Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 06:25:56 AM IST
 

સિક્વલઃ સિનેમાની ટંકશાળ

Sep 15, 2012 Supplements > Sanskar
 
comment     E-Mail     Print    
 
Viewed: 1919
Rate: 5.0
Rating:
Bookmark The Article

મૂવિ મંચ - દિવ્યેશ વેકરિયા

અત્યારે દરેક ફિલ્મ નિર્માતા પોતાની હિટ ફિલ્મનું ટાઇટલ શોધીને તેના નામે સિક્વલની બનાવી દેવાની હોડમાં છે અને કરોડોની તગડી કરી લેવી છે. સારી ફિલ્મોની સિક્વલ બનવી જ જોઈએ પણ તે સિક્વલોમાં સળંગ સ્ટોરી તો હોવી જોઈએને. સિક્વલોના ઊધઈરૂપી રાફડામાં બોલિવૂડમાં અમુક બેસ્ટ સિક્વલો પણ બની છે

'રાઝ-૩'એ બોલિવૂડની એવી ફિલ્મ છે, જેનો ત્રીજો ભાગ રિલીઝ થયો હોય. (આ પહેલાં માત્ર 'ગોલમાલ-૩' બની હતી અને અન્ય એનિમેશન ફિલ્મો) 'રાઝ-૩' તેના પ્રથમ ભાગ 'રાઝ'ની સામે એટલી કમજોર છે કે તેના દિગ્દર્શક વિક્રમ ભટ્ટને પણ જોવી નહી ગમે. તો દર્શકોની તો વાત જ ક્યાં કરવી. 'રાઝ-૨'ના બૂરા હાલ પછી 'રાઝ-૩' કેમ બનાવી, એ તો ભટ્ટ નિર્માતા જ જાણતા હશે! વળી, ફિલ્મો દર્શકોને ભલે પસંદ ન પડે પણ કરોડોની કમાણી તો કરી આપે છેને. ૨૦૦૨ની 'રાઝ'એ બોલિવૂડની શ્રેષ્ઠ હોરર ફિલ્મોમાંની એક છે. અને 'રાઝ-૩' વિક્રમ ભટ્ટને ફરીથી નબળા દિગ્દર્શક સાબિત કરી બતાવે છે. ભટ્ટ ફિલ્મ્સે તેની હિટ ફિલ્મોની સિક્વલ બનાવીને કમાણીનું સાધન બનાવી લીધું પણ સારી ફિલ્મો બનાવતા ભૂલી ગયા. હકીકતમાં તો તેમણે સિક્વલોના નામે ફિલ્મોનો દાટ વાળ્યો છે. 'મર્ડર', 'જન્નત', 'રાઝ' અને 'જિસ્મ' દરેક ફિલ્મનો પ્રથમ ભાગ સરસ હતો પણ તેનો આગામી ભાગ તમને થિયેટરમાં બેસાડીને જુલમ કરાવતો હોય તેવો અહેસાસ કરાવે છે. હવે તો ભૂતકાળમાં જઈને ૨૦ વર્ષ પહેલાંની મ્યુઝિકલ હિટ 'આશિકી'ની સિક્વલ બનાવે છે. બોલિવૂડમાં બકવાસ ફિલ્મોની પણ સિકવલો બને છે અને તે કામ એકતા કપૂર જ કરી શકે. 'ક્યા કૂલ હૈં હમ'ની સિક્લવ 'ક્યા સુપર કૂલ હૈં હમ' ફિલ્મ છે કે કોમેડી સર્કસમાં ચાલતો સેક્સી કોમેડી શો, ખબર જ ન પડે.

રામ ગોપાલ વર્માને સારા ગણો કે ખરાબ પણ તે સિક્વલોના માસ્ટર છે. તેમની ફિલ્મો વિશે કંઈક કહેવું એટલે 'નરો વા કુંજરો વા' જેવું છે. 'સરકાર' જેવી લેન્ડમાર્ક ફિલ્મ બનાવનાર 'સરકાર રાજ'ને સરકાર સાબિત ના કરી શક્યા. 'રક્તચરિત્ર' ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ તેમણે બંને ભાગ તૈયાર કરી નાખ્યા હતા. 'ફૂંક'ની સિક્વલ બનાવીને રામુ પોતે ફૂંક થઇ ગયા. તેમને ફરીથી ભૂત જાગ્યું છે તો તેઓ તેમની હિટ હોરર ફિલ્મ 'ભૂત'ના નામે દર્શકોને બેવકૂફ બનાવવા 'ભૂત રિટર્ન્સ' લઈને આવી રહ્યા છે. આ ભાઇ 'ડરના મના હૈં'ની સિક્વલ 'ડરના જરૂરી હૈં' બનાવી શકે છે તો વિચારો હજી તો તે શું કરી શકે. અંતથી શરૂઆત તરફની સિક્વલો પણ તે બનાવી જાણે છે 'કંપની'થી 'ડી' અને 'કોન્ટ્રાક્ટ'. ફિલ્મ બનાવવામાં તેઓ સફળ રહ્યાં પણ દર્શકો તરફથી માત્ર નારાજગી જ મળી.

અનુરાગ કશ્યપે પણ રામુની જેમ બેક ટુ બેક 'ગેંગ્સ ઓફ વાસેપુર' ફિલ્મ બનાવી દીધી. અનુરાગની બંને ફિલ્મો સફળ રહી પણ 'ગેંગ્સ ઓફ વાસેપુર-૧' જેવો તેઓ પણ બીજો ભાગ નહોતા બનાવી શક્યા. રોહિત શેટ્ટીએ તો 'ગોલમાલ'ના નામ પર વાહિયાત કોમેડી સિક્વલોની લાઇન કરી આપી. આ બધી ફિલ્મોએ કરોડોની કમાણી કરાવી આપી હતી, જે તેની મૂળ ફિલ્મ પણ નહોતી કરી શકી. ૨૦૦૬માં આવેલી 'ગોલમાલ'ની નજીક તેની એક પણ 'ગોલમાલ' નથી પહોંચી શકે તેમ. 'ગોલમાલ' સિવાય 'સિંઘમ' જેવી સારી ફિલ્મો તે બનાવી શકે પણ સિક્વલના નામે તો તેણે દર્શકોને ઘાસચારો જ ખવરાવ્યો.

ભારતમાં શ્રેષ્ઠ સિક્વલ ફિલ્મો અને સિક્વલ કહેવાનું મન થાય તેવી ફિલ્મ બનાવવાનો યશ રાકેશ રોશનને આપવો પડે. 'કોઇ મિલ ગયા'ની સફળતા પછી પણ તેમણે 'ક્રિશ'એવી ફિલ્મ બનાવી જે 'કોઇ મિલ ગયા' કરતાં સારી સાબિત થઇ. રાજ કુમાર હિરાણીની 'મુન્નાભાઈ' સિરીઝ અને યશરાજ પ્રોડક્શનની 'ધૂમ' સિરીઝ બેસ્ટ છે. ફરહાન અખ્તરે 'ડોન-૨' કરીને ફિલ્મ સિરીઝની થોડી ઇજ્જત જાળવી રાખી છે. દર્શકો પણ આ ફિલ્મોના આગામી ભાગની જ રાહ જુએ છે. બની શકે આ સારી સિક્વલ ફિલ્મોમાં આગામી સમયમાં મિલન લુથરિયાની 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ અગેઇન' અને અબ્બાસ-મસ્તાનની 'રેસ-૨'નો સમાવેશ થાય.

બોલિવૂડમાં હોલિવૂડ જેવી સિક્વલો નથી બનતી તે વાત માનવી રહી પણ એવું જરૂરી નથી કે તેની દરેક સિક્વલો સારી જ બની છે. હોલિવૂડમાં 'લોર્ડ ઓફ ધ રિંગ', 'ગોડફાધર' અને 'બેટમેન' જેવી શ્રેષ્ઠ સિક્વલો બની છે તો 'પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન' જેવી ફિલ્મોએ નિરાશ પણ કર્યાં છે. હોલિવૂડની 'બોન્ડ ૦૦૭' સિરીઝ હોય કે 'મિશન ઇમ્પોસિબલ'ની સિરીઝ હોય દરેક વખતે તેઓ પણ દર્શકોને ખુશ કરવામાં સફળ નથી થયા. હા, તેમની ફિલ્મોમાં એક વાત જરૂર હોય છે જે આપણી ફિલ્મોમાં નથી હોતી તે છે ફિલ્મોની સળંગ સ્ટોરી. જોકે, અહીં તો માત્ર કમાણી કરવાનો જ હેતુ હોય તો પછી ક્વોલિટીની અપેક્ષા કઈ રીતે રાખી શકાય

vekariadivyesh@gmail.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com