નવી દિલ્હી, તા. 15
તૃણમૂલ કોંગ્રેસની વડા મમતા બેનર્જીના 72 કલાકના અલ્ટિમેટમ પછી માયાવતીએ પણ ડિઝલના વધેલા ભાવ અને એફડીઆઈને મંજૂરીનો વિરોધ કરતા સરકારને સમર્થન પર પુનર્વિચારની ધમકી આપી દીધી છે.
બીજીતરફ તમામ ટીકાકારોને એકબાજુ કરીને વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે આપણે કઠિન સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ અને સખત નિર્ણય લેવો પડશે. નિર્ણયો પરત લેવાની સંભાવનાને ફગાવતા પીએમે ડિઝલના ભાવમાં વધારો અને એફડીઆઈના જાહેરાત પર સરકારનો ભરપૂર બચાવ કર્યો છે.
બીએસપીની સુપ્રીમો માયાવતીએ સરકારના નિર્ણયોને જનવિરોધી જાહેર કરતા કહ્યું કે તેઓ 10 ઓકટોબરના રોજ નિર્ણય કરશે કે યૂપીએને બહારથી સમર્થન આપવું કે નહીં. આજે મીડિયા સાથે વાતચીત કરતા તેમને સરકારની નીતિઓનો ભરપૂર ટીકા કરી હતી. વધુમાં તેમને જણાવ્યું કે સરકારનું આ પગલું જનવિરોધી છે અને તેમની પાર્ટી આનો વિરોધ કરે છે. 9 ઓકટોબરના રોજ સરકારની નીતિના વિરોધમાં લખનઉની અંદર સંકલ્પ મહારેલીનું એલાન કરતા બેઠકમાં નિર્ણય કરશે કે યૂપીએને બહારથી સમર્થન આપવું કે નહીં.
બીજી તરફ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાનું વલણ કડક કરતા કહ્યું છે કે ડેડલાઈન સમાપ્ત થયા પછી કડક નિર્ણય લેશે. તેમનું કહેવું છે કે અમારી પાર્ટીને એફડીઆઈનો નિર્ણય મંજૂર નથી. અને સરકારને આ નિર્ણય પરત લેવો પડશે. મમતા બેનર્જી અનુસાર યૂપીએ-2ની સરકાર કોંગ્રેસની સંપત્તિ નથી અને કોંગ્રેસને અમારી વાત સાંભળવી પડશે.
કયા રાજ્યોનો શું સ્ટેન્ડ છે
સમર્થન-
દિલ્હી, અસમ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા
વિરોધમાં-
પ. બંગાળ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, બિહાર, ત્રિપુરા, ઓડિશા