એક્સ્ટ્રા કોમેન્ટ
ડો. મનમોહનસિંહની પેરાલિટિક સરકારે આખરે આર્થિક ઉદારીકરણની ગાડીને ચોથા ગિયરમાં નાખીને વિરોધ પક્ષોના રોડ બ્લોક્સ સાથે અથડાવાનું જોખમ વહોર્યું છે. છૂટક કારોબારમાં ૫૧ પ્રતિશત વિદેશી મૂડીરોકાણને સરકારે આપેલ લીલી ઝંડી સામે અપેક્ષા પ્રમાણે જ બૂમાબૂમ થઈ છે અને નરેન્દ્ર મોદીથી લઈને મુલાયમ અને મમતાથી લઈ શરદ યાદવ સુધીના વિપક્ષી નેતાઓએ ૨૦મીએ ભારત બંધનું એલાન કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. મમતા બેનરજીને તો ભાવતું હતું ને વૈદ્યે કહ્યા જેવું થયું છે. ઉદારીકરણની રામાયણમાં જ અગાઉ બગાવત કરી ચૂકેલાં મમતા હવે આ રિટેલ એફડીઆઈના મુદ્દે સરકાર છોડવાના મૂડમાં છે. ભાજપને યુપીએ સરકારનો કોલર હાથમાં આવતો ન હતો એટલે આ એફડીઆઈને સાધન બનાવી 'રાજકીય યુદ્ધ' જાહેર કર્યું છે. નરેન્દ્ર મોદી અત્યાર સુધી કોર્પોરેટ વિકાસની માળા જપતા હતા એમને અચાનક ખેડૂતો અને અનાજ-કરિયાણાવાળા યાદ આવ્યા છે.
ટૂંકમાં ડોક્ટરે આપેલ એફડીઆઈની ગોળીની અસર થાય તે પહેલાં એની (આડ) અસર રાજકીય મોરચે જરૂર થઈ છે. ૨૧ સાંસદો મારફતે સરકારને બહારથી ટેકો આપતાં માયાવતીએ ૯મી ઓક્ટોબરે લખનૌમાં જનરેલી કાઢીને ૧૦મી ઓક્ટોબરે ટેકો પાછી ખેંચવાનો નિર્ણય લેવાની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી બંનેય કોંગ્રેસથી છેડો ફાડે એવી સંભાવના ઓછી છે. એટલે જ માયાવતીએ એક મહિનાનો લાંબો સમય લીધો છે જેથી સરકારના આ નિર્ણય પર બીજા પક્ષોની ક્રિયા-પ્રતિક્રિયા જોઈ લેવાય.
મનમોહનસિંહનું પગલું ગણતરીપૂર્વકનું અને ચાલાકીપૂર્ણ છે. વિપક્ષોની બૂમાબૂમ દમવાળી હોય તો પણ અર્થ વગરની છે. મનમોહને આ જાહેરાત કરી ત્યારે વચ્ચે પથરો મૂક્યો હતો કે, છૂટક કારોબારમાં વિદેશી રોકાણ આવવા દેવું કે નહીં એ દરેક રાજ્ય. સરકારોની મુનસફી પર છે. ડોક્ટરે અંગ્રેજીમાં કહે છે તેમ, સુગરકોટેડ ગોળી પાઈ દીધી છે. સ્વદેશી કારોબારના નામે વિપક્ષો લાઉડસ્પીકર ગજવશે એવી સરકારને ખાતરી હતી એટલે જ એણે એક ઝાટકે રિટેલ માર્કેટના દરવાજા ખોલી નાખીને દરવાજાની ચાવીઓ રાજ્ય સરકારોના ગજવામાં નાખી દીધી. હવે મારો તાળું જો તમને લાગતું હોય કે આ 'વોલમાર્ટીયાઓ લૂંટાલૂંટ કરશે.'
આ એના જેવું છે કે, કોઈ પુસ્તક પર પ્રતિબંધની બૂમાબૂમ થતી હોય તો હોશિયાર માણસો આગળ આવીને કહે છે, "તમારી લાગણી ઘવાતી હોય તો ચોપડી બાજુ નજર પણ નહીં નાખતા, પણ અમને તો જોવા દો કે અંદર શું છે." મનમોહનસિંહે હોશિયારી વાપરી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે આ જબ્બર પોલિસી મેટરની ચર્ચા કરતી વખતે એમણે ગોડફાધરના માર્લોન બ્રાન્ડોની માફક કહ્યું હશે કે, "આઈ એમ ગોના મેક એન ઓફર હી કેન નોટ રિફ્યુઝ." યાની કે, હું વિપક્ષોને આ એફડીઆઈની એવી ઓફર આપવાનો છું કે એ બૂમાબૂમ કરશે, ચીસાચીસ કરશે, પણ અંતે આપણે લોકોની લાગણી પહોંચાડી દીધી" એવો સંતોષ લઈને વોલમાર્ટ સાથે પાર્ટી મનાવતા હશે.
સરકારે અત્યાર સુધી આવી વ્યૂહરચના, એફડીઆઈની ઘોષણા કરી એના એક દિવસ પહેલાં થયેલા પેટ્રોલિયમ ભાવવધારામાં બતાવી છે. પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારા સામે વિપક્ષી રાજ્ય. સરકારોની બૂમાબૂમ આમે કેન્દ્ર સરકારની એક જ દલીલ રહી છે : ગ્રાહકો જે પૈસા ચૂકવે છે તેનો મોટો હિસ્સો રાજ્ય અને કેન્દ્રીય વેરામાં જાય છે એટલે રાજ્ય સરકાર ઈચ્છે તો એનો વેરો જતો કરીને કે ઓછો કરીને ગ્રાહકોને સસ્તા દરે ઇંધણ પૂરું પાડી શકે છે. આવું થતું નથી, એ જુદી વાત છે. અર્થતંત્ર લાગણીઓ પર નહીં, પરંતુ નક્કર અને કડવી વાસ્તવિકતા પર ચાલે છે.
સરકારે એક સાથે હિસાબ વાળી લીધો છે. ડો. મનમોહનસિંહ અપંગ થઈ ગયા છે એવી ટીકાઓથી વ્યથિત થઈને એમણે પલટવાર કર્યો છે. કેબિનેટની એક કમિટીએ કોલ બ્લોકના ડેડલોકને તોડી નાખ્યું. બીજી કમિટીએ ડિઝલમાં પાંચ રૂપિયા વધારી દીધા. ઇકોનોમિક અફેર્સ પરની કમિટીએ રિટેલ ઉડ્ડયન બ્રોડકાસ્ટિંગ અને સરકારી કંપનીઓમાં વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપી દીધી.
આઠ વર્ષનો પેરાલિસિસ ૨૪ કલાકમાં ખતમ થઈ ગયો. ૨૪ કલાકમાં જ વિદેશી સમાચાર એજન્સીઓને ડો. મનમોહનસિંહમાં 'ભગવાન'નાં દર્શન થઈ ગયાં. ગઈકાલ સુધી અમેરિકન મીડિયા મનમોહનસિંહને ભાંડવામાં બાકી રાખતું ન હતું એ તારીફના પુલ જ નહીં, પૂરો રામસેતુ બાંધી રહ્યું હતું.
ભારતીય રિટેલ બજારમાં વિદેશી મૂડીરોકાણની વકાલત નવી નથી. ભારતના ૪૫૦ અબજ ડોલરના રિટેલ વેપારમાં પગ મૂકવા માટે અમેરિકન વોલમાર્ટે કેટકેટલી માનતાઓ માની હતી. અટલ બિહારી વાજપેયીના વખતથી આ કવાયત ચાલતી હતી. મનમોહનના મંદિરમાં ય પૂજા કરવામાં વોલમાર્ટે કંઈ બાકી રાખ્યું ન હતું. અમેરિકન યુરોપિયન મીડિયામાં મનમોહનની નિંદાનો જે કાર્યક્રમ ચાલતો હતો એ 'પૂજા'ના ષડયંત્રનો જ એક ભાગ તો ન હતો ને ? હુ નોઝ ?
જો કે, ડોક્ટરે વિદેશી કંપનીઓનું જ ધ્યાન રાખ્યું છે એવું નથી. ઉડ્ડયનનમાં ૪૯ પ્રતિશત એફડીઆઈની મંજૂરીથી વિજય માલ્યાની કિંગ ફિશર જેવી ડૂબતી-હાંફતી એરલાઈન્સોને નવી રાહત મળશે. એવી જ રીતે અમુક દેશી વ્યાપાર માટે રોડમેપ તૈયાર થયો છે અને કેટલીક સરકારી કંપનીઓમાં ૧૦થી ૧૨ પ્રતિશત વિદેશી મૂડીરોકાણનો દરવાજો ખૂલ્યો છે. આ આર્થિક હિસાબ-કિતાબમાં સરકારે રાજનૈતિક ગણિત પણ સરખું કરી લીધું છે. દાખલા તરીકે રિટેલમાં એફડીઆઈને મંજૂરી આપવા સાથે સરકારે રાજ્યોને રાષ્ટ્રનો દરજ્જો આપી દીધો છે. મતલબ કે કેન્દ્ર સરકાર ગુજરાતને (ફોર ધેટ મેટર, કોઈ પણ વિપક્ષ શાસિત રાજ્યને) અન્યાય કરે છે એવું ફાલતુ રોણું રડતા મોદીને ડોક્ટરે કહ્યું છે કે, હવે કરો તમે જ તમારા રાજ્યનો ન્યાય (કે અન્યાય, અનુકૂળતા પ્રમાણે).
ટૂંકમાં, મોટા ડોક્ટરે કંપાઉન્ડરોના હાથમાં સ્ટેથોસ્કોપ અને ઇન્જેક્શન થમાવી દઈને એક સાથે બે ઇલાજ કરી દીધા : પોતે ડેડલોકમાંથી બહાર નીકળી ગયા અને વિરોધ પક્ષોને તમે જ કરો તમારો ઇલાજ એવો પાઠ પણ ભણાવવા ગયા. આને કહેવાય સાપ મારે પણ લાઠી ભાંગે નહીં.