સ્વાઇન ફ્લૂથી વધુ ૩નાં મોતઃ ૩૪૧ દાખલ

Aug 10,2009 Home > National >Article
 
Tags:   swine flu india comment    e-mail    print    
 
Viewed 3297
Rate 3.0
Rating
Read in English
Bookmark The Article
 
 

પૂણે/ચેન્નાઇ/નવી દિલ્હી, તા.૧૦

સ્વાઇન ફ્લૂથી આજે ચેન્નાઇમાં ચાર વર્ષના એક બાળકે અને પૂણેમાં ૩૫ વર્ષના આયુર્વેદિક તબીબે તેમ જ ૩૫ વર્ષના એક કેમિસ્ટે જાન ગુમાવતાં આ ફ્લૂને કારણે દેશમાં કુલ મૃત્યુઆંક વધીને ૭ થઇ ગયો છે. બીજી તરફ સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારાના પગલે સરકારે ખાનગી લેબોરેટરીઓને સરકારી માર્ગર્દિશકાઓ મુજબ શંકાસ્પદ કેસોના ટેસ્ટ્સ માટે મંજૂરી આપવાનો અને સ્વાઇન ફ્લૂનો ફેલાવો રોકવા ટેમીફ્લૂની વધુ બે કરોડ ટેબ્લેટ્સનો જથ્થો ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો હતો.

ચેન્નાઇમાં સંજય બાલકૃષ્ણ નામના બાળકને કિડની અને લિવરમાં તકલીફો સાથે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેનો સ્વાઇન ફ્લૂ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને આજે સવારે તેનું મોત થયું હોવાનું ચેન્નાઇના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. સંજય અસ્થમાથી પણ પીડાતો હતો. તે તમિલનાડુમાં સ્વાઇન ફ્લૂનો પહેલો શિકાર બન્યો છે.

તમિલનાડુના આરોગ્ય સચિવ વી. કે. સુબ્બુરાજે જણાવ્યું હતું કે, "બાળકની હાલત ખૂબ નાજુક હતી. ઘણી તકલીફોના પગલે તેને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેને વેન્ટિલેટર (કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ) પર રખાયો હતો અને મલ્ટિ-ઓર્ગન ફેલ્યોરના કારણે તેનું મોત નિપજ્યું હતું."

  • ચેન્નાઇમાં ૪ વર્ષના બાળકે, પૂણેમાં આયુર્વેદિક તબીબે, કેમિસ્ટે જીવ ગુમાવ્યો
  • તમિલનાડુમાં સ્વાઇન ફ્લૂથી પ્રથમ મોત
  • રૂપૂણેમાં મૃત્યુઆંક વધીને ૪ થયો

દરમિયાન, પૂણેમાં આયુર્વેદિક તબીબ બાબાસાહેબ માનેનું આજે સવારે સસૂન હોસ્પિટલ ખાતે મોત થયું હતું. માને કેટલાક દિવસોથી બીમાર હતા અને તેમના કફ સાથે લોહી પડતું હતું. સસૂન હોસ્પિટલમાં જ સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહેલા ૩૫ વર્ષીય કેમિસ્ટ સંજય તિલેકરે પણ આજે સાંજે દમ તોડયો હતો. પૂણેના મોહંમદવાડી વિસ્તારના રહેવાસી સંજયને તાવ, હૃદયની તકલીફ અને રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન સાથે છઠ્ઠી ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાબાસાહેબ માને અને સંજય તિલેકરના મોત સાથે પૂણેમાં એચ૧એન૧ વાયરસથી કુલ મૃત્યુઆંક વધીને ૪ થઇ ગયો છે.

ગઇ કાલે દેશભરમાં સ્વાઇન ફ્લૂના ૮૨ નવા કેસો નોંધાતાં પોઝિટિવ કેસોનો કુલ આંકડો વધીને ૮૬૪ થયો હતો. તેના પગલે વડાપ્રધાન મનમોહનસિંહે આરોગ્યપ્રધાન ગુલામનબી આઝાદ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી.

સ્વાઇન ફ્લૂથી મોતનો આંકડો વધતાં ગુલામનબી આઝાદે આજે કેબિનેટ સચિવ કે. એમ. ચંદ્રશેખર સાથે બેઠક યોજી ચર્ચા કરી હતી. આ બેઠકમાં આરોગ્ય સચિવ નરેશ દયાલ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં સ્વાઇન ફ્લૂ વધુ ન ફેલાય તેના ઉપર ચર્ચા થઈ હતી. આઝાદે જણાવ્યાનુસાર, સ્વાઇન ફ્લૂની રસી વિકસાવવા ત્રણ કંપનીઓ કામ કરી રહી છે. ડબલ્યુએચઓ (હુ) દ્વારા ભારત સહિત કેટલાક દેશોને વાયરસ સીડ પૂરા પાડવામાં આવ્યા છે. જો અન્ય કોઇ દેશ આપણા કરતા પહેલાં રસી વિકસાવશે તો આપણે તે રસી અપનાવીશું.

વડાપ્રધાને ગઈ કાલે જ આ રોગના ફેલાવાને રોકવા રાજ્ય સરકારો સાથે સંકલન સાધવાની આરોગ્ય મંત્રાલયને સૂચના આપી હતી. સાથે સાથે લોકોમાં દુષ્પ્રચાર ન ફેલાય તેની ખાતરી કરવા પણ કહ્યું હતું. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના સૂત્રોએ કહ્યું હતું કે વડાપ્રધાને આરોગ્ય નિષ્ણાતો અને તબીબોની એક પેનલ રચવા આઝાદને કડક સૂચના આપી છે. આઝાદે સ્વાઇન ફ્લૂના કેસો માટે અલગ ઓપીડી સેક્શન ઊભા કરવા ગઈ કાલે જ રાજ્ય સરકારોને સૂચના આપી હતી.

ત્રીજી ઓગસ્ટેે પૂણેમાં ૧૪ વર્ષની કિશોરી રિદા શેખનું મોત દેશમાં સ્વાઇન ફ્લૂથી મોતનો પ્રથમ કિસ્સો હતો. ત્યાર બાદ ગત શનિવારે મુંબઇમાં ૫૩ વર્ષીય મહિલા ફહમીદા પાનવાલા અને ૪૨ વર્ષીય શિક્ષક સંજય તુકારામ કોકરેનું સ્વાઇન ફ્લૂથી મોત થયું હતું. આ ઉપરાંત રવિવારે અમદાવાદમાં ૪૩ વર્ષીય એનઆરઆઈ પ્રવીણ પટેલનું સ્વાઇન ફ્લૂથી મોત થઈ ગયું હતું.

દરમિયાન, સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારાના પગલે સરકારે ખાનગી લેબોરેટરીઓને સરકારી માર્ગર્દિશકાઓ મુજબ શંકાસ્પદ કેસોના ટેસ્ટ્સ માટે મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. ગુલામનબી આઝાદે આજે દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતાં એમ પણ કહ્યું હતું કે સ્વાસ્થ્યસંભાળનું માળખું સુધારવા માટેના પગલાં અંગે રાજ્યોને માહિતગાર કરવા સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ અને અન્ય મંત્રાલયોના ૩૫ એડિશનલ અને જોઇન્ટ સેક્રેટરીઓને રાજ્યોની મુલાકાતે મોકલવામાં આવશે.

મૃતકોની યાદી

૩ ઓગસ્ટ : પૂણેની ૧૪ વર્ષીય બાળા રિદા શેખનું મોત.

૮ ઓગસ્ટ : મુંબઈની ૫૩ વર્ષીય ફહમીદા પાનવાલાનું મોત

૮ ઓગસ્ટ : પૂણેના ૪૨ વર્ષીય શિક્ષક સંજય તુકારામ કોકરેનું મોત.

૯ ઓગસ્ટ : અમદાવાદમાં ૪૩ વર્ષીય એનઆરઆઈ પ્રવીણ પટેલનું મોત.

૧૦ ઓગસ્ટ : પૂણેમાં ૩૫ વર્ષના આયુર્વેદિક ડોક્ટર બાબાસાહેબ માનેનું મોત.

૧૦ ઓગસ્ટ : ચેન્નાઈમાં ૪ વર્ષના બાળક સંજય બાલકૃષ્ણનું મોત.

૧૦ ઓગસ્ટ : પૂણેમાં ૩૫ વર્ષના કેમિસ્ટ સંજય તિલેકરનું મોત.

સ્વાઇન ફ્લૂનો આતંક

મોત : ૭

કુલ કેસોની સંખ્યા : ૮૬૪

ટેસ્ટ કરાયા : ૪૦૮૪

સ્ક્રીનિંગ મારફતે ઓળખ : ૬૩૩

કોન્ટેક્ટ ટ્રેસિંગ : ૮૦૩

પોઝિટિવ કેસો પૈકી ડિસ્ચાર્જ : ૫૨૩

 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com