મેલબોર્ન , 4 ઓક્ટોબર
ભારતીય મૂળનાં એક કપલનું ઓસ્ટ્રેલિયામાં આગના એક બનાવમાં સળગી જવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યુ છે, જો કે ચોંકાવનારી વાત તો એ છે કે આગનો આ બનાવ કપલનાં ઘરમાં જ બન્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં આગ લાગી હતી ત્યાંથી પોલીસ અધિકારીઓ પસાર થઇ રહ્યા હતા એ દરમિયાન તેમને એક મકાનમાંથી આગના ધુમાડા દેખાતાં તપાસ દરમિયાન આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.સરગુન રકી (ઉં.વ.૨૨) અને તેના પતિ અવજિતસિંઘ(ઉં.વ.૩૧)ને પોલીસે ઘરની બહાર કાઢયાં ત્યારે અવજિતસિંઘનું બોડી સળગેલી અવસ્થામાં હતું, જ્યારે તેની પત્ની સરગુનનું મોત કેવી રીતે થયું તે રહસ્ય હજુ અકબંધ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અવજિતસિંઘ છેલ્લાં આઠ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે અને વ્યવસાયે ટેક્સીડ્રાઇવર છે, સરગુન નામની યુવતી સાથે અવજીતનાં ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. પતિ-પત્ની વચ્ચે ક્યારેક ક્યારેક ઝઘડો પણ થતો હતો. ત્રણ દિવસ પહેલાં જ ઘરમાં રહેવા આવેલાં આ કપલ પૈકી મહિલાનું મોત કેવી રીતે થયું તેની પોલીસે તપાસ હાથ ધરી છે.