વાર્તા - વંદિતા દવે
સોરી નિકેશ, હું આ પ્રેમ-કોમના ચક્કરમાં પડવા નથી માગતો. મારે તો હું ભલો ને મારાં પુસ્તકો ભલા. મને અભ્યાસ સિવાય બીજા કશામાં રસ નથી
"એય પ્રથિત, કોંગ્રેચ્યૂલેશન્સ યાર. આ વખતે તું ફરી મારી આગળ નીકળી ગયો એમ ને ? કંઈ વાંધો નહીં. હર વખતે હું તો એ જ આશા રાખીને બેઠો હોઉં છું કે, આ એક્ઝામમાં હું જરૂર તારાથી આગળ નીકળી જઈશ, પણ... ખૈર, મારા નસીબ જ બે ડગલાં પાછળ હશે. પ્લીઝ યાર, તું મારા માથા પર હાથ મૂક કે જેથી મને ફાઈનલ એક્ઝામમાં જરૂર સારા પર્સન્ટેજ આવે."
"હું પણ ઇચ્છું છું કે, તું જરૂર મારાથી આગળ નીકળે. માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપવા જેટલી તો મારી ઉંમર નથી, પણ હા... હું ઈશ્વરને બે હાથ જોડી પ્રાર્થના જરૂર કરીશ કે, તારી મનોકામના પૂર્ણ થાય, તું મહેનત તો ખૂબ કરે છે, પણ ખરેખર તારું નસીબ જ તારો સાથ નથી આપતું. વિશ યુ બેસ્ટ ઓફ લક નિકેશ."
પ્રથિત બી.ઈ. ઇલેક્ટ્રિકલનો ચોથા એટલે કે ફાઈનલ ઈયરનો ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ છે. ખૂબ જ બુદ્ધિશાળી એવો પ્રથિત દર સેમેસ્ટરમાં ડિસ્ટિંક્શન સાથે ઉત્તીર્ણ થતો આવ્યો છે. અન્ય દરેક સ્ટુડન્ટ્સને તેની ખૂબ જ ઇર્ષ્યા થાય છે. નિકેશ પણ ભણવામાં હોશિયાર તો છે જ, પણ લાખ કોશિશો કરવા છતાં તે પ્રથિતની આગળ તો નીકળી શકતો જ નથી.
"અરે હા પ્રથિત, મારે તને એક ખાસ વાત કરવાની હતી. ફર્સ્ટ ઇયરની પેલી દર્શિતા યાદ છે તને, જેની આપણે બધાએ રેગિંગ કરી હતી ? ખૂબ જ હેરાન કરી હતી."
"હા-હા યાદ છે ને, પણ એ પછી એની સાથે ફરી કદી આમનેસામને ટક્કર થઈ નથી. એકાદ-બે વાર દૂરથી જોવા મળી હતી બસ, પણ તને કેમ અત્યારે એ યાદ આવી ગઈ ?"
"અરે યાર, એ મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઈ છે. ખૂબ જ સારી છોકરી છે એ. શરૂઆતમાં એ જરૂર નખચડી, અભિમાની અને અલ્લડ લાગતી હતી. પણ હકીકતમાં એ એકદમ ગભરું ગાય જેવી છે !"
"હશે યાર, પણ તું મને શા માટે એના વિશે આ બધું જણાવી રહ્યો છે ?"
"અરે દોસ્ત, શી ઈઝ ઇન લવ એન્ડ ધીસ ઈઝ અ રિયલ લવ. ગેસ કર કે એ ખુશનસીબ છોકરો કોણ હશે ?"
"વાવ, કોંગ્રેટ્સ યાર. જાવ-જાવ, હરો-ફરો ને એશ કરો."
"ઓહ શીટ, તું પણ સાવ ડફોળ છે હોં. તને તો ખ્યાલ છે કે, મારું ચક્કર તો બે વર્ષથી પ્રિયંકા સાથે ચાલુ છે, તો પછી બીજી કોઈ વિશે વિચારવું એ તો પાપ કહેવાય ને ?" નિકેશ મોં પર ભોળપણનો ભાવ લાવી બોલ્યો.
"તો પછી તારા સિવાયનો બીજો એવો કયો છોકરો આપણી કોલેજમાં છે જે દર્શિતાના નયનબાણથી હલાલ થઈ ગયો છે ?!"
"એ હલાલ નથી થયો, પણ બિચારી ખુદ દર્શિતા જ સામે ચાલીને હલાલ થઈ ગઈ છે. ડિયર ફ્રેન્ડ, એ તારા પ્રેમમાં છે."
એમ ? તો એમાં શું નવાઈ છે ? આ કોલેજની મોટાભાગની છોકરીઓ મારી પાછળ પાગલ છે, મને પામવા આતુર છે. એ લિસ્ટમાં આ એક નામનો ઉમેરો થયો બીજું શું?" પ્રથિત કંઈક બેફિકરાઈથી બોલ્યો.
"હા ભઈ, તું આટલો 'બ્રિલિયન્ટ' સ્ટુડન્ટ છે. કોલેજનું ગૌરવ છે. વળી હેન્ડસમ પણ છે. તો પછી તારા પ્રેમમાં તો આસાનીથી કોઈપણ છોકરી પડી શકે, પરંતુ પ્રથિત, ખરેખર દર્શિતા દરેકથી જરા હટકે છે. એ ખૂબ સારી છોકરી છે. દરેક રીતે તારે લાયક છે અને એ બિચારી તને અનહદ ચાહે છે."
"સોરી નિકેશ, હું આ પ્રેમ-કોમના ચક્કરમાં પડવા નથી માગતો. મારે તો હું ભલો ને મારાં પુસ્તકો ભલા. મને અભ્યાસ સિવાય બીજા કશામાં રસ નથી અને રહી વાત દર્શિતાની તો એવી મોડર્ન ટાઈપની છોકરી સાથે તો મને ફ્રેન્ડશિપ કરવી પણ ન ગમે, પછી પ્રેમની તો વાત જ નથી આવતી. મિની સ્કર્ટ, સ્કીન ટાઈટ જીન્સ, સ્લિવલેસ ટોપ આવા અંગ પ્રદર્શન કરે એવા પહેરવેશ પહેરી કોલેજે આવે છે, જેથી છોકરાઓનું ધ્યાન એના તરફ ખેંચાય. દરેક છોકરા સાથે હસી હસીને વાતો કરવી અને છીછરી હરકતો કરવી, શું આ સારી છોકરીનાં લક્ષણો છે ? ભલે હું એને રૂબરૂ તો એક જ વાર મળ્યો છું, પણ તેને દૂરથી મેં ઘણીવાર જોઈ છે. હું એને વધારે ઓળખતો નથી છતાંય પૂરી રીતે જાણી ગયો છું એ અમીર બાપની દીકરી અહીં ભણવા નહીં, પણ મોજમસ્તી કરવા જ આવે છે. એવી બોલ્ડ છોકરીઓ મને બિલકુલ ન ગમે."
"નહીં પ્રથિત, એવું નથી. અગર એને ભણતરમાં રસ ન હોત તો એ બાર સાયન્સમાં ૭૮ ટકા ન લાવી શકી હોત અને આજે એ એન્જિનિયરિંગ કોલેજમાં પણ ન આવી શકી હોત એ ફક્ત ટાઈમપાસ માટે જ ભણતી હોત તો કોઈ આર્ટ્સ કે કોમર્સ કોલેજમાં હોત, અહીં નહીં સમજ્યો ? એ પણ તારી જેમ જ અભ્યાસપ્રિય છોકરી છે. હા, જરા મળતાવડા સ્વભાવની છે માટે જલદીથી, હર કોઈ સાથે દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. તેની નિખાલસતાને તું ગલત નજરિયાથી જુએ છે, પ્રથિત. અને રહી વાત એનાં પહેરવેશની, તો યાર, અત્યાર સુધી એ બોમ્બેમાં ભણેલી-ઉછરેલી છે. ત્યાંના કલ્ચરમાં અને અહીંના વાતાવરણમાં થોડો ડિફરન્સ તો હોવાનો જ ને? એ જો ગર્ભશ્રીમંત બાપની એકની એક દીકરી છે તો એ મોર્ડન પણ હોવાની જ અને પોતાની બ્રાન્ડ ન્યૂ કાર લઈને રોજ કોલેજ આવનારી એ અમીર બાપની દીકરી એવા પોશાકમાં જ શોભે. કંઈ ચુડીદાર-વુડીદારમાં કે સાડી-વાડીમાં ન શોભે સમજ્યો ? આટલી ધનાઢય હોવા છતાંય એનામાં અભિમાનનો એક છાંટો પણ નથી. બધા સાથે કેવી હળી-મળીને રહે છે ? ખેર, મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું. હવે આગળ તારી મરજી, પણ એક વાત યાદ રાખજે કે એ તને ખરા દિલથી ચાહે છે. એનાં પ્રેમને જો તું ઠુકરાવીશ તો તું દુનિયાનો સૌથી બદનસીબ ઇનસાન કહેવાઈશ."
નિકેશે પ્રથિતને વિચારતો કરી મૂક્યો, તેના હૃદયના કોઈક ખૂણામાં પ્રેમનો તણખો મૂકીને એ તો ચાલ્યો ગયો, પછી પ્રથિતના દિલમાં ધીરે ધીરે પ્રેમાગ્નિ ઉત્પન્ન થવા લાગી. તેણે દૂર નજર કરી તો નિકેશની ગર્લફ્રેન્ડ પ્રિયંકા સાથે દર્શિતા વાતો કરતી નજરે ચડી. સ્ટેપ કટ વાળ, બ્લ્યૂ જીન્સ અને લાઈટ પિન્ક ટોપ, પેન્સિલ હિલની સેન્ડલ, બગલમાં ઝૂલતું બ્લેક પર્સ, તેની કામણગારી આંખો, ગુલાબી ગાલ, મૃદુ હોઠ, અણિયાળું નાક-એ બધું જ આજે પહેલીવાર પ્રથિતને મન ભરીને નિરખવાની ઇચ્છા થઈ.
બીજા દિવસે કોલેજમાં પ્રવેશતાંની સાથે જ પ્રથિતની નજર માત્ર દર્શિતાને શોધી રહી હતી. રાતભર સૂઈ ન શકેલા પ્રથિતની આંખો લાલ-ઘૂમ થઈ ગયેલી હતી. જિંદગીમાં પહેલી જ વાર તેને કોઈ છોકરીના ખયાલોમાં નીંદર નહોતી આવી. ત્યાં અચાનક સામેથી દર્શિતા આવતી દેખાઈ. તે આ તરફ જ આવી રહી હતી. તેને જોઈને પ્રથિત તો દિગ્મૂઢ બની ગયો. આ શું ? દર્શિતામાં આટલું બધું પરિવર્તન ? દર્શિતા પ્રથિતના ફેવરિટ લાંબા પીળાં કલરના સલવાર કમીઝમાં અને હિલ વગરની સપાટ મોજડી, ખભે ચડાવેલાં ફેન્સી પર્સના બદલે હાથમાં ત્રણ-ચાર બુક્સ, હવાના સપાટાથી આમતેમ ઊડતાં છૂટા જંટિયાને બદલે તસતસતું તેલ રેડીને વાળેલી મજબૂત ચોટી, બંગડી વિહોણાં અડવા રહેતા હાથમાં ખણખણતી કાચની ચૂડીઓ, ચાંદલા વિહોણા સપાટ કપાળમાં સુંદર ચમકતી નાની ગોળ બિંદી આ બધું શું છે ? પ્રથિતની સમજમાં કંઈ ન આવ્યું. દર્શિતામાં રાતોરાત આવું પરિવર્તન કઈ રીતે ?
"પ્રથિત, અગર તમને હું આ રીતે પસંદ આવીશ તો હું સ્વીકાર કરી લો. હું તમને દિલો-જાનથી ચાહું છું. જો તમે મને ન મળ્યા તો હું મારી જિંદગી ટૂંકાવી દઈશ." દર્શિતા આંખમાં અશ્રુ સાથે બોલી.
"નહીં, નહીં એવું ન બોલ." પ્રથિત તેના મોં પર આંગળી મૂકી દે છે. "તેં મને પામવા માટે તારો વર્ષોનો શોખ બદલી નાખ્યો ?! આટલી હદે ચાહે છે તું મને?"
"હા પ્રથિત, પ્લીઝ મને અપનાવી લો. હું તમારા સિવાય બીજા કોઈની નહીં થઈ શકું. હું તન-મન- ધનથી તમારી થઈ ગઈ છું. તમે મને નહીં અપનાવો તો હું..." દર્શિતાના પ્રેમમાં પાગલ એવા પ્રથિતથી અભ્યાસ તરફ ઓછું ધ્યાન અપાય છે, જે સમય એ અભ્યાસ માટે ફાળવતો હતો એ હવે દર્શિતા સાથે હરવા-ફરવામાં ગાળવા લાગ્યો છે અને આમ ફાઈનલ ઇયરની ફાઈનલ એક્ઝામમાં એ ઘણો પાછલ રહી જાય છે. દર વખતે યુનિવર્સિટી ફર્સ્ટ આવનારો પ્રથિત આ વખતે કોલેજ ફર્સ્ટ પણ ન આવી શક્યો. દર વખતે ડિસ્ટિંક્શન લાવનારો પ્રથિત આ વખતે ફર્સ્ટ ક્લાસ પણ ન લાવી શક્યો. જિંદગીમાં પહેલીવાર તેના હાથમાં સેકન્ડ ક્લાસનું રિઝલ્ટ કાર્ડ હતું. છતાં પણ તેને બહુ અફસોસ ન થયો, કેમ કે એ જાણતો હતો કે જિંદગીમાં કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું તો પડે જ. તેણે અભ્યાસના ભોગે દર્શિતાનો સાચો પ્રેમ પામ્યો હતો. દર્શિતાનો પ્રેમ પામી એ એટલો ખુશ હતો કે સેકન્ડ ક્લાસ આવ્યાનું દુઃખ તેના મનને ઘેરી ન શક્યું.
કોલેજમાં આજે વિદાયનું ફંક્શન છે. ફંક્શન શરૂ થવાને હજુ થોડી વાર છે. દરેક સ્ટુડન્ટ્સ અને પ્રોફેસરોએ પોતપોતાની સીટ સંભાળી લીધી છે. પ્રથિતની નજર દર્શિતાને શોધી રહી છે, પણ એ ક્યાંય નજર આવી રહી નથી. આજનું ફંક્શન પત્યા બાદ એ દર્શિતાને પોતાના ઘરે પોતાના માતા-પિતાને મળવા માટે લઈ જવાનું આયોજન કરીને આવ્યો છે. તે દર્શિતાને શોધતો શોધતો કોલેજ કેન્ટીનમાં જાય છે. ત્યાં એક ટેબલ પર નિકેશ, પ્રિયંકા અને દર્શિતાને ચા-નાસ્તો કરતાં કરતાં ખડખડાટ હસી રહેલા જુએ છે. જાણે કોઈકની ઠેકડી ઉડાવી રહ્યા હોય એવું અટ્ટ હાસ્ય પ્રથિત પારખી જાય છે અને અંદર જવાને બદલે બહાર જ ઊભો રહી જાય છે.
"થેન્ક યુ દર્શિતા, આજે તારા કારણે જ હું કોલેજ ફર્સ્ટ આવી શક્યો છું. પ્રથિતને પછાડવાની મારી તીવ્ર ઇચ્છા આજે તારા સહકારથી જ સંતોષાઈ છે. તારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલી શકું." નિકેશના આ શબ્દો સાંભળી પ્રથિત તો ડઘાઈ જ ગયો, પણ તેને એથીય વધારે આઘાત ત્યારે લાગ્યો જ્યારે દર્શિતા બોલી કે, "એના જેવા તો મારે ઘણા બોયફ્રેન્ડ્સ છે. પણ એને બિચારાને તો પ્રથમ પ્રેમના રૂપમાં જ હું ભટકાઈ ગઈ. નિકેશ, તું મારી પ્રિય સખી પ્રિયંકાનો પ્રેમી છે માટે ફક્ત પ્રિયંકાની દોસ્તી ખાતર જ મેં તારું આ કામ કર્યું છે, પણ હવે બસ હોં. હવે મારાથી આ નાટક વધારે નહીં થાય. કેમ કે આવા કઢંગા કપડાં પહેરી પહેરીને હું હવે કંટાળી ગઈ છું. તારે પ્રથિતને હરાવવો હતો તે હારી ગયો ને તું જીતી ગયો. બસ કિસ્સો ખતમ. હું તો આજે જ ઘરે જઈને સૌપ્રથમ આ પહેરવેશનો ઉતાળિયો કરીશ પછી જ નિરવ શાંતિ થશે. આજે કોલેજનો છેલ્લો દિવસ છે. કાલથી સૌ પોતપોતાના રસ્તે. બિચારો પ્રથિત ભલે મને શોધ્યા કરતો. આવતીકાલે હું બોમ્બે જવાની છું. એક મહિના પછી આવીશ. ત્યાં સુધી ભલે એ બિચારો મારા ઘરના આંટાફેરા કરી ટાંટિયા ઘસતો. ત્રણે જણાં ફરી જોરજોરથી હસવા લાગ્યા. આ જોઈ પ્રથિત તો હેબતાઈ જ ગયો. તેને ખુદ પર તિરસ્કાર થઈ આવ્યો. તેને ખુદની મૂર્ખાઈ પર હસવું આવ્યું, કેમ કે આટલા બુદ્ધિશાળી, હોશિયાર અને સમજુ છોકરાને એક મામૂલી, અલ્લડ છોકરી ભોંયભેગો કરી ગઈ હતી. અત્યારે તેની 'ધોબી કા કુત્તા ન ઘર કા ન ઘાટ કા' જેવી કફોડી હાલત થઈ ગઈ હતી. તે ભીંત પર મુઠ્ઠી પછાડતાં બોલ્યો, "આ તો રાખ નીચેનો અંગારો તારા હાથમાં આવી ગયો ને મારાં અસ્તિત્વને બાળીને ભસ્મીભૂત કરી ગયો."