મુંબઇ, તા.૨૮
ઇન્ટરનેટનું બંધાણ થઇ ગયું હોય તેવી વ્યક્તિઓ ઓનલાઇન 'હિટ' મેળવવામાં નિષ્ફળ રહે ત્યારે સખત માનસિક તાણ અનુભવતા હોવાનું એક નવા અભ્યાસથી માલૂમ પડયું છે.
-
પરિવાર, મિત્રો અને કામ કરતા પણ ઇન્ટરનેટને વધારે મહત્ત્વ આપે છે
-
તેઓ એમ જ માને છે કે ઇન્ટરનેટ વગર તેમનું જીવન કંટાળાજનક બની જશે
હેવી વેબ યુઝર્સ (ઇન્ટરનેટનો પુષ્કળ ઉપયોગ કરતી વ્યક્તિઓ)ના ક્લિનિકલ મોનિટરિંગથી ઘટસ્ફોટ થયો હતો કે, તેમના મગજની સક્રિયતા અને બ્લડપ્રેશર નોંધપાત્ર હદે વધારે હોય છે. ઇન્ટરનેટ પરની નિર્ભરતાને કારણે સર્જાતી ભારે માનસિક તાણનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાાનીઓએ આ સમસ્યાને 'ડિસકોમગૂગોલેશન' નામ આપ્યું છે.
કોઇ વ્યક્તિ તેની નોર્મલ લાઇફ ખોરવાય તે હદે ઇન્ટરનેટનો ઉપયોગ કરતી થઇ જાય તો તેને ઇન્ટરનેટ એડિક્ટ મતલબ કે ઇન્ટરનેટના બંધાણીની કેટેગરીમાં મૂકવામાં આવે છે. મુંબઇની લીલાવતી હોસ્પિટલના મનોવિજ્ઞાાની ડો. ભરત શાહે જણાવ્યું હતું કે, "ઇન્ટરનેટ એડિક્ટની લાઇફ પર ઇન્ટરનેટ સંપૂર્ણપણે હાવી થઇ ગયું હોય છે. ઇન્ટરનેટના બંધાણીઓ તેમના પરિવાર, મિત્રો અને કામ કરતા પણ ઇન્ટરનેટને વધારે પ્રાયોરિટી આપતાં હોય છે. તેઓ ઓનલાઇન વધુ ને વધુ સમય ગાળવા બીજા કામ પડતાં મૂકતાં હોય છે કે તેના પ્રત્યે બેદરકાર બની જતાં હોય છે, રાત્રે મોડે સુધી નેટર્સિંફગ કરીને પૂરતી ઊંઘ લેતાં નથી અને એમ જ માની બેસે છે કે ઇન્ટરનેટ વગર તેમનું જીવન કંટાળાજનક બની જશે. મોટા ભાગના ઇન્ટરનેટ એડિક્ટ્સ એકલવાયા પણ થઇ જતાં હોય છે."
સાઇબર-સેક્સ અને સાઇબર-પોર્ન ઇન્ટરનેટ એડિક્શનના બે સૌથી સામાન્ય સ્વરૃપ છે. ઇન્ટરનેટ પર સેક્સ્યુઅલ કન્ટેન્ટ સહેલાઇથી ઉપલબ્ધ હોવાને કારણે સેક્સ્યુઅલ એડિક્શનના એક નવા પ્રકાર સંબંધી કિસ્સા વધ્યા છે. ચેટરૃમ્સ અને ઇન્સ્ટન્ટ મેસેજિંગની વધતી લોકપ્રિયતાને કારણે ઓનલાઇન અફેર્સ પણ વધતાં છૂટાછેડાના કિસ્સાઓમાં નવા ટ્રેન્ડ્સ આવ્યા છે. ઘણા ઇન્ટરનેટ એડિક્ટ્સ ઓનલાઇન શોપિંગ, ઓનલાઇન ગેમ્બિંગ કે ઓનલાઇન ગેમ્સના પણ બંધાણી હોય છે.
ઇન્ટરનેટનું બંધાણ હોય તેમને સારવાર માટે ઇન્ટરનેટનો ઉપયોગ મર્યાદિત કરવામાં મદદ માટે કાઉન્સેલિંગ આપવામાં આવે છે. અમુક કિસ્સામાં ફેમિલી કાઉન્સેલિંગ પણ અપાય છે. વધુ ગંભીર કિસ્સાઓમાં દર્દીની સારવાર દવાથી કરવામાં આવે છે. અત્યંત ગંભીર હોય તેવા કિસ્સામાં દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે જેની જરૃર ભાગ્યે જ પડતી હોય છે.