લિન્કોન : 19, સપ્ટેમ્બર
સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટે ચાર વિકેટ સાથે તરખાટ મચાવતાં યજમાન ન્યૂઝીલેન્ડ 'એ' સામેની પ્રથમ વન-ડેમાં ભારત 'એ'નો ૩ વિકેટે વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડ 'એ' ૪૮.૨ ઓવરમાં ૧૭૬માં આઉટ થઇ ગયું હતું. ઉનડકટે ૪૪ રનમાં ૪ વિકેટ ખેરવી હતી. ભારતે ઉન્મુક્ત ચંદના ૩૨, મનદીપસિંહના ૩૪ રનની મદદથી આ લક્ષ્યાંક ૪૭.૨ ઓવરમાં વટાવ્યો હતો. આ વિજય સાથે જ ભારતે ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી છે.
જયરામ, પી. સિંધુ બીજા રાઉન્ડમાં
ટોકિયો : અજય જયરામે જી લિઆંગ વોંગ સામે ૨૧-૧૪, ૨૧-૧૪થી વિમેન્સ સિંગલ્સમાં પીવી સિંધુએ જાપાનની કાઉરી ઇમાબેપુ સામે ૨૧-૧૮, ૧૭-૨૧, ૨૧-૧૩થી વિજય મેળવી જાપાન ઓપન બેડમિન્ટનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, અલબત્ત પી. કશ્યપ અને ગુરુસાંઈ દત્ત પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર ફેંકાઈ ગયા હતા.
સચિનના ફોટાને ૫૮,૩૦૦ લાઇક્સ મળી
મુંબઈ : સચિન તેંડુલકર ફેસબુક પર આવતાંની સાથે જ છવાઈ ગયો છે. સચિને હાલમાં સોશિયલ નેટર્વિંકગ સાઇટ ફેસબુક પેજ પર એક ફોટો અપલોડ કર્યા હતો. આ ફાટોને એક દિવસમાં ૫૮,૩૦૦ વ્યક્તિઓએ લાઇક કર્યા હતો. આ ઉપરાંત ૩,૦૦૦ લોકોએ ફોટો શેર કર્યા હતો અને ૩,૧૫૦ લોકોએ કોમેન્ટ કરી હતી. આ ફોટામાં સચિન હૈદરાબાદના ફલકનુમા નામના પ્રાચીન મહેલની બાલ્કનીમાં રેલિંગ પાસે ઊભેલો દેખાય છે. સચિન ૧૨ સપ્ટેમ્બરે ફેસબુક પર જોડાયો હતો. સાત દિવસમાં તેને ૯ લાખ ૧૬ લોકોએ લાઇક કર્યા છે.