કરાકસ, તા. ૧૭
વેનેઝુએલાની સુંદરીઓએ પાંચ વાર મિસ યુનિવર્સ અને પાંચ વખત મિસ વર્લ્ડનો તાજ જીત્યો છે. આ બાબતને જોતાં આશ્ચર્ય ન થવું જોઈએ કે ત્યાં યુવતીઓને વિશ્વસુંદરી બનવાનાં સપનાં હોય અને તેમનાં માતા-પિતાની પણ ઇચ્છા હોય કે તેમની પુત્રી એક દિવસ વિશ્વમાં છવાઈ જાય.
- બ્યુટી સ્કૂલમાં કેટવોકથી લઈને વાઇનનો ગ્લાસ પકડવા સુધીની ટ્રેનિંગ
- અનેક યુવતીઓ બ્યુટીક્વીનનાં સપનાં સાથે ટ્રેનિંગમાં જોડાય છે
- ચારથી ૧૧ વર્ષની સગીરાઓેમાં ફેશનનો સૌથી વધુ ક્રેઝ
વિશ્વસુંદરી બનવા માટે યુવતીઓને ટ્રેનિંગ આપવામાં આવે તે સમજી શકાય તેવી બાબત છે, પરંતુ વેનેઝુએલામાં માત્ર ચાર વર્ષની ઉંમરથી જ બાળકીઓને સુંદરતાના પાઠ શીખવવામાં આવે છે. રાજધાની કરાકસ સહિત દેશના અન્ય ભાગોમાં હાલ બ્યુટી સ્કૂલોનો રાફડો ફાટયો છે, કરાકસની બહાર આવેલી ગિસ્સેલની બ્યુટી સ્કૂલમાં બ્યુટીસ્પર્ધા માટેના વિવિધ પાઠ શીખવવામાં આવે છે. ૧૯૬૦ના દશકામાં એક 'સ્ટાઇલ વિલા'ને આ બ્યુટી ક્વીન સ્કૂલમાં બદલવામાં આવી હતી. અહીં કેટવોકથી લઈને વાઇનના ગ્લાસને કેવી રીતે પકડવો તેની ટ્રેનિંગ આપવામાં આવે છે. કેટવોકની ટ્રેનિંગ આપનાર એન્ડ્રી રેડ્સ કહે છે કે મેકઅપ સ્વાભાવિક દેખાવો જોઈએ અને યુવતીઓેએ હંમેશાં ઊંચી એડીનાં સેન્ડલ પહેરવાં જોઈએ.
રમતની જેમ જ ફેશન હરીફાઈ
વિશ્વમાં વિવિધ રમતો માટે અનેક હરીફાઈઓ દર વર્ષે યોજવામાં આવે છે, તેવી જ રીતે વેનેઝુએલામાં દર વર્ષે ફેશનસ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. સૌંદર્યસ્પર્ધા માટે તૈયારી કરી રહેલી એક યુવતીનું કહેવું છે કે આ દેશમાં સૌંદર્યસ્પર્ધાઓને એવી રીતે જોવામાં આવે છે જેવી રીતે બાકીના દેશોમાં રમતગમત સ્પર્ધાઓને જોવામાં આવે છે. વેનેઝુએલાએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઘણી સફળતાઓ હાંસલ કરી છે, ઉપરાંત તેનું કહેવું છે કે અમારી પાસે એવી ફોર્મ્યુલા છે જે દુનિયાને પ્રભાવિત કરી શકે છે.
માતા-પિતા જ આપે છે પ્રેરણા
હાલ વેનેઝુએલામાં મોટાભાગનાં લોકો સૌંદર્યની પાછળ દોટ મૂકી રહ્યાં છે. બાળકી ચાર વર્ષની થાય ત્યારથી જ તેને બ્યુટી સ્કૂલમાં દાખલ કરી દેવામાં આવે છે. માતા-પિતા હંમેશાં તેમની પુત્રીઓને સૌંદર્ય અંગે પ્રેરિત કરે છે, કારણ કે તેઓ માને છે કે જો તેમની પુત્રી બ્યુટી ક્વીન તરીકે સફળ થઈ ગઈ તો તેમની ગણના વિશ્વનાં પ્રખ્યાત લોકોમાં થવા લાગશે.
માત્ર બ્યુટી અંગેનું શિક્ષણ મોંઘું પડી શકે છે
ગિસ્સેલની આ બ્યુટી સ્કૂલમાં કુલ ૧૬૦ યુવતીઓ છે જેમાં મોટાભાગની યુવતીઓની ઉંમર ચાર વર્ષથી લઈને અગિયાર વર્ષ છે. બેકગ્રાઉન્ડમાં વાગી રહેલી સંગીતની ધૂન સાથે રેમ્પ પર કેટવોક કરી રહેલી સગીર બાળકીઓને એે વાતની ખબર નથી કે આ ટ્રેનિંગ તેમના માટે ઘાતક સાબિત થઈ શકે છે. ગિસ્સેલ સ્કૂલની સંસ્થાપક જ સ્વીકારે છે કે શારીરિક સુંદરતાની સાથે યુવતીઓએ મહત્ત્વપૂર્ણ સામાજિક દક્ષતા પર પણ ધ્યાન આપવું જોઈએ, જો કોઈ યુવતીએ માત્ર સૌંદર્ય પર જ ધ્યાન આપ્યું અને તેને મિસ વેનેઝુએલા બનવાની તક ના મળી તો તે અહીં ભૂખી મરી જશે.