સુરત, તા. ૧૭
સાયણ સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ભાવ ઓછા જાહેર કરવા મુદ્દે સભાસદોની નારાજગીને ખાળવા અને પોતાના ગેરવહીવટ પર ઢાંકપિછોડો કરવા સત્તાધીશોએ આખરે ચીફ કેમિસ્ટનું રાજીનામું લઇ લીધું હતું.
- મનહર પ્રજાપતિ પાસેથી ચીફ કેમિસ્ટ પદેથી રાજીનામું લઇ લેવાયું
- ખાંડ ઉત્પાદનની સઘળી પ્રક્રિયા એમડીના માર્ગદર્શન હેઠળ થતી હોવા છતાં દોષનો ટોપલો માત્ર ચીફ કેમિસ્ટને માથે
- સાયણ સુગરના ઓછા ભાવ મામલે
જો કે, ઓછી રિકવરી મુદ્દે ચેરમેન કેતન પટેલ સહિત ચીફ એમ.ડી. સહિતના હોદ્દેદારોની જવાબદારી હોવા છતાં કેમિસ્ટ પર દોષનો ટોપલો ઢાળવાના કૃત્યથી દક્ષિણ ગુજરાતના સહકારી આલમમાં ઘેરો પ્રત્યાઘાત પડવા સાથે સભાસદોમાં પણ અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓના ભાવની સરખામણીમાં સાયણ સુગરે જાહેર કરેલા ભાવથી થયેલો ભડકો તથા સભાસદોમાં ઉઠેલા વિરોધના સૂરને ઠંડો કરવા મેનેજમેન્ટે આજે ૩૪ વર્ષ જૂના ચીફ કેમિસ્ટ મનહર પ્રજાપતિને એક ઝાટકે સુગરનો ઝાંપો બતાવી રાજીનામું લઇ લીધું હતું. જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચીફ કેમિસ્ટની જવાબદારી પ્રોસેસ પ્રક્રિયાની હોય, એમ.ડી.ના સીધા નિરીક્ષણ હેઠળ પ્રોસેસ હાથ ધરાઈ છે. તથા પ્રતિદિન ફેક્ટરીમાં એમ.ડી. સમગ્ર પ્રક્રિયાનું વિશ્લેષણ તથા માર્ગદર્શન આપતા હોય, રિકવરીના મામલે ચીફ કેમિસ્ટ સાથે એમડી પણ એટલા જ જવાબદાર હોવાનું લોકો માની રહ્યા છે.
રિકવરી ઓછી થવાનું મુખ્ય એક પરિબળ શેરડીની બદલાતી જાત કે જેમાંથી ક્રસિંગ મિલ ઉપર જે જ્યુસ નીકળવું જોઇએ તે જ્યુસ જ નહીં નીકળતા ખાંડનું ઉત્પાદન દિનપ્રતિદિન ઘટ્યું છે. આ ઉપરાંત ક્રસીગ મશીનરીનું મેઇન્ટેનન્સ પણ કારણભૂત હોવાનું કહેવાય છે. રિકવરીના મામલે એમડીની જવાબદારી બનતી હોય છે. અહીં એમડીના તાબામાં આવતી એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ તથા એગ્રિકલ્ચર વ્યવસ્થા ઉપર મૂળ એમડીનો કંટ્રોલ ન હોવા ઉપરાંત ઓછી રિકવરી સહિતની ગેરવ્યવસ્થા શેરડીના ઓછા ભાવો પાછળ મહત્ત્વપૂર્ણ હોવાનું લોકો માની રહ્યા છે.