અમદાવાદ, તા. ૨૦
રાજ્યમાં માછીમારી માટે કોન્ટ્રાક્ટ આપવાના ૪૦૦ કરોડનાં કૌભાંડમાં મંત્રી પરસોત્તમ સોલંકી સામે એફઆઇઆર દાખલ કરવા માટે રાજ્યપાલ દ્વારા પોતોના વિશેષાધિકારનો ઉપયોગ કરી આપવામાં આવેલો આદેશ યોગ્ય હોવાનું જસ્ટિસ આર.એચ.શુકલએ ઠરાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ નોંધ્યું હતું કે રાજ્યપાલે માત્ર મંત્રી મંડળની સલાહ પ્રમાણે જ વર્તવાનું નથી હોતું પરંતુ કેટલાક ખાસ કિસ્સામાં પોતાના વિશેષ અધિકારનો ઉપયોગ કરવાનો હોય છે આ કિસ્સામાં રાજ્યપાલે યોગ્ય રીતે પોતાના વિશેષ અધિકારનો ઉપયોગ કર્યો છે.
- મંત્રી સામે ફરિયાદ નોંધવા માટે આપેલા આદેશનો સત્ત્વરે અમલ કરો
પરસોત્તમ સોલંકી સામે હ્લૈંઇ નોંધાવવાનો માર્ગ મોકળો રાજયના ૪૦૦ કરોડના માછીમારી કોન્ટ્રાક્ટ કૌભાંડમાં મંત્રી પરસોત્તમ સોલંકી સામે એફઆઇઆર કરવા માટે રાજ્યપાલ દ્વારા અપાયેલા હુકમને જસ્ટિસ આર.એચ.શુકલએ યોગ્ય લેખાવ્યો હતો. જેમાં કોર્ટે એવું નોંધ્યું હતું કે એમ.પી. સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિસમેન્ટ કેસમાં સુપ્રીમકોર્ટે એવું સ્પષ્ટ ઠરાવ્યું છે કે રાજ્યપાલને કેટલાક સંજોગોમાં પોતાની સૂઝબૂઝ પ્રમાણે યોગ્ય કામગીરી કરવાની સત્તા અપાયેલી છે. રાજ્યપાલ માત્ર મંત્રી મંડળની સલાહ મસલત પ્રમાણે જ કામ કરવા બંધાયેલા નથી. એટલું જ નહિ પરંતુ પોતાની કામગીરી કરવા માટે તેમની પાસે વિશેષ સત્તાઓ છે જેનો તેઓ ઉપયોગ કરી શકે છે. જોકે બીજી તરફ એવું અનુમાન બાંધી લેવાની પણ જરૂરત નથી કે રાજ્યપાલને મંત્રીમંડળની ભલામણના વિરોધમાં જ કામ કરવાની સામાન્ય સત્તા મળેલી છે. બંધારણના અનુચ્છેદ ૧૬૩ (૨)માં રાજ્યપાલની સત્તાઓ બાબતે સ્પષ્ટ જોગવાઈ દર્શાવવામાં આવી છે. રાજ્યપાલની આ સત્તા માત્ર કેટલાક વિશેષ સંજોગોમાં જ વાપરી શકાય સામાન્ય બાબતોમાં નહિ. બંને પક્ષોની દલીલો ધ્યાને લેતા એવું કહી ન શકાય કે રાજ્યપાલે આ તબક્કે પોતાની સત્તાનો કરેલો ઉપયોગ બિનજરૂરી ન હતો.
આ તબક્કે કોર્ટે મધ્યપ્રદેશ સ્પે. પોલીસ એસાબ્લિસમેન્ટ કેસની ચુકાદો ટાંકતા નોંધ્યું હતું કે જો આવા સંજોગોમાં રાજ્યપાલ પોતાની સત્તાનો ઉપયોગ ન કરે તો- તો કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે. તેથી આવા સંજોગોમાં રાજ્યપાલે પોતાની વિવેક બુધ્ધિ અનુસાર યોગ્ય નિર્ણય લેવાનો રહે છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ આ રીટને નામંજૂર કરવામાં આવે છે. રાજ્યપાલ દ્વારા આ કેસમાં કિમિનલ ફરિયાદ કરવા માટે અપાયેલી મંજૂરી નિરર્થક નથી દેખાતી તેથી તેનું પાલન થવું જોઈએ.
માછીમારી કોન્ટ્રાક્ટમાં ૪૦૦ કરોડનાં કોભાંડની બાબત શું હતી?
રાજ્ય સરકારના મત્સોદ્યોગ મંત્રાલય દ્વારા રાજ્યના કેટલાંક જળાશયોમાં ટેન્ડર પ્રક્રિયા સિવાય જ માછીમારીના કોન્ટ્રાક આપી દેવામાં આવ્યા હતા.
આ કોન્ટ્રાક્ટ આપવામાં ખૂબ જ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના મામલે ઇશાક મરડિયા નામના વ્યક્તિએ રીટ કરી હતી. બીજી તરફ પગી નામના એક કોન્ટ્રાક્ટર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે મંત્રી પુરુસોત્તમ સોલંકી દ્વારા આ કોન્ટ્રાક્ટરના બદલામાં ૩૦ લાખની માગણી કરવામાં આવી હતી. આ બાબતને રીટમાં સાંકળવામાં આવી હતી. જે રીટમાં તમામ પક્ષોની રજૂઆતો બાદ કોર્ટે મંત્રી પુરુસોત્તમ સોલંકી સામે ફરિયાદ નોંધવા માટે આદેશ કરવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો.