Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 01:32:43 PM IST
 

એફડીઆઇના વિરોધમાં શહેરના વેપારીઓએ પાળેલો સજ્જડ બંધ

Sep 21, 2012 Baroda > Baroda City
 
Tags:   Local news comment     E-Mail     Print    
 
Viewed: 191
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૨૦

કેન્દ્ર સરકારની મલ્ટી બ્રાન્ડ રિટેઇલમાં વિદેશી મૂડી રોકાણ (એફડીઆઇ)ને મંજૂરી,ડીઝલના ભાવમાં લિટરે રૂ.૫ નો વધારો તથા એલપીજી સિલિન્ડરના રેશનિંગના નિર્ણયના વિરોધમાં શહેરમાં સજ્જડ બંધ પળાયો હતો. ભાજપ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને વ્યાપક સફળતા મળી હતી. બંધના પગલે શહેરના મુખ્ય બજારો ૮૦ ટકા ઉપરાંત બંધ રહ્યા હતા. શાળા, કોલેજો, ખાનગી સંસ્થાઓ, વિટકોસની બસો પણ બંધ રહેતા જનજીવનને વ્યાપક અસર પડી હતી. 

  • સરકારી કચેરીઓ - બેંકો - શેર બજાર ચાલુ રહ્યાં
  • શાળા , કોલેજો , વિટકોસની બસો બંધ રહી

કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા પ્રજા, ખેડૂતો - વેપારીઓના હિત વિરોધી લેવાયેલા નિર્ણયોના વિરોધમાં આજે ભાજપના વડપણ હેઠળના એનડીએ દ્વારા અપાયેલા રાષ્ટ્રવ્યાપી બંધના એલાનમાં વડોદરામાં વ્યાપક સમર્થન મળ્યું હતું. શહેરના ચાર દરવાજા વિસ્તારના બજારો જ નહિં પણ પરા વિસ્તારો અલકાપુરી,કારેલીબાગ,જૂના પાદરા રોડ, નિઝામપુરા, મકરપુરા, માંજલપુર, પાણીગેટ, આજવારોડ, સમા વગેરે વિસ્તારોમાં પણ વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. આ ઉપરાંત શાળા કોલેજો પણ બંધ રહી હતી.

સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના કન્વીનર પરેશ પરીખે જણાવ્યું હતું કે,વેપારીઓએ સ્વયંભૂ રીતે દુકાનો બંધ રાખીને એફડીઆઇનો વિરોધ વ્યક્ત કર્યો છે. મલ્ટી નેશનલ કંપનીઓને અપાયેલી લીલીઝંડીના પગલે દેશના નાના વેપારીઓ અને ખેડૂતોના હિતોને ભયંકર અસર પડશે. કેન્દ્ર સરકારના નિર્ણયનો પણ ઉગ્ર વિરોધ સામાન્ય નાગરિકોએ કર્યો છે.આજે હાથીખાનાનું જથ્થાબંધ અનાજ બજાર બંધ રહેતાં ૪૦૦ ઉપરાંત વેપારીઓની દુકાનોના શટર ખુલ્યા ન હતા.એક અંદાજ મુજબ રૂ.૨ કરોડ ઉપરાંતનો વેપાર આજે હાથીખાનામાં બંધ રહ્યો હતો.જ્યારે સયાજીપુરામાં આવેલા એપીએમસીના જથ્થાબંધ શાકભાજી માર્કેટ ચાલુ રહ્યું હતું.શાકભાજી પડી રહે તો તે બગડી જાય તેમ હોવાથી આ બજારને ચાલુ રાખવામાં આવ્યું હતું.શહેરમાં ગણેશ મહોત્સવને અનુલક્ષીને મીઠાઇ - ફરસાણના મોટાભાગના વેપારીઓએ દુકાનો ચાલુ રાખી હતી.

આજે સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકરોએ દુકાનો બંધ કરાવવા માટે રસ્તા ઉપર ઉતર્યા હતા.જ્યારે એસયુસીઆઇના ૩૦ કાર્યકરોની ગાંધીનગર ગૃહ ખાતેથી રાવપુરા પોલીસે અટકાયત કરી હતી.

વિટકોસની સિટી બસો પણ બંધના એલાનના પગલે બંધ રખાતા શ્રમજીવી વર્ગ પણ નોકરી ધંધાએ પહોંચી શક્યો ન હતો. જેના પગલે ખાનગી ઓફિસો,જીઆઇડીસીઓમાં આવેલી ફેકટરીઓમાં પણ શ્રમિકોની સંખ્યા ૫૦ ટકા જેટલી જ જોવા મળી હતી.

શહેરમાં બેંકો રાબેતા મુજબ ચાલુ રહી હતી.જો કે વેપારી પ્રવૃત્તિઓ બંધ રહી હોવાના કારણે બેંકોમાં લેવડદેવડનું પ્રમાણ ઘટી જવા પામ્યું હતું.

વડોદરા સ્ટોક એક્સચેંજ ચાલુ રહ્યું હતું.જો કે રોકાણકારો તથા ઘણી ઓફિસોમાં સ્ટાફની ગેરહાજરીથી સોદાનું પ્રમાણ ઘટેલું રહ્યું હતું.પોસ્ટ ઓફિસો રાબેતા મુજબ રહી હતી.બંધના એલાનના પગલે એસ.ટી.બસો તથા ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. કોઠી કચેરી,નર્મદા ભવન,જિલ્લા પંચાયત ભવનમાં આવેલી સરકારી કચેરીઓમાં પણ અરજદારોની સંખ્યા ઘણી ઓછી જોવા મળી હતી.કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના રાજ્યના મંત્રી રાજકુમારસિંહે એફડીઆઇનો વિરોધ કરી રહેલા ૨૧ કાર્યકરોની પોલીસે કરેલી અટકાયતને વખોડી નાંખી હતી.

શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગરે પણ બંધને સફળ બનાવવા બદલ સર્વેનો આભાર માન્યો હતો.

અને નેતાઓ પણ રોડ પર ઉતરી આવ્યા

એફડીઆઇ,ડિઝલના ભાવ વધારા તથા એલપીજી સિલિન્ડરના રેશનિંગના મુદ્દે આજે અપાયેલા બંધના એલાનને સફળ બનાવવા માટે ભાજપને નેતોઓ પણ માર્ગો ઉપર ઉતરી આવ્યા હતા.જ્યારે પક્ષના રાષ્ટ્રિય પ્રવક્તા નિર્મલા સીતારામનની આગેવાની હેઠળ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ભાજપની રેલી નિકળી હતી.જે દાંડિયા બજાર,જીપીઓ ,કોઠી ચાર રસ્તા થઇને કલેકટર કચેરીએ પહોંચી હતી.ભાજપના નેતાઓએ એલપીજીના સિલિન્ડરની સબસિડી ઉપરનો કાપ દૂર કરવા,ડિઝલનો ભાવ વધારો પાછો ખેંચવા માટે પણ કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

શહેરમાં ૨ લાખ જેટલા વેપારીઓના હિતને અસર

વડોદરા શહેરની ૨૦ લાખની વસતીમાં ૨ લાખ જેટલા વેપારીઓના હિતો ઉપર મલ્ટી બ્રાન્ડ રિટેઇલમાં વિદેશી મલ્ટી નેશનલોના આગમનથી અસર પડશે તેમ જણાવવામાં આવે છે. વિશાળ મોલના સંચાલકો પ્રારંભમાં બાય વન ગેટ વન અને બાય ટૂ ગેટ થ્રી જેવી લોભામણી સ્કીમો દ્વારા શહેરના નાના વેપારીઓના ધંધાને તોડી નાંખશે. આ ઉપરાંત ગ્રાહકોને પણ મોલ તરફ ખેંચી જશે.ત્યાર બાદ આ સંચાલકો જ ગ્રાહકોને મનફાવે તે કિંમતે તેમની જરૂરિયાતનો માલ વેચીને આર્થિક શોષણ કરશે તેવી લાગણીઓ રજૂ થઇ રહી છે.

યુનિવર્સિટીની કેટલીક ફેકલ્ટીઓ સજ્જડ બંધ

એફડીઆઇના વિરોધમાં ભાજપના ભારત બંધ એલાનને અસર યુનિવર્સિટીની શૈક્ષણિક કામગીરી પર જોવા મળી હતી. મોટા ભાગની ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત્ જોવા મળી હતી. જ્યારે કેટલીક ફેકલ્ટીઓ સજજડ બંધ રહી હતી. પરંતુ કેટલીક ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા હોય વર્ગો નિયમિત લેવામાં આવ્યા હતા.

સુગમ પાર્લર બંધ : ૧૩ હજાર લીટર દૂધ ઓછું વેચાયું

બરોડા ડેરી દ્વારા આજે સુગમનું વેચાણ બંધ રાખવામાં આવ્યું હતું. માત્ર દુધનું વેચાણ કરવામાં આવ્યું હતું. દુધ કેન્દ્ર સંચાલકો દ્વારા આપવામાં આવેલ ઓર્ડર ડેરી દ્વારા સમયસર પુરો કરવામાં આવ્યો હતો. દિવસમાં ત્રણ વખત દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ રોજ કરતા બંધના પગલે આજે ૧૩ હજાર લીટર જેટલું દૂધ ઓછું વિતરણ થયું હોવાનું એમડી પ્રતિક કુમારે જણાવ્યું હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com