Kheda-Anand  
Saturday, April 28, 2012
કપડવંજમાં પુન : ધ્વનિ પ્રદુષણ ફેલાવતી રિક્ષાઓથી પ્રજા ત્રસ્ત

કપડવંજ તા.૨૭

સમગ્ર કપડવંજ પંથકમાં બેફામ રીક્ષા ચાલકોએ તેમની કેટલીક રીક્ષાના બળતણમાં કેરોસીનનો ઉમેરો કરી વાતાવરણને પર્યાવરણની દ્રષ્ટિએ પ્રદુષિત તો કર્યું જ છે પરંતુ તેની સાથે હવે નગરની ઘણીબધી રીક્ષાઓમાં ખુબ જ મોટા અવાજે ટેપ વગાડીને અમુક ડેસીબલ કરતા વધારે ઘોંઘાટ કરીને ધ્વનિ પ્રદુષણ ફેલાવી રહેલ છે.ચાલુ રીક્ષાએ તેમજ તેની ગતિમાં પણ આવા મોટા અવાજે ફેલાતા પ્રદુષણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

  • રિક્ષાઓમાં ખૂબ જ મોટા અવાજે ટેપ વગાડી ધ્વનિ પ્રદુષણ ફેલાવે છે

શહેરના મુખ્ય રાજમાર્ગા જેવા કે ગાંધીચોક, કુંડવાવ, લાંબીશેરી, ૩ર કોઠાની વાવ,મીનાબજાર, હોળી ચકલા,આઝાદ ચોક, ટાઉનહોલથી બસ સ્ટેન્ડ તરફનો રસ્તો,ડાકોર રોડ,નાની રત્નાકરમાતા રોડ જેવા ભરચક લત્તાઓમાં પણ બેફામપણે રાત્રિની નિરવ શાંતિનો ભંગ કરી પરીક્ષાર્થીઓ, સિનિયર સિટિઝનો, નાના ભુલકાઓ તથા હોસ્પિટલનાં દર્દીઓને ભારે હાનિકર્તા અને ત્રાસદાયક બની રહે છે.આ અગાઉ પણ કેટલાક જાગૃત નાગરિકોએ પોલીસ તંત્રને ફરિયાદો કરી હતી.જેના ફળ સ્વરુપે કપડવંજમાં આવા તત્વોની સામે લાલ આંખ કરી કોર્ટ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.પરંતુ આ બદી પુનઃ વકરતા નગરજનોને પુનઃ ધ્વની પ્રદુષણની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.છડે ચોક બદી છતાં કોઈપણ જાતના પગલા નહી ભરાતા આવા રીક્ષા ચાલકો વધારે તાનમાં આવી ગયા છે અને ધ્વનિ પ્રદુષણ બે-રોકટોક ફેલાવી રહ્યા છે.આ બદીને નાથવામાં એક નિવૃત્ત કર્મચારી દ્વારા અનેકવિધ પ્રયત્નો કરી બદીને ડામવા કોશિષ કરી હતી.પરંતુ બદી તો દુર થઈ નહી બલ્કે ધ્વનિ પ્રદુષણ વધારે વકર્યું છે.સંબંધિત તંત્ર આ બાબતે સત્વરે કાર્યવાહી કરે તેમ નગરની પ્રજા ઈચ્છી રહી છે.

.

Sandesh - Leading Gujarati Daily