કોંકણ, 20 સપ્ટેમ્બર
કોંકણનાં તટ પર ગણપતિપુલે નામનો સુંદર બીચ આવેલો છે, જે પોતાની સુંદરતા સાથે ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. ગણપતિપુલે નામના બીચ પર સ્વયંભૂ ગણેશનું મંદિર આવેલું છે, જ્યાં ઘણાં શ્રદ્ધાળુઓ આવે છે. આ મંદિરમાં સ્થિત ગણપતિ ભગવાનને પશ્ચિમ દ્વારદેવતાનાં રૂપમાં પૂજવામાં આવે છે. આ બીચ પર પાણી ખૂબ જ સ્વચ્છ રહેતું હોવાથી લોકો પોતાના પરિવાર સાથે આવવાનું પસંદ કરે છે. અહીં નાળિયેર અને મૈનગ્રોવનાં વૃક્ષો અઢળક સંખ્યામાં આવેલાં છે. આજની ભાગદોડની જીંદગી વચ્ચે અહીં તમને ખૂબ જ શાંત વાતાવરણ મળી રહે છે. આ બીચ પર હવાઈમાર્ગથી જવું હોય તો કોલ્હાપુરમાં એરપોર્ટ પણ છે, જે આ બીચથી નજીક છે.
ગણપતિપુલે બીચ પર સૌથી વધુ ઉલ્લાસથી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. જો તમે આ બીચની મુલાકાત લો તો અંબાપોલિ, ફાંસપોલિ, ફિશ કરી અને કોકમ કરી ખાવાનું ના ભૂલતાં, કેમ કે તે આ બીચ પર પ્રખ્યાત છે. જો તમે શાકાહારી છો, તો તમને અહીં નાળિયેરની સબ્જી પણ સરસ ચાખવા મળી જશે. ઉપરાંત અહીં ગણેશજીનાં મંદિરમાં લાડવા તો મળે જ છે. અહીંની 'હાફૂસ' કેરી પણ પ્રખ્યાત છે, જે માત્ર ઉનાળામાં જ મળે છે. આ બીચથી નજીકમાં જ મહારાષ્ટ્ર સરકાર ટુરિઝમ કોર્પોરેશનનાં રિસોર્ટ પણ આવેલાં છે.
ગણપતિપુલેની આસપાસનાં જોવાલાયક સ્થળો
મલગુંડ
ગણપતિપુલેથી 1 કિમી દૂર મલગુંડ નામનું ગામ આવેલું છે, જે મરાઠી સાહિત્યનાં પ્રખ્યાત કવિ કેશવાસૂતનું જન્મસ્થળ છે. આ ગામમાં આ કવિનાં મકાનને હાલમાં છાત્રાલયમાં બદલી દેવામાં આવ્યું છે.
રત્નાગીરી
ગણપતિપુલેથી 25 કિમી દૂર રત્નાગિરી નામે ગામ આવેલું છે, જે બાલ ગંગાધર તિલકનું જન્મસ્થાન છે. ઉપરાંત રત્નાગિરીની પૌરાણિક કથાઓ પણ છે. આ ગામમાં પાંડવો વનવાસ દરમિયાન રોકાયા હતાં, તે જગ્યા પણ જોવાલાયક છે. આ જ ગામમાં વીર સાવરકર દ્વારા બંધાયેલ પતિત પાવન મંદિર પણ અહીં આવેલું છે.
જયગઢનો કિલ્લો
ગણપતિપુલેથૂ 35 કિમી દૂર જયગઢ કિલ્લો આવેલો છે. સંઘમેશ્વર નદી પર સ્થિત સીધા પહાડ પર આ કિલ્લો બનેલો છે. 17મી સદીમાં બનેલો આ કિલ્લો વિહંગમ સમુદ્ર અને કોંકણનાં ગ્રામીણ જીવનની ઝલક આજે પણ તમને બતાવી શકે છે.
ઉપરાંત ગણપતિપુલેની આસપાસ અનેક શિવમંદિર અને પરશુરામ મંદિર પણ આવેલાં છે. ગણપતિપુલેથૂ 85 કિમી દૂર દરવાનમાં મહારાજ છત્રપતિ શિવાજીની વસ્તુઓનું પ્રદર્શન પણ મૂકવામાં આવ્યું છે.