ઇન્ટિમસી - કામિની મોટવાણી
આજની વ્યસ્ત જીવનશૈલીમાં વ્યક્તિએ અનેક પ્રકારની સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડે છે. જેમ કે, વધુ પડતા કાર્યબોજનો તણાવ, સંબંધોમાં તિરાડ અને આવાં અનેક કારણોને લીધે પુરુષ પાર્ટનરને સમાગમમાં રુચિ રહેતી નથી. આ બધાં જ ફેક્ટર્સ ભેગાં મળીને તમારી બેડરૃમ લાઈફ પર ખરાબ અસર પાડે, તે પહેલાં તેનું નિરાકરણ કરવું જોઈએ
પરફોર્મન્સનો ડર
ઘણી વાર પુરુષોને એવો ડર રહેતો હોય છે કે તે પોતાના પરફોર્મન્સથી પાર્ટનરને પ્રભાવિત કરી શકશે કે નહીં. એવું પણ બનતું હોય છે કે ઘણી વાર પાર્ટનર તેમની પાસે સેક્સ સંબંધી કેટલીક ડિમાન્ડ કરે અથવા તો કોઈ કારણસર સેક્સ લાઇફ જોશીલી ન હોવાને કારણે તે મેણાં-ટોણાં મારે છે. તેનાથી પુરુષો વધારે તણાવ અનુભવે છે, પરિણામે સેક્સ લાઇફ પ્રભાવિત થાય છે. આવા સમયે પુરુષને પોતાના પાર્ટનરની હૂંફ અને પ્રેમની જરૂર હોય છે. તેના સહકારની જરૂર હોય છે. પાર્ટનર તરફથી સકારાત્મક અભિગમ રાખવામાં આવે તો ચોક્કસપણે પુરુષોનાં મન-મગજમાંથી આ પ્રકારનો ડર દૂર થઈ શકે છે અને સેક્સ લાઇફ તરોતાજા અને રોમાંચક બની શકે છે.
કામકાજની ચિંતા
પુરુષ નોકરી-ધંધો કે કોઈ વ્યવસાય કરતો હોય તો સ્વાભાવિક છે કે તેને પોતાના કામકાજની ચિંતા રહેવાની જ. જેમ કે પેમેન્ટનું ટેન્શન, ક્રેડિટ કાર્ડનું દેવું, ઘરના રોજિંદા ખર્ચ વગેરે. આ બધી બાબતોમાં વધુ પડતી સક્રિયતા અને ચિંતા તેને સમાગમની બાબતમાં કેટલેક અંશે નિષ્ક્રિય બનાવે છે. જેને લીધે બે સમાગમ વચ્ચેનું અંતર વધતું જાય છે. આવી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે ઘરે આવ્યા પછી ઓફિસ કે કામકાજને ભૂલી જાઓ. તે જ રીતે ઘરની ચિંતાઓને પણ જાકારો આપી દો. આમ કરવાથી જ તમે સ્વસ્થતા ધારણ કરી શકશો અને સક્રિય બનીને સમાગમનો આનંદ માણી શકશો.
સંબંધોમાં કડવાશ
જો પાર્ટનર્સ વચ્ચે પરસ્પર કોઈ કારણસર તણાવ હોય. નાની નાની બાબતે ઝઘડો થતો હોય અને એકબીજા પર વારંવાર ગુસ્સે થતા હોય તો સંબંધમાં કડવાશ ઊભી થાય છે. આ સિવાય ઘરની કેટલીક બાબતોમાં પુરુષની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થતી હોય છે. પાર્ટનર કે પોતાનાં માતા-પિતા કે બાળકોની ખરાબ તબિયત વગેરે ફેક્ટર્સની સીધી અસર સેક્સ લાઇફ પર પડે છે. તે સેક્સ પ્રત્યે ઉદાસીનતા અનુભવે છે. આવા સંજોગોમાં બંને પાર્ટનરે પરસ્પરના સંબંધો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ પણ સમસ્યાનું સાથે બેસીને શાંતિથી નિરાકરણ લાવવું જોઈએ. સંબંધોમાં મીઠાશ હશે તો જ સમાગમમાં રસ જાગશે.
ખરાબ તબિયત
જો તમારો પાર્ટનર બીમાર હોય અથવા તેને ઊંઘ ન આવવાની બીમારી હોય કે કામને કારણે વધુ પડતો થાક અનુભવાતો હોય તો આવા સંજોગોમાં તેને સમાગમની ઇચ્છા હોય તોપણ શરીર સાથ નથી આપતું. જોકે આ બધાં કોઈ મોટાં કારણો નથી. બીમારી આજીવન રહેવાની નથી. તબિયત સુધરતા કે શરીરને પૂરતો આરામ મળી રહેતાં તમારી સેક્સ લાઇફ ફરીથી પહેલાં જેવી બની જશે.
અંડ્રોપોઝ
સ્ત્રીઓ જ્યારે મેનોપોઝમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તે સમાગમ પ્રત્યે એકદમ નીરસ થઈ જાય છે. આવું જ કંઈક પુરુષો સાથે પણ બનતું હોય છે. પુરુષ જ્યારે ૫૦થી ૬૦ વર્ષની ઉંમરનો હોય તે અંડ્રોપોઝની અવસ્થામાંથી પસાર થાય છે. ત્યારે તે પણ સમાગમ પ્રત્યે નીરસ થઈ જાય છે. આવા સમયે જો બંને પાર્ટનર્સ ઇચ્છે તો ડોક્ટરને મળીને પોતાના સંબંધોને ફરી હૂંફાળા કેવી રીતે બનાવી શકાય તે જાણી શકો છો.
વધુ પડતી મહત્ત્વાકાંક્ષા
ઘણી વાર એવું જોવા મળતું હોય છે કે વ્યક્તિ પોતાની વધારે મહત્ત્વાકાંક્ષાને કારણે વધારે તણાવ અનુભવે છે ત્યારે તેનામાં અડ્રેનલાઇન, કાર્ટિસોલ અને નોરડ્રેનલાઈન હોર્મોનનો સ્ત્રાવ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. તેમાં શરીરની રચના પર ખરાબ અસર પડે છે અને વ્યક્તિની સેક્સ લાઇફ પ્રભાવિત થાય છે. આવા સમયે પુરુષે પોતાની મહત્ત્વાકાંક્ષાઓ પર અંકુશ રાખવો જોઈએ.
જ્યારે તમારા પાર્ટનરને સમાગમમાં રુચિ ન રહે ત્યારે તેનાં કારણોને જાણીને તેને દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ. તેના માટે તેને તમારા પ્રેમ, હૂંફ, સંભાળ, સાથ-સહકાર અને સારા વ્યવહારની જરૂર હોય છે.