બ્રેસેલ્સ એ બેલ્જિયમનું પાટનગર છે. તે બેલ્જિયમનું સૌથી મોટું વિકસિત અને આધુનિક પ્રકારનું શહેર કહેવાય છે. શહેર એટલું મોટું છે કે તેમાં ૧૯ મ્યુનિસિપાલિટી સામેલ છે. આ મેટ્રોપોલિટન શહેરની કુલ વસતિ ૧.૮૮ મિલિયન કરતાં પણ વધારે છે. તે બેલ્જિયમનું મહત્ત્વનું મુખ્યમથક તેમજ બિઝનેસ સેન્ટર પણ છે.
બ્રેસેલ્સનો વિકાસનો તબક્કો દસમી સદીથી ચાલ્યો આવી રહ્યો છે. તે બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય રાજકારણની દૃષ્ટિએ પણ ઘણું મહત્ત્વ ધરાવે છે. તે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (ગ્દછ્ર્ં) નું હેડક્વાર્ટ્ર્સ છે. ઐતિહાસિક રીતે બ્રેસેલ્સની મૂળ ભાષા ડચ છે પરંતુ ૧૯મી સદી અને ૨૦મી સદીથી ત્યાં ફ્રેન્ચ ભાષાનું ચલણ વધુ છે. આજે તો ફ્રેન્ચભાષી લોકો વધુ છે. ઓફિસિયલી બંને ભાષાઓ બેલ્જિયમમાં ચાલે છે.
બ્રેસેલ્સનો ઈતિહાસ હજાર વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. સૌથી પહેલા ત્યાં ડચ પ્રજા આવીને વસી હતી. વેપારની દૃષ્ટિએ તે મહત્ત્વનું સ્થળ હતું તેથી તેનો ઝડપથી વિકાસ થયો. બારમી સદીમાં તે શહેરની આસપાસ દીવાલ બનાવવામાં આવી હતી. સમય જતાં તેનો વધુ ને વધુ વિકાસ થયો પરંતુ બીજા વિશ્વયુદ્ધમાં બ્રેસેલ્સ પર જર્મને હુમલો કર્યો હતો અને શહેરને મોટું નુકસાન પહોંચ્યું હતું. આજે જે બ્રેસેલ્સ દેખાય છે તેનો વિકાસ છેલ્લાં ૬૦ વર્ષમાં ખૂબ જ થયો છે.
બ્રેસેલ્સ યુરોપિયન યુનિયનનું પાટનગર શહેર પણ કહેવાય છે. તેમાં યુનિયનની મહત્ત્વની રાજકીય કચેરીઓ પણ આવેલી છે. બ્રેસેલ્સની સાથે લક્ઝમબર્ગ અને સ્ટ્રાસબર્ગમાં પણ યુનિયનની કચેરીઓ ૧૯૫૭થી કાર્યરત છે. આ રીતે આ શહેરનું આંતરરાષ્ટ્રીય રીતે ખૂબ જ મહત્ત્વ છે.
એક શહેર તરીકે બ્રેસેલ્સની રચના ઘણી સુંદર છે. જૂની અને નવી એમ બંને પ્રકારની ઈમારતો તેની શોભામાં વધારો કરે છે. મધ્યયુગીન સમયમાં બનેલા આલિશાન પેલેસો અને સ્થાપત્યો બ્રેસેલ્સમાં જોવાલાયક છે. ઘણી જગ્યાએ આજે યુરોપિયન યુનિયનની ઓફિસ બની ગઈ છે. મહત્ત્વની ઈમારતમાં ગ્રાન્ડ પેલેસનો સમાવેશ થાય છે. તેને ૧૯૮૮માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. તેની બાજુમાં ગોથિક ટાઉન હોલ છે. આ ઉપરાંત સેન્ટ માઈકલ અને ગુડુબા કેથેડ્રલ ત્યાં છે. આ ઉપરાંત ગ્રીનહાઉસ સાથેનું વિશાળ લેકન કાસલ છે. બીજું આકર્ષણનું સ્થળ છે વિશાળ રોયલ પેલેસ.
શહેરનું બીજું એક મહત્ત્વનું દર્શનીય સ્થળ છે. ૧૦૩ મીટર ઊંચી ઈમારત ઓટોમિયમ, ૧૯૫૮માં તે વર્લ્ડ ફેર માટે બંધાઈ હતી. તે નવ સ્ટીલના વિશાળ પાયા પર ઊભેલી છે. તે બેલ્જિયમ માટે જ નહીં પરંતુ સમગ્ર યુરોપિયન રિજનમાં જાણીતું સ્થળ છે.
મેનેક્કન પીસ નામનો બ્રોન્ઝ ફુવારો શહેરમાં આવતા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે. એક નાના બાળકની શિલ્પ પ્રતિકૃતિ યુરોપની એકતા અને શાંતિને ઉજાગર કરે છે. આ ઉપરાંત ત્યાં આવેલાં મહત્ત્વના સ્થળોમાં સિનક્વોન્ટિનેર પાર્કનો સમાવેશ થાય છે. આ પાર્કની બાજુમાં એક મોટું સંગ્રહાલય આવેલું છે. બાસ્લિકા ઓફ ધ સિક્રેટ હાર્ટ, બ્રેસેલ્સ સ્ટોક એક્સચેન્જ, પેલેસ ઓફ જસ્ટિસ અને યુરોપિયન ક્વાર્ટર જેવાં સ્થળો પણ પર્યટકોને આકર્ષતા રહ્યાં છે.
કલા અને સંસ્કૃતિકની દૃષ્ટિએ વિવિધતા અને અનેરો વારસો ધરાવતા બેલ્જિયમના આ પાટનગરમાં અનેક થિયેટર્સ અને ઓપેરા હાઉસ આવેલાં છે. ત્યાંના રોયલ મ્યુઝિયમ ઓફ ફાઈન આર્ટ, મ્યુઝિયમ ઓફ ધ આર્મી, કોમિક મ્યુઝિયમ ખાસ જોવા જેવાં છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ દેખાતા તેના મ્યુઝિક બેન્ડ, કોન્સર્ટ હોલ, મ્યુઝિક બાર્સ અને ડાન્સ ક્લબો કલાના શોખીનોને ખાસ આકર્ષે છે.
બેલ્જિયમ અને બ્રેસેલ્સનું મહત્ત્વનું પાસું તેનું આર્િકટેક્ચર છે. તે વિશ્વભરમાં આર્િકટેક્ચર માટે પ્રસિદ્ધ છે. તેની જૂની ઈમારતોમાં સ્થાપત્ય અને કલાના આપણને દર્શન થાય છે. બ્રેસેલ્સ કોમિક કેરેક્ટરની ભૂમિ કહેવાય છે. અહીંની દીવાલો પર તમને કોમિક પાત્રોનાં અવનવાં ચિત્રો દોરેલાં જોવા મળે છે. જે દરેકને રમૂજ પમાડે તેવાં હોય છે. આને કારણે બ્રેસેલ્સમાં બેલ્જિયમ કોમિક્સ મ્યુઝિયમ આવેલું છે.
શહેરમાં વિશેષ પ્રકારના કાર્યક્રમોની ઉજવણી માટે બનાવવામાં આવેલું સ્ટેડિયમ કલારસિકો માટે જાણીતું છે. તેનું નામ કિંગ બોઈડોઈન સ્ટેડિયમ છે. તેમાં ૬૦ હજાર જેટલા દર્શકો બેસી શકે છે. બ્રેસેલ્સ કલા અને કલાપારખુઓની નગરી કહેવાય છે. તેમાં ૮૦થી વધુ સંગ્રહાલયો આવેલાં છે. કલાના અભ્યાસ અને પ્રશિક્ષણ મેળવવા માટેની સંસ્થાઓ અને કોલેજ પણ ત્યાં આવેલી છે. વિવિધ સંગ્રહાલયોમાં વિશ્વભરના નામાંકિત કલાકારોની કૃતિઓ અને પેઈન્ટિંગ્સ અહીં સંગ્રહાયેલાં છે.
બ્રેસેલ્સમાં આવતા પર્યટકોને ખાણીપીણીને મામલે આકર્ષવા માટે ત્યાં ૧૮૦૦ જેટલાં રેસ્ટોરાં આવેલાં છે. અસંખ્ય કાફે બાર અને બીયર બાર શહેરમાં જોવા મળે છે.
બ્રેસેલ્સ તેની વિવિધ પ્રકારની ચોકલેટની બનાવટોને કારણે પણ પ્રખ્યાત છે. બ્રેસેલ્સ સ્થાપત્યકલા, ચિત્રકલા, કોમિક્સ વગેરેને જાણવા માટે એક મહત્ત્વનું યુરોપનું શહેર બની રહ્યું છે.