રાજકોટ તા.૧૬
પડધરી નજીક આવેલી દીપચંદ ગાર્ડી સ્કૂલની ધોરણ ૧૧ની બે છાત્રાને લઈને દોઢ માસ પૂર્વે નાસી ગયેલા લંપટ પ્રિન્સિપાલ ધવલ હરિશચંદ્ર ત્રિવેદીનો કોઈ અતોપતો પોલીસને લાગ્યો નથી પરંતુ પ્રિન્સિપાલના કરતુતો બહાર આવતાં જાય છે. વિદ્યાર્થિનીઓ સાથે નાસી જવાની અગમ તૈયારી હોય એ રીતે ધવલ ત્રિવેદીએ મેનેજમેન્ટને અંત સુધી અંધારામાં રાખી વિદ્યાર્થીઓની જમા થયેલી ફી પૈકીની પાંચેક લાખ રૂપિયા જેવી રકમ પણ સાથે લઈ ગયાનું બહાર આવ્યુ છે.
- પડધરીની દીપચંદ ગાર્ડી સ્કૂલની બે છાત્રાને ઉઠાવી જનાર
- જતા પૂર્વે સી.સી.ટીવી કેમેરામાંથી પોતાના વિડીયો ફુટેજ પણ ડીલીટ કરી નાખ્યા હતા
સાતીર દિમાગના ધવલ ત્રિવેદીએ અગાઉ પણ જ્યાં નોકરીઓ કરી હતી તે સ્થળોએ પણ પોતાની કળા કરી હતી જોકે એ કરતુતો કંપનીઓ તેમજ મહિલા કર્મચારીઓની આબરૂ જવાના ડરના કારણે બહાર આવ્યા ન હતા. ગાર્ડી સ્કૂલના ટ્રસ્ટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા અત્યાર સુધી પોલીસ દફ્તરે નહીં ચઢેલાં ધવલના કરતુતો ખુલવા પામ્યા હતા. બંને વિદ્યાર્થિનીઓને લઈને પ્રિન્સિપાલ ધવલ પોબારા ભણી ગયા બાદ ટ્રસ્ટી મંડળ દ્વારા વહીવટી હિસાબ કિતાબ ચેક કરાયા હતા.
જેમાં ધવલે વિદ્યાર્થીઓની જમા થયેલી ફી પૈકીની પાંચ લાખની રકમ મેનેજમેન્ટમાં જમા કરાવવાના બદલે પોતાના પાસે જ રાખી હતી અને જે રકમ પણ સાથે જ લઈને નાસી ગયો હતો.સાતીર દિમાગના ધવલે પોતાનું કોઈ આઈડેન્ટી થઈ શકે તેવુ પ્રુફ ન રહે તે માટે તમામ હતકંડા અજમાવી લીધા હતા. સ્કુલ કેમ્પસ તેમજ ચેમ્બરમાં સી.સી.ટીવી કેમેરા લગાવેલા હોય જેના વિડીયો ફુટેજમાં પોતાની જ્યાં જ્યાં તસ્વીરો છે તે તમામ દ્રશ્યો ભાગતા પૂર્વે ડીલીટ કરી નાખ્યા હતા. જેથી કોઈ પુરાવાઓ હાથ ન લાગે. આ ઉપરાંત સ્કુલમાં થયેલાં ફંકશનના ફોટો આલ્બમમાંથી પોતાની તસ્વીરો અને કાર્યક્રમની વિડીયો સી.ડી.માંથી પણ પોતાના દ્રશ્યો કાઢી નાખ્યા હતા. આશાવાદી પોલીસે મળ્યા તેટલા પુરાવાઓ હાથવગા કર્યા છે. અને નેપાળના ઓખરા શહેરમાં આવેલી ઓલ એંજલ સ્કુલમાં અગાઉ ધવલ નોકરી કરતો હતો ત્યાં પણ એક ટીમ તપાસ અર્થે રવાના થઈ હોવાનું જાણવા મળે છે.
સીમકાર્ડ લેવા પણ વાલીઓના ડોક્યુમેન્ટસનો ઉપયોગ કર્યો
બે વિદ્યાર્થિનીઓ સાથે નો દો ગ્યારાહ થઈ ગયેલા લંપટ પ્રિન્સિપાલ ધવલને શોધવામાં પોલીસ છેલ્લા દોઢેક માસથી દોડીને હવે હાંફી ગઈ છે પરંતુ પોલીસથી પણ એક કદમ આગે ચાલનારા ધવલે પોલીસને કોઈ કડી મળે તેવો પુરાવો છોડયો નથી. ધવલ ત્રણ,ત્રણ મોબાઈલ રાખતો હતો. જે ત્રણે નંબર ભાગ્યા બાદ ચાલુ જ થયા નથી. અને એ ઈન્સ્ટ્રુુમેન્ટનો પણ ઉપયોગ થયો નથી. પોલીસે ત્રણે સીમકાર્ડની ડીટેઈલ મેળવી તો સીમકાર્ડ પણ અન્યના નામે બોલતાં હતા. ધવલે સીમકાર્ડ કઢાવવા માટે પણ વિદ્યાર્થીઓના વાલીઓના જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો હતો. પહેલેથી જ ગુનાખોર માનસ ધરાવતાં ધવલે અગાઉ પણ પોતે જે સંસ્થાઓ, કંપનીઓમાં નોકરી કરતો હતો ત્યાં પણ પોતાના નામના સીમકાર્ડનો ઉપયોગ કરતો ન હતો તેવુ પણ પોલીસને જાણવા મળ્યુ છે.