અમદાવાદ, તા. ૨૦
ભારતીય ટેનિસમાં ચાલી રહેલા વિવાદથી દેશમાં ટેનિસને જ નુકસાન થશે તેવો મત અમદાવાદના મહેમાન બનેલા લિએન્ડર પેસના પિતા અને બીસીસીઆઇના ડોપિંગ એક્સપર્ટ ડો. વેસ પેસે રજુ કર્યા હતો. લક્ષ્ય ગુજરાતનાં કોચિંગ તેમજ કંડિશનિંગ કેમ્પના પ્રારંભ પ્રસંગે અમદાવાદ આવેલા વેસ પેસે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ ભારતના બે સ્ટાર ટેનિસ ખેલાડી હોવાને નાતે તેમના વચ્ચે ચાલી રહેલા મતભેદો ટેનિસ માટે નુકસાનકારક છે.
વિવાદને ઉકેલવામાં એઆઇટીએ નબળું પડયું : વેસ પેસ
યુવા ખેલાડીઓ આ બન્ને ખેલાડીઓને આદર્શ માને છે તેથી તેમના વચ્ચેના મતભેદો યુવા ખેલાડીઓ પર નેગેટિવ પ્રભાવ પાડે છે. એઆઇટીએએ સમજદારીથી વિવાદનો અંત લાવવાની જરૂર હતી, જેના સ્થાને તે બળતામાં ઘી હોમી રહ્યું છે.
યંગબ્રિગેડથી ખૂશ
ડેવિસ કપમાં ભારતના વિજયથી પ્રભાવિત થયેલા વેસ પેસે જણાવ્યું હતું કે, સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવાઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટેનિસમાં ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ટેનિસમાં વિવાદો ચાલી રહ્યા હતા તે જોતા ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન નહી કરી શકે તેવી આશા. જોકે યુવા ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યા હતો.
ગુજરાતમાંથી પણ ઇન્ટરનેશનલ સ્ટાર પેદા થશે
ગુજરાતના યુવા ખેલાડીઓથી પણ વેસ પેસ પ્રભાવિત થયા હતા અને ગુજરાતમાં ટેનિસમાં ભવિષ્યને ઉજ્જવળ ગણાવ્યું હતું. પેસના મતે અહી ભાગ લઈ રહેલા યુવા ખેલાડીએ સારુ પ્રદર્શન કરી રહ્યા છે. ભવિષ્યમાં ગુજરાતના ટેનિસ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી શકે છે. ગુજરાતી પ્લેયર્સે માત્ર ફિટનેસ ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
વેસ ઓલિમ્પિક્સ મેડાલિસ્ટ
ડો.વેસ પેસ એટલે લિએન્ડર પેસના પિતા એ એકમાત્ર તેમની ઓળખ નથી. વેસ પેસ ભારતના પૂર્વ હોકી ખેલાડી છે અને તેઓ ૧૯૭૨ મ્યૂનિચ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર ભારતીય હોકી ટીમના સભ્ય હતા.
લક્ષ્ય ગુજરાતનાં કોચિંગ કેમ્પનો પ્રારંભ
લક્ષ્ય ગુજરાત દ્રારા ગુજરાતના નવ પ્રતિભાશાળી ટેનિસ ખેલાડીઓ માટે કોચિંગ તેમજ કંડિશનિંગ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ ૧૮ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. તેમાં આ નવ ખેલાડીઓને વિશ્વકક્ષાની તાલીમ આપવામાં આવશે. આ નવ ખેલાડીઓમાં પાંચ અમદાવાદના, ત્રણ વડોદરાના અને એક પાટણના ખેલાડીનો સમાવેશ થાય છે. ઇન્ડિયન ક્રિકેટ બોર્ડનાં ડોપિંગ એક્સપર્ટ અને ટેનિસ ખેલાડી લિએન્ડર પેસના પિતા ડો.વેસ પેસનાં માર્ગદર્શન હેઠળ ફિટનેશ અને કંડિશનિંગ કેમ્પ કરવામાં આવશે. આ કેમ્પનું સુપરવિઝન પૂર્વ આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી રાધિકા કાનિટકર દ્રારા કરવામાં આવશે.