બોલિવૂડમાં ઘણાને આવતાંની સાથે સફળતા મળે છે તેમ કેટલાંક વર્ષો વીતી જવા છતાં એક પણ ફિલ્મ હિટ નથી આપી શકતા. બોલિવૂડની પોતાની એક વ્યવસ્થા છે. ફિલ્મો બને છે સ્ટારોની પસંદગીથી, પણ તેને હિટ કરનાર ખરા હીરો તો દર્શકો જ છે. ળઘણા એવા સ્ટારો છે જેમણે હિટ થવા તમામ પ્રયાસો કરી લીધા છે છતાં પણ આજે તેમને તલાશ તો હિટ ફિલ્મની જ છે.
કેટલાંક કલાકારો એવા છે જે રોજ સવારે ભગવાનને પ્રાર્થના કરતા હશે કે હે પ્રભુ, એક હિટ દેદે...
મલ્લિકા શેરાવત
પબ્લિસિટીથી જો કોઈએ નામ મેળવ્યું હોય તો તે છે મલ્લિકા શેરાવત. પ્રથમ ફિલ્મ 'મર્ડર'થી જ તેણે બોલિવૂડમાં ઊહાપોહ મચાવી દીધો હતો. ફિલ્મ હિટ રહી, પણ તેની પાસે કોઈ સારી ફિલ્મો ના આવી. 'ધ મીથ'માં તેનાં ટૂંકાં કપડાં જેટલો રોલ કરીને જેકી ચાન સાથે કામ કરવા મળ્યું તે તેના નસીબની વાત છે. તેની આગામી ફિલ્મ 'કિસ્મત લવ પૈસા દિલ્હી' તેના નામની જેમ જ દર્શકો બાય બાય ના કહી દે તો સારું. મલ્લિકાની કિસ્મત અને પૈસા બધું આ જ ફિલ્મ પર છે.
શાઝાન પદમસી
યશરાજ ફિલ્મ્સની 'રોકેટસિંગ'થી ફ્લોપ શરૂઆત કરનાર શાઝાનને મધુર ભંડારકરની 'દિલ તો બચ્ચા હૈ જી' બીજી ફિલ્મ મળી, પણ સાથે નિષ્ફળતા તો ખરી જ. ૧૦૦ કરોડની હિટ ફિલ્મ 'હાઉસફુલ-૨' તેના ખાતામાં છે, પણ તેના ભાગે રોલ કેટલો હતો તે સૌ સારી રીતે જાણે છે. શાઝાને પણ સાઉથની ફિલ્મોની રાહ પકડી લીધી છે. શાઝાનને સાઉથની ફિલ્મ તો મળી ગઇ છે પણ તેને જરૂર છે સફળતાની.
મિનીષા લાંબા
ઘણી બધી ફિલ્મો કરવા છતાં પોતાના નામે એક પણ હિટ ફિલ્મ નથી. 'વેલ ડન અબ્બા' તેની નોંધપાત્ર ફિલ્મ છે. મિડ હિટ કહી શકાય તેવી 'બચના એ હસીનો' છે, પણ તેમાં તેનો રોલ પણ દરેક ફિલ્મની જેમ નાનકડો હતો. આગામી ફિલ્મ 'ઝિલા ગાઝિયાબાદ' પર તેને વિશ્વાસ છે કે તે હિટ થશે. જો તે આ ફિલ્મમાં સફળ ના થઈ શકી તો 'જોકર' ફિલ્મમાં કરેલ જુનિયર આર્િટસ્ટ જેટલો રોલ જ ભવિષ્યમાં મળશે.
ઝરિન ખાન
'વીર' રિલીઝ થઈ તે પહેલાં કેટરિનાને હંફાવી દેવા આવી રહી છે ઝરિન તેવો માહોલ સર્જનાર રિલીઝ થયા પછી પોતે હાંફી ગઈ. સલમાન ખાન સાથે ફિલ્મ કરવાથી લાઇમલાઇટ મળી પણ ફિલ્મો ના મળી. તેને પણ 'હાઉસફુલ-૨'માં રોલ કરવા મળ્યો હતો, પણ તે એટલો જ જેટલી ફિલ્મમાં ગ્લેમરની જરૂર હતી. મળતી વાત મુજબ તો ઝરિન એક હોલિવૂડ ફિલ્મ કરવા જઇ રહી છે. ફિલ્મ આવે ત્યારે ખબર પડે!
ત્રિષા ક્રિષ્નન
સાઉથની સુપરસ્ટાર બોલિવૂડમાં ફ્લોપ. કાજલ અગ્રવાલ અને અસિને પહેલી ફિલ્મથી જ બોલિવૂડમાં પોતાની એન્ટ્રી નોંધાવી દીધી, પણ ત્રિષા તે કરવામાં નિષ્ફળ રહી. અક્ષયકુમારની ફ્લોપ ફિલ્મ 'ખટ્ટા મીઠા'માં લીડ એક્ટ્રેસનો રોલ કરનારને પ્રારંભમાં જ ફ્લોપ ફિલ્મ મળી. આ ફિલ્મમાં અક્ષયકુમાર જેવો સ્ટાર હોવા છતાં કોઈએ ખાસ નોંધ સુધ્ધાં પણ ના લીધી. ત્યાર પછી તેને કોઈ બોલિવૂડ ફિલ્મની ઓફર થઈ નથી, પણ ફરીથી તેની આશા જાગી છે કે તેને કોઈ સારી ફિલ્મ મળશે.
સમીરા રેડ્ડી
સમીરાને તો બાલિવૂડ બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. સમીરા રેડ્ડીને ક્યારેય કોઈ સફળ ફિલ્મોમાં લીડ રોલ મળ્યો જ નથી. 'રેસ' જેવી ફિલ્મોનો ભાગ થવાનો મોકો મળ્યો, પણ ફિલ્મમાં તેના નામે તો કશું ના આવ્યું. ફિલ્મોમાં હોટ સીન આપીને શરૂઆતમાં કામ મેળવી લીધું, પણ પાછળથી તેનું ગ્લેમર પણ તેની જેમ ગાયબ થઈ ગયું. હાલમાં તૂટી-ફૂટી સાઉથની ફિલ્મો કરીને અભિનય કરી રહી છે. પ્રિયદર્શન તેને તેની આગામી ફિલ્મમાં તક આપે છે કે એ પણ વિકલ્પની શોધમાં છે એ જોવાનું રહ્યું.
મોનિકા ડોગરા
આમિર ખાનના નિર્માણમાં બનેલ 'ધોબીઘાટ'એ તેને તેના અભિનયની પ્રશંસા તો અપાવી, પણ ફિલ્મ હિટ તો નહોતી જ. મોનિકા ડોગરાને 'ધોબીઘાટ' પછી બીજી ફિલ્મ મળી ગઈ પણ તેને જરૂર છે હિટની. તેની આગામી ફિલ્મ સાઉથ સુપરસ્ટાર વિક્રમ સાથે 'ડેવિડ' છે. જોઈએ 'ડેવિડ' હિટ થાય છે કે 'ધોબીઘાટ'ની જેમ માત્ર નામ
મળે છે. તાજેતરમાં જ તેણે 'ફાયરફાઇલ્સ'નામની ફિલ્મ સાઇન કરી છે.
કંગના રાણાવત
'તનુ વેડ્સ મનુ' હિટ થઈ, પણ તેની ફ્લોપ ફિલ્મોની એટલી મોટી લાઇન છે કે તેમાં તે નજરે ચડવી મુશ્કેલ છે. જે ફિલ્મો હિટ રહી તેમાં તેના નામે ખાસ આવ્યું નથી. તેની આગામી તમામ ફિલ્મો મોટા બજેટની છે અને હિટ થવાની પૂરી શક્યતા છે. જોવાનું એ રહેશે કે ફિલ્મમાં કંગનાનો રોલ કેટલો લાંબો છે.
સોનમ કપૂર
તેની નિષ્ફળતામાં થોડા ઘણા અંશે પોતે જવાબદાર છે. આવતાંની સાથે જ પોતાની સરખામણી ઐશ્વર્યા રાય સાથે કરવા લાગેલી સોનમને જ્યારે ફિલ્મો પીટાઈ ત્યારે ખબર પડી કે સ્ટાર કોને કહેવાય? સંજયલીલા ભણસાલીની 'સાંવરિયા'એ તેને નામ અપાવ્યું પણ સફળતા નહીં. તો રાકેશ ઓમપ્રકાશ મહેરા પણ 'દિલ્હી-૬' બનાવીને તેને તારી ના શક્યા અને પોતે ડૂબી ગયા. હવે તેની આશા રાકેશ ઓમપ્રકાશ મહેરાની જ આગામી ફરહાન અખ્તર સાથે 'ભાગ મિલ્ખા ભાગ' અને 'રાંઝા' ફિલ્મ પર છે. સોનમના ખાતામાં એક પણ હિટ ફિલ્મ નથી સિવાય કે 'આઇ હેટ લવસ્ટોરી'ની બોક્સઓફિસ કમાણી.