ભુજ,તા.૨૦
કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ રીતે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, જેનાં કારણે અનેક પ્રકારનાં રોગોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે.કચ્છમાં ચાલુ વર્ષે પ્રારંભિક વરસાદ લંબાયો હતો અને ત્યારબાદ પડેલા પાછોતરા વરસાદનાં કારણે અને વાતાવરણમાં ફેરફાર થવાના પગલે તાવ, શરદી તેમજ માથું દુઃખવા સહિતના રોગોનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું હતું.
- કચ્છમાં મેલેરિયા અટકાવવાના દાવા પોકળ સાબિત થયા
આ રોગોમાં પણ ખાસ કરીને તાવમાં મેલેરિયાનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળ્યું હતું. કચ્છમાં સપ્ટેમ્બર માસમાં મેલેરિયાનાં કુલ ૨૧૩ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા મેલેરિયા અધિકારી અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, મેલેરિયાની પરિસ્થિતિ અંગે જિલ્લામાં સપ્ટેમ્બર ૨૦૧૨માં કુલ ૨૫,૪૬૯ તાવના દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી ૨૧૩ મેલેરિયાના કેસ જાહેર કરવામાં આવ્યા હતા.મેલેરિયાના લક્ષણોમાં દર્દીને સૌપ્રથમ ઝીણો તાવ આવે છે,ત્યારબાદ ઠંડી લાગે, માથું દુઃખવું, હાથપગમાં કળતર થવી કે ઉલ્ટી ઉબકા આવવા સહિતનાં લક્ષણો રહે છે.જે માટે સૌ પ્રથમ તો લોહીની તપાસ કરવી જરૂરી છે.
અને તેમાં જો મેલેરિયા પોઝીટીવ જણાય તો તેની તાત્કાલિક સારવાર શરૂ કરવી જોઇએ.હાલમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોરાભક્ષક માટેની કામગીરી ચાલી રહી છે.આ ઉપરાંત પાણીના ભરેલા ખાડા-ખાબોચિયાંમાં પણ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.ગત વર્ષની સરખામણીએ મેલેરિયાનો આંક ઓછો હોવાનું તેમણે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં મેલેરિયાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે, તેમ છતાં પણ ચાલુ માસનાં આંકડા જોતાં હજુ જોઇએ તેટલી સફળતા તંત્રને પ્રાપ્ત થઇ ન હોવાનું જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે.