મુંબઈ, 20 સપ્ટેમ્બર
ઐશ્વર્યા અને અભિષેકની પુત્રી આરાધ્યા બચ્ચન કેવી દેખાઈ રહી છે, તેના પરથી આખરે પરદો ઉઠી ગયો છે. બચ્ચન પરિવારની પૌત્રી આરાધ્યાની આ પહેલી એવી તસવીર જાહેર થઈ છે, જેમાં તેનો ચહેરો દેખાય છે. આરાધ્યાને લઈને હંમેશાં બચ્ચન પરિવારે મીડિયાથી અંતર રાખ્યું હતું. ઘણી વખત તેમના ફોટોગ્રાફ્સ ખેંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા તેમ છતાં આરાધ્યાનો ચહેરો સ્પષ્ટ દેખાય તેવી તસવીર ખેંચી શકાઈ ન હતી.
આરાધ્યા કેવી લાગી રહી છે, તે છેલ્લા 10 મહિનાથી દરેક લોકો જાણવા માટે આતુર હતાં. બચ્ચન પરિવારે આરાધ્યાને મીડિયાથી છુપાવીને રાખી હતી, આ કારણથી જ આ નાનકડી પરી બધા માટે એક મિસ્ટ્રી બની ગઈ હતી. ઘણા ફોટોગ્રાફરોએ એરપોર્ટ કે અન્ય સ્થાનો પર તેના ફોટા લેવાનો પ્રયત્ન કર્યો હતો.
આરાધ્યાની આ તસવીર એ સમયે લેવામાં આવી હતી જ્યારે ધૂમ-૩નાં શૂટિંગમાં વ્યસ્ત અભિષેક બચ્ચનને મળવા માટે ઐશ્વર્યા શિકાગો જઈ રહી હતી. બંનેએ મંગળવારે ૨.૩૦ વાગ્યે ન્યૂયોર્ક જવા માટે ફ્લાઇટ પકડી હતી. માનવામાં આવી રહ્યું છે કે અભિષેકને મળતાં પહેલાં ઐશ્વર્યા ન્યૂયોર્કની એક ઇવેન્ટમાં ભાગ લેશે. ઘણા સમયથી આરાધ્યાની તસવીરો અંગે ચર્ચા ચાલી રહી હતી, જયા બચ્ચને એકવાર આ પહેલાં આરાધ્યા વિશે વર્ણન કર્યું હતું.