Shraddha  
Thursday, October 6, 2011
શ્રાદ્ધપક્ષ : પિતૃઓનું ઋણ ચૂકવવાનો સમય

પર્વ વિશેષ - પ્રશાંત પટેલ

હિન્દુ ધર્મ અનુસાર દરેક શુભ કાર્યની શરૂઆતમાં માતા-પિતા, પૂર્વજોને પ્રણામ કરવાં તે આપણું કર્તવ્ય છે. આપણા પૂર્વજોની વંશપરંપરાને કારણે જ આપણું જીવન અસ્તિત્વમાં આવ્યું છે. તેથી આપણાં ઋષિમુનીઓએ વર્ષમાં એક પક્ષને પિતૃપક્ષનું નામ આપ્યું છે, જે પક્ષમાં આપણે આપણાં પિતૃઓનાં શ્રાદ્ધ, તર્પણ, મુક્તિ માટે વિશેષ વિધિ, પૂજા-પાઠ, દાન-ધર્મ કરીને તેમને અર્ધ્ય સર્મિપત કરીએ છીએ. કોઈ કારણસર પિતૃઓના આત્માને મુક્તિ ન મળી હોય તો આપણે તેમની શાંતિ માટે  જે વિશેષ કર્મ કરીએ છીએ તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે

હિન્દુ ધર્મ દર્શન અનુસાર જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. તે જ રીતે જેનું મૃત્યુ થયું છે તેનો જન્મ પણ નિશ્ચિત છે. પિતૃપક્ષમાં ત્રણ પેઢી સુધીના પિતા પક્ષના પિતા તથા ત્રણ પેઢી સુધીના માતા પક્ષના પૂર્વજોનું તર્પણ કરવામાં આવે છે. તેમને જ પિતૃ કહેવામાં આવે છે. ભાદરવા સુદ પૂનમથી લઈને ભાદરવા વદ અમાસ સુધીના સોળ દિવસોને પિતૃપક્ષ કહે છે. જે તિથિના દિવસે માતા-પિતાનો દેહાંત થયો હોય તે પિતૃપક્ષમાં તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. શાસ્ત્રો જણાવે છે કે પિતૃપક્ષમાં પોતાના પિતૃઓ નિમિત્તે જેઓ પોતાની શક્તિ-સામર્થ્ય અનુસાર વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે, તેના સમસ્ત મનોરથ પૂર્ણ થાય છે. ઘર, પરિવાર અને વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.

શ્રાદ્ધનાં વિવિધ સ્વરૂપ

મત્સ્ય પુરાણમાં ત્રણ પ્રકારનાં શ્રાદ્ધનો ઉલ્લેખ છે, જેને નિત્ય, નૈમિત્તિક તથા કામ્ય નામથી ઓળખવામાં આવે છે. યમસ્મૃતિમાં પાંચ પ્રકારનાં શ્રાદ્ધનું વર્ણન જોવા મળે છે. જેમાં નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ અને પાર્વણના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે વિશ્વામિત્ર સ્મૃતિ તથા ભવિષ્ય પુરાણમાં બાર પ્રકારનાં શ્રાદ્ધનું વર્ણન જોવા મળે છે. જેને નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ, પાર્વણ, સપિંડ, ગોષ્ઠી, શુદ્ધયર્થ, કર્માગ, દૈવિક, યાત્રાર્થ તથા પુષ્ટયર્થના નામથી ઓળખવામાં આવે છે.ઉપર જણાવેલાં શ્રાદ્ધોમાં પ્રથમ પાંચ શ્રાદ્ધના સ્વરૂપમાં બારે શ્રાદ્ધનું સ્વરૂપ સ્પષ્ટ રીતે જોવા મળે છે. શ્રાદ્ધનાં વિવિધ સ્વરૂપોને જાણીએ.

નિત્ય શ્રાદ્ધઃ દરરોજ કરવામાં આવતાં શ્રાદ્ધને નિત્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે. આ શ્રાદ્ધમાં વિશ્વદેવ (વસુ, ક્રતુ વગેરે દસ દેવો)ની સ્થાપના કરવામાં આવતી નથી. કોઈ ગંભીર પરિસ્થિતિ આવી પડે તથા અસમર્થાવસ્થામાં માત્ર જળ દ્વારા જ આ શ્રાદ્ધને સંપન્ન કરી શકાય છે.

નૈમિત્તિક શ્રાદ્ધઃ કોઈને નિમિત્ત બનાવીને જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને નૈમિત્તિક શ્રાદ્ધ કહે છે. તેને એકોદ્દિષ્ટના નામે પણ ઓળખવામાં આવે છે. એકોદ્દિષ્ટનો અર્થ છે કોઈ એકને નિમિત્ત બનાવીને કરવામાં આવનારું શ્રાદ્ધ. જેમ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી દસમુ, અગિયારમું વગેરે એકોદ્દિષ્ટ શ્રાદ્ધ અંતર્ગત આવે છે. આ શ્રાદ્ધમાં પણ વિશ્વદેવોની સ્થાપના કરવામાં આવતી નથી.

કામ્ય શ્રાદ્ધઃ કોઈ કામનાની પૂર્તિ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને કામ્ય શ્રાદ્ધ કહેવામાં આવે છે.

વૃદ્ધિ શ્રાદ્ધઃ કોઈ પણ પ્રકારની વૃદ્ધિ જેમ કે પુત્રજન્મ, વિવાહ વગેરે માંગલિક કાર્યોમાં જે શ્રાદ્ધ હોય છે તેને વૃદ્ધિ શ્રાદ્ધ કહે છે. તેને નાન્દી શ્રાદ્ધ અથવા નાન્દીમુખ શ્રાદ્ધના નામે પણ ઓળખવામાં આવે છે.

પાર્વણ શ્રાદ્ધઃ પાર્વણ શ્રાદ્ધ પર્વ સાથે સંબંધિત છે. કોઈ પર્વ જેમ કે પિતૃપક્ષ, અમાસ અથવા પર્વની તિથિ વગેરે દિવસે કરવામાં આવતાં શ્રાદ્ધને પાર્વણ શ્રાદ્ધ કહે છે. આ શ્રાદ્ધ વિશ્વદેવ સહિતનું હોય છે.

સપિંડ શ્રાદ્ધઃ અહીં સપિંડનો અર્થ પિંડોનો મેળાપ એવો છે. વાસ્તવમાં શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ મનુષ્યનું મૃત્યુ થાય છે, ત્યારે તે પ્રેત બને છે. પ્રેતમાંથી પિતરમાં લઈ જવાની વિધિ કે પ્રક્રિયા જ સપિંડ છે. આ વિધિમાં પ્રેત પિંડનો પિતૃ પિંડમાં સમાવેશ કરી શકાય છે. તેને જ સપિંડ શ્રાદ્ધ કહે છે.

ગોષ્ઠી શ્રાદ્ધઃ ગોષ્ઠી શબ્દનો અર્થ સમૂહ એવો થાય છે. જે શ્રાદ્ધ સામૂહિક રીતે અથવા સમૂહમાં સંપન્ન કરવામાં આવે તેને ગોષ્ઠી શ્રાદ્ધ કહે છે.

શુદ્ધયર્થ શ્રાદ્ધઃ શુદ્ધિ માટે જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેને શુદ્ધયર્થ શ્રાદ્ધ કહે છે. જેમ કે શુદ્ધિ માટે બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ.

કર્માગ શ્રાદ્ધઃ કર્માગનો અર્થ કર્મનો અંગ એવો થાય છે. એટલે કે કોઈ કર્મના અંગ રૂપમાં જે શ્રાદ્ધ સંપન્ન કરવામાં આવે છે તેને કર્માગ શ્રાદ્ધ કહે છે. જે રીતે સીમન્તોનયન, સુંસવન વગેરે સંસ્કારોને સંપન્ન કરવાના હેતુથી કરવામાં આવતા શ્રાદ્ધ કર્માગની અંતર્ગત આવે છે.

યાત્રાર્થ શ્રાદ્ધઃ યાત્રાના ઉદ્દેશથી કરવામાં આવતા શ્રાદ્ધ યાત્રાર્થ શ્રાદ્ધ કહેવાય છે. જેમ કે તીર્થ સ્થળોએ જવાના ઉદ્દેશથી અથવા દેશાન્તર જવાના ઉદ્દેશથી જે શ્રાદ્ધ સંપન્ન કરવું જોઈએ તે યાત્રાર્થ શ્રાદ્ધ જ છે. તેને ધૃતશ્રાદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે.

પુષ્ટયર્થ શ્રાદ્ધઃ પુષ્ટિ નિમિત્તે જે શ્રાદ્ધ કરવામાં આવે જેમ કે શારીરિક અને આર્થિક ઉન્નતિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ પુષ્ટયર્થ શ્રાદ્ધ કહેવાય છે.

પિંડ એટલે શું?

શ્રાદ્ધ કર્મમાં બાફેલા ચોખા (ભાત), દૂધ અને તલનું મિશ્રણ કરીને જે ગોળાકાર બનાવવામાં આવે છે તેને પિંડ કહે છે. તેને સપિંડીકરણ પણ કહે છે. પિંડનો અર્થ થાય છે શરીર. આ એક પારંપરિક વિશ્વાસ છે. ચોખાના પિંડ જે પિતા, દાદા, પરદાદા વગેરેના શરીરનું પ્રતીક છે.

શ્રાદ્ધમાં કાગડાઓનું મહત્ત્વ

કાગડાનો કર્કશ અવાજ, કાળા રંગ-રૂપને કારણે તેને મોટાભાગના લોકો પસંદ કરતા નથી. છત પર બેસીને બોલતા કાગડાને ઉડાડી મૂકતા લોકો પણ એક દિવસ તેની સારી આગતા-સ્વાગતા કરે છે. તેને બોલાવી ખીર-પૂરી ખવડાવે છે.

આમ કરવા પાછળ એવી માન્યતા રહેલી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે કાગડાનો જન્મ લે છે. તેથી શ્રાદ્ધના દિવસે કાગડાઓને ખાવાનું ખવડાવવાથી પિતૃઓને ખાવાનું મળતાં તેઓ તૃપ્ત થાય છે.

આ જ કારણ છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ અને કાગડાઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પિતૃઓને ભોજન આપવાના હેતુથી કાગડાઓને સૌથી પહેલાં ભોજન (ખીર-પૂરી) આપવામાં આવે છે. જે વ્યક્તિ શ્રાદ્ધ કર્મ કરી રહી હોય તે એક થાળી કે પાત્રમાં ખીર-પૂરી લઈને પોતાના ઘરની છત પર જાય છે અને કાગવાસ-કાગવાસ બોલીને કાગડાઓને બોલાવીને ભોજન આપે છે. ત્યાં એક પાત્રમાં પાણી ભરીને પણ રાખવામાં આવે છે.

જ્યારે છત પર કાગડો ખાવા આવે તો એવું માનવામાં આવે છે કે જે પૂર્વજ માટે શ્રાદ્ધ કરવામાં આવ્યું છે તે પ્રસન્ન છે અને ભોજન કરવા આવ્યા છે. જો કાગડો ન આવે તો એવું માનવામાં આવે છે કે પૂર્વજ નારાજ છે.

તેમને રાજી કરવા માટે તેમની તસવીર સામે હાથ જોડીને ઊભા રહી તેમની માફી માગવામાં આવે છે. જ્યાં સુધી કાગડો છત પર આવીને ન ખાય ત્યાં સુધી શ્રાદ્ધ કરનારને પ્રસન્નતા મળતી નથી.

શ્રાદ્ધમાં શું ન કરવું?

કેટલાંક અનાજ અને ખાદ્ય પદાર્થ છે જેનો ઉપયોગ શ્રાદ્ધમાં કરવો જોઈએ નહીં જેમ કે મસૂર, રાજમા, ચણા,વાસી ભોજન અને સમુદ્રના પાણીમાંથી બનેલું મીઠું. આ સિવાય ભેંસ, બકરી, ઊંટડી વગેરે પશુઓનું દૂધ પણ ર્વિજત છે. જોકે ભેંસના ઘીનો તમે ઉપયોગ કરી શકો છો. શ્રાદ્ધમાં દૂધ, દહી અને ઘી પિતૃઓ માટે તુષ્ટિકારક માનવામાં આવે છે. શ્રાદ્ધ ક્યારેય બીજાના ઘરે કે બીજાની જમીન પર ન કરી શકાય. જે ભૂમિ (જમીન) પર કોઈનું પણ સ્વામિત્વ ન હોય, સાર્વજનિક હોય એવી ભૂમિ પર શ્રાદ્ધ કરી શકાય.

પીપળાના પૂજનથી પિતૃદોષનું નિવારણ

પિતૃદોષના નિવારણ માટે પીપળાની પૂજા એ શ્રેષ્ઠ ઉપાય છે. સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષ પાસે જઈને ભગવાન વિષ્ણુ અને પીપળાને પ્રાર્થના કરો. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. પીપળાની ૧૦૮ વાર પ્રદક્ષિણા કરો. દરેક પરિક્રમાએ એક મીઠાઈ કે મીઠી વસ્તુ જરૂર મૂકો અને ઓમ  નમો ભગવતે વાસુદેવાયમંત્રનો જાપ કરતા જાઓ. પરિક્રમા પૂર્ણ થયા પછી અજાણતા પણ થયેલી ભૂલની ક્ષમા માગો. આ પૂજન દ્વારા ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.

પિતૃદોષના ઉપાય


પિતૃદોષને ગંભીર અને અશુભ દોષ માનવામાં આવે છે. આ દોષ માટે અનેક કારણો જવાબદાર હોય છે. પરિવારમાં કોઈનું અકાળે મૃત્યુ થવાથી, પોતાના માતા-પિતા વગેરેનું અપમાન કરવાથી, મૃત્યુ પછી માતા-પિતાનું યોગ્ય રીતે ક્રિયા કર્મ અને શ્રાદ્ધ ન કરવાથી, તેમના નિમિત્તે વાર્ષિક શ્રાદ્ધ વગેરે ન કરવાથી પિતૃદોષ લાગે છે. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા આપેલા ઉપાયો કરવાથી ફાયદો થશે.

*           દર અમાસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવો તથા દાન-દક્ષિણા આપો. તેનાથી પિતૃદોષનો પ્રભાવ ઓછો થાય છે.

*           જમવા બેસો તે પહેલાં તેલ ચોપડેલી બે રોટલી ગાયને ખવડાવો.

*           પિતૃદોષ નિવારણ યંત્રની સ્થાપના કરીને તેની રોજ પૂજા કરવી જોઈએ. તેનાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.

*           પિતૃઓ માટે પાણિયારે દીવો કરવામાં આવે છે. તેથી દરરોજ પાણિયારે દીવો કરીને પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ.

*           કોઈ પવિત્ર તીર્થ સ્થળે સ્નાન કરવા જાઓ ત્યારે તમારા પિતૃઓ માટે ત્રણ વખત અંજલિમાં પાણીથી તર્પણ કરો.

*           અમાસના દિવસે એક કોડિયામાં દેવતા મૂકીને ખીરનો ભોગ કરીને દક્ષિણ દિશામાં પિતૃઓનું આહ્વાન કરીને પોતાનાં કર્મોની ક્ષમાયાચના કરવાથી પણ દોષ દૂર થાય છે.

*           પિતાનો આદર કરવાથી, તેમના ચરણસ્પર્શ કરવાથી, પિતાતુલ્ય દરેક વ્યક્તિને આદર આપવાથી સૂર્ય બળવાન બને છે અને દોષનો પ્રભાવ ઘટે છે.

*           સૂર્યોદયના સમયે આસન પર ઊભા રહીને સૂર્ય દેવતાને જોવાથી, તેમને જળ ચઢાવી પ્રાર્થના કરવાથી અને ગાયત્રીમંત્રનો જાપ કરવાથી પણ સૂર્ય બળવાન બને છે.

*           શ્રાદ્ધપક્ષ અથવા વાર્ષિક તિથિએ પિતૃઓને પસંદ હોય તેવી વાનગીઓ બનાવીને બ્રાહ્મણને ભોજન કરાવી દાન-દક્ષિણા આપો.

*           સૂર્યને બળવાન બનાવવા માટે માણેક રત્નને સોનાની વીંટીમાં જડાવીને પહેરી શકાય, પરંતુ આ બાબત જન્મકુંડળીમાં સૂર્યની સ્થિતિ પર નિર્ભર કરે છે.

*           દરરોજ માતા-પિતાના ચરણસ્પર્શ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

*           પોતાની જમવાની થાળીમાંથી ત્રણ ભાગ ગાય, કૂતરા અને કાગડાઓ માટે કાઢીને તેમને ખવડાવો.

*           દર શનિવારે વડ અથવા પીપળાના વૃક્ષને દૂધ ચઢાવો. માછલીઓને ચોખા અને ઘી માંથી બનાવેલા લાડુ ખવડાવો.

*           પિતૃદોષ કોઈ પણ પ્રકારની સિદ્ધિને પ્રાપ્ત થતાં અટકાવે છે. સફળતા જોજનો દૂર રહે છે. પરંતુ આવામાં જો કાલી માતાની ઉપાસના કરવામાં આવે તો દોષનો પ્રભાવ ઘટે છે.

પુરાણોમાં વર્ણવેલા શ્રાદ્ધના લાભ

*           ગરુડ પુરાણ અનુસાર પિતૃપૂજન એટલે કે શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થઈને આયુષ્ય, પુત્ર, યશ,કીર્તિ, વૈભવ, સુખ-સંપત્તિ, ધન, સ્વર્ગ વગેરે મળે છે.

*           વિષ્ણુપુરાણ અનુસાર શ્રાદ્ધ કરવાથી માત્ર પિતૃઓ જ તૃપ્ત નથી થતાં, પરંતુ બ્રહ્મા, ઈન્દ્ર, રુદ્ર, બંને અશ્વિની કમાર, સૂર્ય, અગ્નિ, વાયુ, વિશ્વેદેવ, ઋષિ, મનુષ્ય, પશુ-પક્ષી અને બધાં જ પ્રાણીઓ તૃપ્ત થાય છે.

*           બ્રહ્મપુરાણ અનુસાર જે વ્યક્તિ મુશ્કેલીઓ વેઠીને પણ શ્રદ્ધા અને ભક્તિભાવ રાખીને શ્રાદ્ધ કરે છે, તેના કુળમાં કોઈ પણ દુઃખી થતું નથી. એવું પણ વર્ણન છે કે શ્રાદ્ધમાં પિંડો પર પડેલ પાણીનાં નાનાં-નાનાં બુંદોથી પશુ-પક્ષીઓની યોનીમાં પડેલ પિતૃઓનું પોષણ કરે છે. જે કુળમાં કોઈ વ્યક્તિ બાળપણમાં જ મૃત્યુ પામી હોય તેઓ આ જળથી તૃપ્ત થઈ જાય છે.

*           માર્કંડેય પુરાણમાં જણાવ્યા અનુસાર શ્રાદ્ધથી તૃપ્ત થઈને પિતૃગણ શ્રાદ્ધકર્તાને દીર્ઘાયુ, સંતાન, ધન, વિદ્યા, સુખ, રાજ્ય, સ્વર્ગ અને મોક્ષ આપે છે.

*           યમસ્મૃતિ અનુસાર જે લોકો દેવતા, બ્રાહ્મણ, અગ્નિ અને પિતૃઓની પૂજા કરે છે તે બધાંના અંતરાત્મામાં રહેનાર વિષ્ણુની પણ પૂજા કરે છે.

*           દેવસ્મૃતિ અનુસાર શ્રાદ્ધની ઇચ્છા કરનાર પ્રાણી નિરોગી, સ્વસ્થ, દીર્ઘાયુ, યોગ્ય સંતાનવાળો, ધનવાન અને ધનોપાર્જક હોય છે. શ્રાદ્ધ કરનાર મનુષ્ય જુદા-જુદા સારા લોકને પ્રાપ્ત કરે છે. પરલોકમાં તે સંતોષ મેળવે છે અને પૂર્ણ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે.

શ્રાદ્ધ માટેનાં ઉત્તમ તીર્થસ્થાનો


ગુજરાતમાં નર્મદા કિનારે ચાણોદ શ્રાદ્ધ તર્પણ કરવાનું શ્રેષ્ઠ સ્થળ મનાય છે. પુષ્કરતીર્થ તથા ગયાજી પિતૃતર્પણ માટે શ્રેષ્ઠ ગણાય છે. ગંગાજીમાં તમામ સ્થળે તથા મૈનક નામના પર્વત પર શ્રાદ્ધ કર્મ ઉત્તમ ફળદાયી છે. યમુનાજીના કિનારે તથા મથુરામાં વિશ્રામઘાટને શ્રેષ્ઠ કહ્યાં છે. ગુજરાતમાં સિદ્ધપુર માતૃ-તર્પણ કે શ્રાદ્ધ માટે ઉત્તમ સ્થળ છે તથા પિતૃ-તર્પણ માટે કચ્છમાં ઘુરબડી તીર્થ, નારાયણ સરોવર, કોટેશ્વર, ચાંણોદ-કરનાળી, ઊના નજીક પ્રાંચી તીર્થ વગેરે મહાતીર્થો છે. આ બધાં તીર્થોએ પિતૃદોષમાંથી મુક્ત થવા માટે નારાયણ નાગબલિ, કાલસર્પ અને ત્રિપિંડી શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે.

સિદ્ધપુર

માતૃગયા તરીકે જગપ્રસિદ્ધ સિદ્ધપુરમાં બિંદુ સરોવર આવેલું છે. હિન્દુ ધર્મમાં જેમ પિતૃશ્રાદ્ધ માટે ગયાજી (બિહાર) પ્રખ્યાત છે. તેવી જ રીતે માતૃશ્રાદ્ધ માટે ઉત્તર ગુજરાતનું સિદ્ધપુરનું બિંદુ સરોવર પણ એટલું જ પ્રખ્યાત છે. અહીં પિંડદાન વિધિ કરાવીને માતૃઋણમાંથી મુક્ત થવાય છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર સહિતનાં અનેક રાજ્યોમાંથી લોકો માતૃશ્રાદ્ધની વિધિ કરાવવા માટે આવે છે. સમગ્ર ભારતમાં માતૃશ્રાદ્ધ માત્ર સિદ્ધપુર ખાતે જ થાય છે. અહીં બ્રાહ્મણો દ્વારા ગોરમંડળ બનાવવામાં આવ્યું છે. માતૃશ્રાદ્ધ કરાવવા આવેલ યજમાનના કુળનું નામ જે બ્રાહ્મણના ચોપડામાંથી નીકળે તે જ બ્રાહ્મણ માતૃશ્રાદ્ધની વિધિ કરાવી શકે છે. ચૈત્ર-ભાદરવો અને કારતક માસમાં શ્રાદ્ધ વિધિ કરાવવા માટે શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં ઉમટી પડે છે. પુરાણોક્ત કપિલાશ્રમ સિદ્ધપુર પાસે જ હતો. ભગવાન કપિલે પોતાની માતા દેવહુતિને બ્રહ્મજ્ઞાન આપ્યું તથા જ્ઞાનથી દેવહુતી જળરૂપ થઈ ગયા એ પ્રસંગ સિદ્ધપુર પાસે જ બનેલો. પોતાના પિતાની આજ્ઞાથી માતા રેણુકાનું મસ્તક કાપી નાખનાર ભગવાન પરશુરામ કપિલાશ્રમના બિંદુ સરોવરમાં સ્નાન કરીને તથા આ સરોવરના જળ વડે પોતાની માતાનું શ્રાદ્ધ કરીને પાપમુક્ત થયા હતા. સિદ્ધપુરમાં માતાનું શ્રાદ્ધ કરવાથી પુત્રને માતૃ ઋણમાંથી મુક્તિ મળે છે.

ગયાજી

બિહારમાં ફલ્ગુ નદીના તટ પર ગયા આવેલું છે. ગયાનો ઉલ્લેખ રામાયણમાં જોવા મળે છે. ગયા મૌર્ય કાળમાં મહત્ત્વનું શહેર હતું. વારાણસીની જેમ ગયા પણ ધાર્મિક નગરી તરીકે પ્રસિદ્ધ છે. બધાં જ દેવતાઓનાં મંદિરો અહીં જોવા મળે છે, તેથી ગયાજીને સર્વતીર્થમયી કહેવામાં આવે છે. ગયાજીમાં શ્રી વિષ્ણુપદ, માતા મંગલા ગૌરી, માર્કંડેશ્વર શિવ, પિતામાહેશ્વર, શ્રી ભૈરવ સ્થાન, ફલ્કેશ્વર મહાદેવ, મહાવીર સ્થાન, અભયવટ વગેરે દર્શનીય સ્થળો આવેલાં છે. પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ દરમિયાન અહીં હજારો શ્રદ્ધાળુઓ પિંડદાન માટે આવે છે. એવું માનવામાં આવે છે કે ગયાજીમાં ફલ્ગુ નદીના તટે પિંડદાન કરવાથી મૃત વ્યક્તિને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. પુત્રને પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે.

શ્રાદ્ધ કોણ કરી શકે?

હિન્દુ ધર્મમાં મરણોપરાંત સંસ્કારોને પૂર્ણ કરવાનું કામ પુત્ર કરે છે. શાસ્ત્રો એવું કહે છે કે નરકમાંથી મુક્તિ પુત્ર દ્વારા જ મળે છે તેથી પુત્રને જ શ્રાદ્ધ કે પિંડદાનનો અધિકારી માનવામાં આવ્યો છે. જો કોઈને પુત્ર ન હોય તો તેવા સમયે કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર મળે તેનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં જોવા મળે છે.

*           પિતાનું શ્રાદ્ધ પુત્રએ જ કરવું જોઈએ.

*           પુત્ર ન હોય તો મૃત્યુ પામનારની પત્ની શ્રાદ્ધ કરી શકે છે.

*           પુત્ર કે પત્ની ન હોય તો સગા ભાઈ અથવા તે પણ ન હોય તો તેમના પુત્રોએ શ્રાદ્ધ કરવું જોઈએ.

*           એકથી વધારે પુત્ર હોય તો સૌથી મોટો પુત્ર શ્રાદ્ધ કરી શકે છે.

*           સંતાનમાં માત્ર પુત્રી જ હોય તો પુત્રીનો પતિ તથા તેનો પુત્ર પણ શ્રાદ્ધનો અધિકારી છે.

*           પૌત્ર તથા પ્રપૌત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે.

*           પુત્ર-પુત્રી કે પૌત્ર ન હોય તેવામાં ભત્રીજો પણ શ્રાદ્ધ કરી શકે છે.

*           ખોળે લીધેલો પુત્ર પણ શ્રાદ્ધનો અધિકારી છે.

.

Sandesh - Leading Gujarati Daily