નવી દિલ્હી, તા. ૧૯
લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ સાયના નહેવાલનો સિતારો આસમાને છે. સાયનાની લોકપ્રિયતાનો લાભ ખાટી લેવા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની રિહતીએ ત્રણ વર્ષ માટે ૪૦ કરોડ રૂપિયાનો કરાર કર્યા છે. આ કરાર સાથે જ સાયના સૌથી વધુ કમાણી કરનારી ભારતીય મહિલા પ્લેયર બની છે. ભારતમાં ક્રિકેટની રમતને બાદ કરવામાં આવે તો સાયનાનો આ સૌથી મોટો સ્પોર્ટ્સ કોન્ટ્રાક્ટ છે.
બેડમિન્ટનમાં હાઈએસ્ટ પેઇડ પ્લેયર બની
૪૦ કરોડના કરાર સાથે જ સાયના વિશ્વની સૌથી વધારે કમાણી કરનારી બેડમિન્ટન પ્લેયર પણ બની છે. ચીનનો લિન દાન, મલેશિયાનો લી ચોંગ વર્ષના અનુક્રમે ૧૨.૮ કરોડ અને ૮.૭ કરોડ મેળવે છે, આમ, કમાણીના મામલે વિશ્વના શ્રેષ્ઠ બેડમિન્ટન પ્લેયરને પણ પાછળ મૂકી દીધા છે. સાયનાનો આ કરાર એમ પણ દર્શાવે છે કે ભારતમાં ક્રિકેટ સિવાયની અન્ય રમતને પણ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
હાલ એમએસ ધોની, આરપી સિંહ અને રવીન્દ્ર જાડેજાના કોન્ટ્રાક્ટ પણ રિહતી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પાસે જ છે.