સુરત, તા. ૧૯
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જુઠ્ઠાણાઓનાં સરદાર છે. જંગલની જમીનો સહિતના પ્રશ્નો સંદર્ભે આદિવાસીઓની લડાઈ વર્ષોથી ચાલી રહી છે. કોંગ્રેસના શાસનમાં આદિવાસીઓને સામેથી અનેક લાભો આપવામાં આવતા હતા. પરંતુ ભાજપ સરકાર, કોંગ્રેસે આપેલા લાભો પરત લેવાની કાર્યવાહી કરી રહી છે તેવા વાક્યો કેન્દ્રીય પરિવહન મંત્રી ડો. તુષાર ચૌધરીએ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં ઉપક્રમે આયોજીત વિશાળ વન અધિકાર રેલી બાદ યોજાયેલી સભામાં ઉચ્ચાર્યા હતા.
- મરપાડા ખાતે કોંગ્રેસ દ્વારા વન અધિકાર રેલીનું આયોજન થયું
- મામલતદારને આવેદનપત્ર અપાયું : સરકારની નીતિ પર પ્રહારો
ઉમરપાડા ખાતે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિનાં ઉપક્રમે વિશાળ વન અધિકાર રેલીનું આયોજન કરાયું હતું. ઉમરપાડા ચાર રસ્તા ખાતેથી વિશાળ વન અધિકાર રેલી વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે નીકળી હતી. જે મામલતદાર કચેરીની સામે એકત્ર થઈ જાહેર સભામાં ફેરવાઈ હતી. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ નારસિંગ વસાવાએ જણાવ્યું હતુ કે, જે આદિવાસીઓ પાસે જંગલની જમીન છે એ જમીન ઉપર બોર્ડ લગાવો કે આ જમીનમાં કોઈએ પણ પ્રવેશ કરવો નહીં. આ જમીન અમારા કબજામાં છે અને એ જમીન અમો છોડવાના નથી. પરંતુ બાકી રહેલી જમીનનો પણ અમે કબજો કરવાનાં છે. આપણે ભાજપ સરકારને આ જમીન પરત આપવાની નથી. આ તકે નટવરસિંહ વસાવા, સુરેશ વસાવા, માજી ધારાસભ્ય જયસિંહ વસાવા, માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરી, માંડવીના ધારાસભ્ય પ્રભુદાસ વસાવા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને બારડોલીના ધારાસભ્ય કુંવરજી હળપતિ તથા ડેડિયાપાડાના ધારાસભ્ય અમરસિંગ વસાવા વગેરેએ પ્રવચનો કરતાં જણાવ્યું કે, આજદિન સુધી ભાજપે જુઠાણું ચલાવી પ્રજાને ગુમરાહ કરી છે. જંગલની જમીનનાં મૂળ માલિકો આદિવાસીઓ છે, છતાં ભાજપ સરકાર આ જમીનોની સનદો આપતી નથી. ભાજપના દશ વર્ષના શાસનમાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓમાં જેટલો ભ્રષ્ટાચાર થયો છે એટલો આખા જિલ્લામાં થયો નથી. એસ.સી., એસ.ટી.ના વિદ્યાર્થીઓ અભણ રહે એ માટે સરકારે અપૂરતા પુસ્તકો છાપ્યા છે. આજે પણ અનેક વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકો પ્રાપ્ત થયા નથી. રાજ્યનાં મુખ્યમંત્રીએ આદિવાસીઓને જમીનનો એક ટુકડો પણ આપ્યો નથી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૧૦૦ ચોરસવારના પ્લોટ અંગેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નારસિંગ વસાવા, જયસિંહ વસાવા, રમણભાઈ ચૌધરી વગેરેએ મામલતદાર એમ.આર. વસાવાને આ સંદર્ભે રાજ્યપાલને સંબોધીને તૈયાર કરાયેલું આવેદનપત્ર એનાયત કર્યું હતું.