બધાએ આમ જ જીવન જીવવું. યા આવું ના કરી શકે તેનું દાંપત્યજીવન સુખી નથી હોતું. પરંતુ, જીવનના કેટલાય નાના નાના પ્રસંગો યા વાતો કેટલું બધું શીખવી જાય છે. અને એ જ, ગમે તે મનદુઃખના પ્રસંગે એક પૂરકબળ સાબિત થાય છે. જતું કરવાની ભાવના ઘણી ઊંચી ભાવના છે તેમાં કોઈ અપમાન નથી થતું કે કોઈનું સ્વમાન પણ નથી ઘવાતું. બલ્કે દાંપત્યપ્રેમની સીડીનું એક વધુ સોપાન સર થાય છે.
જિંદગીની ગાડી પતિ-પત્નીમાંથી માતા-પિતાના તબક્કામાં પ્રવેશે છે ત્યારે પણ બાળક અને ઘરકામમાં ઓતપ્રોત પત્નીને, તેની ભાવનાઓને સમજી એ સમયના ગાળાને પારખી, મદદરૂપ થતો પતિ તેમના દાંપત્યને મજબૂત બનાવે છે. બાળક તેમના પ્રેમને જોડતી કડી બની જાય છે. ઉંમરના એક પડાવે પતિ-પત્ની સર્વ સાંસારિક જવાબદારીમાંથી મુક્ત થાય છે. તેમના સંતાનો પણ જીવનમાં બરાબર ગોઠવાઈ જાય છે ત્યારે વીતેલા વર્ષોનું બાંધેલું દાંપત્યપ્રેમનું ભાથું તેમને ફરીથી મોકળાશ આપે છે. ઉંમરની સાથે સાથે તેમનો પ્રેમ પણ પાકટ અને મજબૂત બન્યો હોય છે. તનનો નહિ પણ મનનો પ્રેમ હોય છે, હવે તેમની પાસે પહેલાનો સમય પાછો આવે છે, તેમની રીતે જીવન જીવવાનો.
આ અંક પ્રસિદ્ધિ સમયે એટલું જ કહેવું છે કે-જીવનના દરેક પડાવ પર મેળવેલ અનુભવોને પચાવી, પતિ-પત્નીએ પોતાના દાંપત્યને સુદૃઢ બનાવવું, એકબીજાના શોખને પૂરા કરવાની કોશિશ કરવી, પોતાના સંતાનોના જીવનમાં પોતે જ્યાં ઉપયોગી થઈ શકે તેમ હોય ત્યાં ઉપયોગી થવું, તંદુરસ્તી હોય તો નાના મોટા પ્રવાસ યોજ્વા, પોતાની ઉંમરના મિત્રો બનાવવા, હંમેશા પોઝિટિવ અભિગમ કેળવવો. તમારા દાંપત્યના સુંદર ચિત્રમાં ભાતીગળ ભાત ઉપજાવી તમારા સંતાનો અને અન્ય માટે એક જ્વલંત ઉદાહરણ બની રહેવું એમાં જ ઉત્તમ દાંપત્યની સાર્થક્તા છે.