Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 05:33:02 PM IST
 

સંઘના સર્વોચ્ચ મસ્જિદમાં જઈ પ્રેયર કરવા માગતા હતા (ચીની કમ)

Sep 19, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 4021
Rate: 2.8
Rating:
Bookmark The Article

સંઘના કે. એસ. સુદર્શનના પવિત્ર કુરાન અંગેનાં જ્ઞાનથી મુસ્લિમો ચક્તિ થઈ જતા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ સરસંઘ ચાલક કે.એસ. સુદર્શનનું ૮૧ વર્ષની વયે અવસાન થયું. સામાન્ય રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કટ્ટરપંથી વિચારધારા માટે, સ્વદેશી ચીજવસ્તુઓના દુરાગ્રહ માટે જાણીતી સંસ્થા છે. ગાંધીજીની હત્યા થઈ ત્યારે સંઘ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વર્ષો બાદ તે પ્રતિબંધ ઊઠાવી લેવાયો હતો. આજે ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રીય સ્વયંસંઘ પ્રેરિત પોલિટિક્લ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીના રોજેરોજના કામમાં સંઘ દખલ દેતું નથી. પરંતુ ભાજપાના પ્રમુખ કોને બનાવવા તે સંઘના નાગપુર ખાતેના કાર્યાલયમાં નક્કી થાય છે. નરેન્દ્ર મોદી, સંજય જોશીથી માંડીને એલ.કે.અડવાણી અને કેશુભાઈ પટેલ પણ સંઘની પ્રોડક્ટ છે. વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કામગીરી ભીતરથી એક સિક્રેટ ઓર્ગેનિઝેશનની જેમ કામ કરતી હતી. સંઘની ભીતરની વિગતોને મીડિયાથી ઓઝલ રાખવામાં આવતી હતી. સમય બદલાતા સંઘ પણ બદલાયો છે. હવે સંઘે અવારનવાર તેમના વિચારો અને અભિપ્રાય વ્યક્ત કરવા માટે રામ માધવ જેવા પ્રવક્તાની નિમણૂક કરી છે. સંઘના કાર્યકરો ખાખી ચડ્ડીમાં ઈન કરેલું સફેદ શર્ટ અને કાળી ટોપીથી ઓળખાય છે. આ ડ્રેસકોડ બદલાતા સમય સાથે નથી. તે આઉટઓફ ડેટ હોવા છતાં અંગ્રેજોના જમાનાની ખાખી ચડ્ડી બદલવા તૈયાર નથી. સંઘની વિચારસરણી બદલવા માટે પણ પ્રયાસો થયા છે પરંતુ સંઘના રૂઢિચુસ્ત અગ્રણીઓ હજુ તૈયાર નથી.એલ.કે. અડવાણી પાકિસ્તાન જઈ મોહંમદઅલી ઝીણાની કબર પર માથું ટેકવી આવ્યા તે દિવસથી સંઘે તેમની ભાવિ વડાપ્રધાનના લિસ્ટમાંથી બાદબાકી કરી નાખી છે. સંઘની નારાજગીની બીકથી જ નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સદ્ભાવના ઉપવાસ દરમિયાન ઈસ્લામના પ્રતીક સમી મુસ્લિમ ટોપી પહેરવા ઈનકાર કર્યો હતો.

કે. એસ. સુદર્શન

પરંતુ આ બધા સંઘના નેતાઓ પૈકી કે.એસ. સુદર્શન સહેજ અલગ હતા. કે.એસ. સુદર્શન મૂળ તામિલનાડુ અને કર્ણાટકની સીમા પર આવેલા કુપહલ્લી (મૈસુર)ના વતની હતા. કન્નડ પરંપરામાં પહેલાં ગામનું નામ પછી પિતાનું અને પછી પોતાનું નામ બોલાય છે. 'કે.એસ. સુદર્શન' એ નામનાં પહેલાં 'કે' શબ્દ તે તેમના ગામનું નામ ''કુપહલ્લી'' છે. કે.એસ. સુદર્શનના પિતા મધ્યપ્રદેશના વનવિભાગમાં નોકરી કરતા હતા. સુદર્શને મધ્યપ્રદેશમાં જ પ્રાથમિક શિક્ષણ લીધું. સુદર્શને નવ વર્ષની ઉંમરે જ સંઘની શાખામાં જવાનું શરૂ કર્યું હતું. તેમણે જબલપુરની સાગર યુનિવર્સિટી દ્વારા ટેલિકોમ્યુનિકેશન્સની ફેકલ્ટીમાં એન્જિનિયરની ડિગ્રી હાંસલ કરી હતી. એ સમયે જ તેમણે નોકરી કરવાના બદલે પોતાનું જીવન સંઘને સર્મિપત કરી દેવાનો નિર્ણય લીધો હતો. રાષ્ટ્રહિત માટે કટિબદ્ધ બનેલા સુદર્શન સંઘના પ્રચારક બની ગયા હતા અને તેમને સહુ પ્રથમ રાયગઢ મોકલવામાં આવ્યા હતા. જિલ્લા પ્રચારકની જવાબદારીઓ સફળતાપૂર્વક નીભાવ્યા બાદ ૧૯૬૪માં તેમને મધ્યભારતના પ્રાંત પ્રચારક બનાવવામાં આવ્યા હતા. સુદર્શન અનેક વિષયોના જાણકાર, અત્યંત જ્ઞાની, અનેક ભાષાઓના જાણકાર અને વકતૃત્વકળામાં નિપૂણ હતા. કોઈ પણ સમસ્યાના મૂળ સુધી જઈ તેને સમજવાની તેમની ટેવ હતી. પંજાબની ખાલિસ્તાનની સમસ્યાથી માંડીને આસામમાં બંગલાદેશીઓની ઘૂસણખોરી જેવા મામલાઓ પર વિરોધી આંદોલન કરવાની બાબતમાં સંઘના કાર્યકરોને ગલત દિશામાં જતા રોક્યા હતા. પંજાબમાં ખાલિસ્તાનની ચળવળ ચરમસીમાએ હોવા છતાં ગૃહયુદ્ધ ના થયું તેમાં સુદર્શનની સંઘના કાર્યકરોને સાચી દોરવણી જવાબદાર હતી.

કે.એસ. સુદર્શન નવીન વિચારોના પુરસ્કર્તા હતા. ૧૯૬૯થી ૧૯૭૧ દરમિયાન સંઘમાં ખડગ, ત્રિશૂલ, છુરી જેવાં પ્રાચીન શસ્ત્રોના સ્થાને નિયુદ્ધ, આસન અને ખેલને સંઘના શિક્ષણ વર્ગોમાં તથા પાઠયપુસ્તકોમાં સ્થાન અપાવ્યું હતું. કટોકટી દરમિયાન તેઓ જેલમાં હતાં. તે વખતે યોગચાપ (લેજીમ) પર તેમણે નવા પ્રયોગો કર્યા અને તેના સ્વરૂપને બદલી નાખ્યું. આ એક સંગીતમય વ્યાયામ છે. બંગાળી અને આસામી પ્રદેશોની ભાષાઓ પણ જાણકાર સુદર્શન ૨૦૦૦ના વર્ષમાં રજ્જુ ભૈયાના સાથે સંઘના સર્વોચ્ચ વડા બન્યા. સંઘમાં બે મુખ્ય વિભાગો છે એક છે ''શારીરિક પ્રમુખ'' અને બીજો છે ''બૌદ્ધિક પ્રમુખ.'' સુદર્શન એક એવા અપવાદ હતા કે તેઓ સંઘના આ બંને વિભાગોના પ્રમુખ રહ્યા.

વ્યથિત કેમ હતા ?

સુદર્શન સ્વભાવમાં લચીલા અને વિમર્શમાં તત્પરતા માટે જાણીતા હતા. જે પદને ગુરુ ગોલવલકર અને ડો. હેડગેવાર ઊંચાઈ બક્ષી હતી તે પદને સુદર્શને પણ પૂરા નવ વર્ષ સુધી સુશોભિત કર્યું. તેમણે હિન્દુત્વની વ્યાખ્યા આ પ્રમાણે કરી હતી :''હિન્દુત્વ પાંચ મૂળ તત્વમાંથી બન્યું છે, પહેલું તત્ત્વ તે ઉપાસના છે જે પ્રત્યેક પદ્ધતિનું સન્માન કરે. બીજું તત્ત્વ છે જડ હોય કે ચેતના- બધું જ એક સમાન ગણવું. ત્રીજું મનુષ્ય એ પ્રકૃતિનો એક હિસ્સો છે, નહીં કે પ્રકૃતિનો સ્વામી. ચોથું છે મહિલાઓનું સન્માન કરવું. પાંચમું છે જીવનનો હેતુ માત્ર ભૌતિક જરૂરિયાતો પૂરી કરવા પૂરતો જ સીમિત નથી. આ પાંચેય તત્ત્વોનું સમગ્રરૂપ તે હિન્દુત્વ છે.''

કે.એસ. સુદર્શનની પહેલી વાત- ''દરેકની ઉપાસના પદ્ધતિનું સન્માન'' તેમાં તેમનો તમામ ધર્મો પ્રત્યેનો આદર આવી જાય છે. આજના નેતાઓએ હિન્દુત્વની વ્યાખ્યા જ બદલી નાખી છે. સુદર્શનના સમયમાં તેમના સ્પષ્ટ ખ્યાલોના લીધે સંઘ અને ભાજપા વચ્ચે ટકરાવની સ્થિતિ પણ ઊભી થઈ હતી. તેઓ ભાજપાના મૂળ વિચારોથી વિપરીત કામ કરનારા નેતાઓથી વ્યથિત હતા. તેમણે કેટલાકને લખેલા પત્રમાં લખ્યું હતું: ''ભાજપાએ કઈ દિશામાં જવું છે તે જ તે નક્કી કરી શક્યું નથી.'' એ પણ હકીકત છે કે સંઘની કૃપાથી સત્તામાં આવેલા લોકોએ તેમને અપમાનિત પણ કર્યા હતા. સુદર્શને ભાજપાના શીર્ષ નેતૃત્વને ચાલ, ચરિત્ર્ય અને ચહેરો સુધારવાની સલાહ આપી હતી. તેમણે કેટલાકને પદ છોડી રાજનીતિમાંથી નિવૃત્તિ લઈ લેવાની સલાહ આપી હતી. સુદર્શન તીખી જીભ માટે જાણીતા હતા. ૨૦૦૫ની સાલમાં તેમણે જાહેરમાં કહ્યું હતું :''અટલબિહારી વાજપેયી અને એલ.કે. અડવાણી જેવા વૃદ્ધોએ જલદી નિવૃત્ત થઈ યુવાનો માટે જગા ખાલી કરી દેવી જોઈએ.'' આવી સલાહ આપ્યા બાદ ૨૦૦૯માં કે.એસ. સુદર્શન ખુદ નિવૃત્ત થઈ ગયા, અટલ બિહારી વાજપેયી બીમારીના કારણે નિવૃત્ત થઈ ગયા, પરંતુ એલ.કે. અડવાણી હજી નિવૃત્ત થયા નથી અને થવા માંગતા પણ નથી. નિવૃત્ત થયા બાદ સુદર્શન મધ્યપ્રદેશ ભોપાલમાં સંઘના હેડક્વાર્ટરને જ પોતાનું નિવાસસ્થાન બનાવી રહેતા હતા.

મસ્જિદમાં જવાની ઈચ્છા

આજીવન અપરિણીત રહેલા કે.એસ. સુદર્શનનું પવિત્ર કુરાન પરનું જ્ઞાન જોઈ મુસ્લિમો પણ ચકિત થઈ જતા હતા. એક વાર તો તેમણે ઈદના દિવસે ભોપાલની મસ્જિદમાં જઈ પ્રેયર કરવાની ઈચ્છા મધ્યપ્રદેશની સરકાર અને પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી. સુદર્શનની આ ઈચ્છા- ઓફર સાંભળી મધ્યપ્રદેશની સરકાર હરક્તમાં આવી ગઈ હતી. તેઓ સાચા અર્થમાં મસ્જિદમાં જઈ પ્રાર્થના અર્થાત્ નમાજ અદા કરવા માંગતા હતા. તેમણે ઘણા ખ્રિસ્તીઓને અને રાષ્ટ્રવાદી મુસ્લિમોને પોતાની સાથે જોડવા પ્રયાસ કર્યા હતા. સંઘને પણ એ દિશામાં કામ કરવા સલાહ આપી હતી.

આવા હતા કે.એસ. સુદર્શન.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com