ગાંધીધામ, તા. ર૦
કંડલા કસ્ટમ વિભાગ અને પોલીસ વચ્ચેનો પ્રકરણ દિવસેને દિવસે ગરમાતું જાય છે. પોલીસે ગઈ કાલે લક્ષ્મી મરીનના સંચાલક સામે ગુનો દાખલ કર્યો હતો અને કસ્ટમના સુપ્રીટેન્ડેટ કક્ષાના અધિકારી સામે પોલીસે કાયદાનો દંડો ઉગામતા કસ્ટમ વિભાગ હચમચી ગયું છે. કસ્ટમના અધિકારી સામે ફરિયાદ દાખલ કરીને એએસપી વિરેન્દ્રસિંહ યાદવે આકરા પગલાના એંધાણ આપી દીધા છે ત્યારે ભવિષ્યમાં આ કેસમાં અનેક કડાકા ભડાકા થાય તેવી પુરી શક્યતાઓ જોવાઈ રહી છે.
v પોલીસ - કસ્ટમ તંત્ર સામ સામે
v એએસપી યાદવ ફરિયાદી બન્યા
v ફરજમાં રૂકાવટ, માગેલી માહિતી ન આપવાની કલમો
બોન્ડેડ વેર હાઉસનું પંચનામું અને ચકાસણી બાદ ગાંધીધામ પોલીસે ગઈકાલે લક્ષ્મી મરીન પેઢીના સંચાલક સામે ગુનો દાખલ કરી રૂ. ૧૧ કરોડનો (૧૦૦ % થી વધુ ડયુટી ગણતા) દારૂ સીઝ કર્યા બાદ મોડી રાત્રે કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ જિજ્ઞોશ સોયંકર સામે કલમ ૧૭પ,૧૭૬ અને ૧૮૬ મુજબ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે. આમાં ફરિયાદીએ એએસપી વિરેન્દ્રસિંહ યાદવ ખુદ બન્યા છે. આ ઘટનાથી પોલીસ અને કસ્ટમ તંત્રોની ટકકર જેવા સંજોગો પેદા થયા છે. જો કે, પોલીસના આ પગલાંથી કરોડપતિ બનેલા કેટલાય અધિકારી પણ ચોંકી ઉઠયા છે.
આ આખી ઘટનાની વિગતો એવી છે કે, લક્ષ્મી મરીન પેઢીમાં વિદેશથી આયાત થયેલા અને માત્ર સ્ટીમરમાં આપવા માટે રખાતા દારૂના ૧૧ કરોડના જથ્થાવાળા ગોડાઉનને કસ્ટમ અધિકારીઓએ તા. ૧૩-૯-૧રની રાતે સ્ટોકનું પંચનામું કરીને સીલ માર્યું હતું. એએસપી વિરેન્દ્રસિંહ યાદવ અને પીઆઈ જે.કે. ઝાલાની આ કામગીરી સાથે સાથે કસ્ટમ વિભાગના અધિકારીઓને નોટિસ પણ આપી દેવાયેલી, જેમાં સ્પષ્ટ લખેલું હતું કે, - અમારી જાણ બહાર આ જથ્થાનું વેચાણ કે સપ્લાય કરવું નહીં. દરમિયાનમાં પોલીસે નોટિસ આપ્યા છતાં ગોદામના સીલ ખોલાયા હતા અને તેને ધ્યાને લઈને જવાબદાર મનાતા અધિકારી તરીકે જિજ્ઞોશ સોયંકર નામક કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ સામે ફરિયાદી બની પોલીસે કલમ ૧૭પ, ૧૭૬ મુજબ ગુનો દાખલ કર્યો છે.
બોન્ડેડ વેર હાઉસમાં સત્તા ક્ષેત્ર કોનું ?
પોલીસ દ્વારા બોન્ડેડ વેર હાઉસમાં આયાતી શરાબનું પંચનામું કરાયું હતું. જથ્થાની આયાત અને વેચાણ અંગેના કાગળિયા મંગાયા હતા. ટાઈમ અપાયો હતો, જે પૂરો થયા છતાં પેઢીએ ખુલાસો નહીં કરતા પોલીસે કાર્યવાહી કરી તે પોલીસને બાજુની દલીલ છે, પરંતુ વેરહાઉસમાં કામગીરી અને સીલ કરવાની સત્તા કસ્ટમને હોવાનું કસ્ટમ દ્વારા જાણવા મળે છે.