Make Sandesh your homepage!
Guruji 
English Sandesh Web
14 May, Wed, 2008
 CROSSWORD
 SUDOKU
 HOROSCOPES
 
નવાઝમિયાંના પાકિસ્તાન મુસ્લિમ લીગના ત્રાગાથી મુશર્રફ માટે હરખાવાના સંજોગો


પાકિસ્તાનમાં અપેક્ષિત હતું એવું જ થયું. તગેડાયેલા ન્યાયાધીશોને ફરી નિયુક્ત કરવાના મુદ્દે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના સુપ્રીમો આસિફઅલી ઝરદારી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) વચ્ચે લંડનમાં યોજાયેલી મંત્રણા નિષ્ફળ રહી. નવાઝમિયાંએ ફેડરલ સરકારમાંના પોતાના પક્ષના પ્રધાનોને રાજીનામાં આપી દેવાનો આદેશ આપ્યો છે. જો કે ઝરદારીએ પોતાના કહ્યાગરા વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીને રાજીનામાં આપનારા પ્રધાનોનાં રાજીનામાં નહીં સ્વીકારવા ઉપરાંત પંજાબમાં નવાઝમિયાંની પાર્ટીના વડપણવાળી સરકારને ટેકો ચાલુ રાખવાનું સ્પષ્ટ કર્યું છે.

 લોકશાહીના મારગ ભણી આગળ વધી રહેલી પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિમાં અવરોધ આવવા શરૃ થઈ ગયા છે. રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફ માટે મૂછમાં હસવાના સંજોગો છે. ગિલાનીની સરકાર ગબડશે કે કેમ એ કહેવું હાલના તબક્કે મુશ્કેલ છે, પણ પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ લોકશાહીવાદી દેશો માટે ચિંતાનો વિષય જરૃર બની છે. રાષ્ટ્રપ્રમુખ મુશર્રફ માટે બે બિલાડીઓ લડતી હોય અને વાંદરો ન્યાય તોળવા બેઠો હોય એવા સંજોગો છે. ઝરદારી વિરુદ્ધના અબજોના ભ્રષ્ટાચારના ખટલાઓમાં તેમને ક્લીનચિટ અપાવવામાં મુશર્રફે જે રીતે મદદ કરી છે એ પછી પીપીપીના આ નેતા માટે રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ જવું શક્ય નથી. નવાઝમિયાં અક્કડ રહ્યા છે.

મુશર્રફને પ્રતિકૂળ એવા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોને ફરી નિયુક્તિ અપાવવાનું વચન પાળવા માટેની એમની જિદ ઝરદારી સાથેના વિવાદનું મુખ્ય કારણ છે. ઝરદારીના પક્ષના પ્રવકતા ફરહતુલ્લાહ બાબરે તો સોમવારે પણ કહ્યું કે, ગત ૩ નવેમ્બરે રાષ્ટ્રપ્રમુખ મુશર્રફે લીધેલાં પગલાં બંધારણીય રીતે, રાજકીય દૃષ્ટિએ અને નૈતિક દૃષ્ટિએ પણ ખોટાં હોવા છતાં તગેડાયેલા ન્યાયાધીશો ફરી નિયુક્ત કરવાના સહિયારા વચનનું પાલન કેમ કરી શકાય એ જોવું રહ્યું. ઝરદારી વર્તમાન રાજકીય સંકટને ખાળવાની કોશિશમાં છે. ગિલાની સરકાર બચે અને આવતા દિવસોમાં મુશર્રફને ભીંસમાં લેવાની તક મળે ત્યારે વારો કાઢી લેવાની પ્રતીક્ષામાં ઝરદારી છે. અત્યારે ઝરદારી વર્તમાન સરકાર થકી ધાર્યું કરાવી લેવા તત્પર છે. મુશર્રફ માટે ન્યાયાધીશોની પુનઃ નિયુક્તિનો મુદ્દો ખૂબ જ સંવેદનશીલ છે. શક્ય છે કે, મુશર્રફ આ મુદ્દે લોકશાહીનું ગળું દબાવે.

પીપીપીના વડપણવાળી ફેડરલ સરકારમાંથી નવાઝમિયાંનું મુસ્લિમ લીગ બહાર જાય તો મુશર્રફતરફી મુસ્લિમ લીગ (કાયદે આઝમ) અને અલ્તાફ હુસૈનની એમક્યુએમ પાર્ટી સરકારમાં જોડાવા આતુર છે. હવે રિમોટ કંટ્રોલ તો રાષ્ટ્રપ્રમુખ મુશર્રફના હાથમાં છે. પાકિસ્તાનના જન્મથી આજ લગીનો ઇતિહાસ જાણનારી વ્યક્તિને સુપેરે સમજાઈ જશે કે, ગમે ત્યારે સત્તા પર કબજો જમાવવા માટે પાકિસ્તાની લશ્કર આતુર હોય છે. લશ્કરી તાનાશાહીમાંથી લોકશાહી ભણી આગળ વધવાની અત્યારે સાંપડેલી સુવર્ણ તક ગુમાવી દેવા પાકિસ્તાની રાજનેતાઓ આતુર ભલે ના હોય, પોતપોતાના રાજકીય સ્વાર્થ અને જિદના પ્રતાપે કાલ ઊઠીને લશ્કરનું દબાણ વધે અને લોકશાહીને કચડીને ફરી તાનાશાહી આવે એ શક્યતા નકારી શકાય નહીં.

અમેરિકા એવા સંજોગો આડા હાથ દેવા ઉત્સુક છે. જો કે અમેરિકી દખલ પાકિસ્તાની રાજકારણમાં નથી એવું પ્રગટપણે કહેતા ઇસ્લામાબાદના શાસકો અલ્લાહ અને આર્મીના ચલણ સાથે જ અમેરિકાની ભૂમિકા પણ કેટલી નિર્ણાયક હોય છે. પાકિસ્તાન ફરી તાનાશાહી માર્ગે પાછું ફરે એ ભારત માટે પણ માઠા સમાચાર જ લેખાય. કોઈ પણ સંજોગોમાં મુશર્રફનો ઘોડો તો વિનમાં છે. મુશર્રફના કહ્યાગરા લશ્કરી વડા જનરલ પરવેઝ કયારીનો ટેકો જ્યાં લગી રાષ્ટ્રપ્રમુખને છે ત્યાં લગી પાકિસ્તાનમાં સર્વસત્તાધીશની ભૂમિકામાં મુશર્રફ જ રહેવાના છે. બંધારણીય દૃષ્ટિએ પણ સત્તા માટેનાં હુકમનાં પાનાં ઊતરવાના તમામ વિકલ્પ એમણે પોતાની પાસે રાખ્યા છે.

વડા પ્રધાન અને તેમના ટેકેદારો વચ્ચેના વિવાદને પગલે સર્જાનારી રાજકીય અસ્થિરતામાં નિર્ણય કરનાર વાંદરાની ભૂમિકામાં મુશર્રફ છે. મુશર્રફને વર્તમાન હોદ્દેથી દૂર કરવા માટે રાષ્ટ્રીય ધારાસભા (સંસદ)માં બે-તૃતીયાંશ બહુમતી સાથે જ મહાભિયોગ (ઇમ્પિચમેન્ટ)ની દરખાસ્ત લાવી શકાય. આવી દરખાસ્ત આવે તે પહેલાં મુશર્રફ વર્તમાન સરકારનો ખેલ પાડી દેવાની વેતરણનો રિમોટ કંટ્રોલ પોતાની કને હોવાના પરચા બતાવવા માંડયા છે. નવાઝમિયાંની ચૂંટાયેલી સરકારને ઊથલાવીને ૧૯૯૯માં જનરલ મુશર્રફે સત્તા કબજે કરી હતી. એ વેર હજુ નવાઝમિયાં જાળવવા માંગે છે. મુશર્રફને હોદ્દેથી દૂર કરવાના શપથ એમણે લીધા છે. સામે પક્ષે મુશર્રફ પણ કાંઈ કાચા ખેલાડી નથી. અત્યારના વિવાદ એમના ઇશારે જ સર્જાઈ રહ્યા છે અને એમને ઠારવાનો ઇલાજ પણ રાષ્ટ્રપ્રમુખ કને જ છે.  નવાઝ શરીફે ઉતાવળે આંબા પકવવાને બદલે તકની રાહ જોવાની ધીરજ રાખવી જોઈતી હતી.

 
 
  For comments and feedback send Email
Sandesh Bhavan, Lad Society Road, Vastrapur,
Ahmedabad-380 054. [Gujarat] INDIA.
Email : sandesh@sandesh.com
Phone: +91-79-40004000
Fax: +91-79-40004158
Email : investorsgrievance@sandesh.com
 
  Site best viewed in I.E 6 or + with 1024 x 768 Resolution
© Reproduction in whole or in part without written permission is prohibited.