હ્યુસ્ટન, તા. ૧૮
ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં ટઇથ્લોન પૂરી કરી છે. તેમણે આ સપ્તાહના અંત દરમિયાન દક્ષિણ કેલિફોર્નિયામાં આયોજિત નોટિકા માલિબુ ટ્રાઇથ્લોનના એથ્લિટ્સની સાથેસાથે અવકાશમાં દોડ, સાઇકલ અને સ્પેસ સ્વિમિંગ કરી ટ્રાઇથ્લોનમાં એક નવો વિક્રમ સર્જ્યો છે.
સુનિતાનું માનવું છે કે, આ બધું નાસાના એક્સર્સાઇઝ લેબ સ્ટાફ અને સીએનએનના મેડિકલ પ્રતિનિધિ સંજય ગુપ્તાએ આપેલી ટ્રેનિંગની મદદથી શક્યું બન્યું છે. સુનિતાએ પોતાને સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગે સૂચનો આપવા બદલ ન્યુરોસર્જન ગુપ્તા સહિત તેમની સાથે આ અભિયાનમાં સંકળાયેલી દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે રવિવારે ઓર્બટલ ફિનિશ લાઇન પાર કર્યા પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનેથી કહ્યું હતું કે, 'ટ્રાઇથ્લોન પૂરી કરવાનું કારનામું અવકાશયાત્રીની શક્તિ માટે ખૂબ મહત્ત્વની બાબત છે. હું ખુશ છું. આ સ્પોર્ટ્સ સરળ નહોતી અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મેં ટ્રાઇથ્લોન પૂરી કરતાં કેલિફોર્નિયાની દરેક વ્યક્તિ ખુશ થઈ હશે.'
આ રીતે પૂરી કરી ટ્રાઇથ્લોન
એક્સપિડિશન-૩૩ના કમાન્ડર સુનિતાએ સ્પેસ સ્ટેશનમાં સ્ટેશનરી બાઇક, ટ્રેડમિલ જેવાં કસરતનાં ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો. ટ્રાઇથ્લોનના ત્રીજા રાઉન્ડ સ્વિમિંગ માટે તેમણે એડવાન્સ્ડ રિસિસ્ટિવ એક્સર્સાઇઝ ડિવાઇસનો ઉપયોગ કર્યો હતો. તેમણે ટ્રાઇથ્લોન પૂરી કરવા માટે ચાર માઇલ રનિંગ, ૧૮ માઇલ બાઇકિંગ તથા અડધો માઇલ સ્પેસ સ્વિમિંગ કર્યું હતું. આ માટે તેમણે એક કલાક, ૪૮ મિનિટ અને ૩૩ સેકન્ડનો સમય લીધો હતો.
૧ કલાક, ૪૮ મિનિટ અને ૩૩ સેકન્ડમાં ટ્રાઇથ્લોન પૂર્ણ