જોહાનિસબર્ગ, તા.૭
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ શહેરમાં એક સદી અગાઉ ગાંધીજીનું ઘર રહી ચૂકેલું મકાન હરાજીમાં એક ફ્રેન્ચ ટુરીઝમ કંપનીએ ૩,૭૭,૦૨૯ (અંદાજે ૧ કરોડ ૭૫ લાખ રૃપિયા)ના લઘુતમ ભાવથી બમણી રકમની બોલી લગાવીને ખરીદી લીધું છે. આ ઐતિહાસિક મકાન ખરીદવા માટે બોલી લગાવનારા બીડર્સમાં કેટલાક ભારતીયોનો પણ સમાવેશ થતો હતો.
પેરિસ સ્ટોક એક્ષ્ચેન્જમાં લિસ્ટેડ થયેલી કંપની વોયેજિયર્સ ડુ મોન્ડ વિશ્વભરમાં હેરિટેજ પ્રોપર્ટીમાં રોકાણ કરવાની પોતાની ફિલસૂફી પ્રમાણે જોહાનિસબર્ગના આ મકાનને ગાંધી મ્યુઝિયમમાં ફેરવવાનું વિચારી રહી છે.
યુવા વકીલ તરીકે મોહનદાસ કરમચંદ ગાંધી ૧૯૦૮થી ૧૯૧૦ સુધી આ મકાનમાં રહ્યા હતા. છાપરાવાળું કાચું મકાન ગાંધીજીના વિશ્વાસુ આર્િકટેક્ટ હર્મેન કેલેનબેકે તૈયાર કર્યું હતું.
આ મકાનના અગાઉના માલિકો નેન્સી અને જેર્રોડ બોલે ૧૯૮૧માં ૬૫,૦૦૦ રેન્ડ (અંદાજે ચાર લાખ રૃપિયા)માં મકાન ખરીદ્યું હતું અને થોડા સમય બાદ વેચી દીધું હતું. આ દંપતીએ જણાવ્યું હતું કે તેમનું મકાન ખરીદનાર કંપની ગાંધીવાદી વારસાનું જતન કરશે તેનો તેમને આનંદ છે.
જોહાનિસબર્ગના હરિયાળા સબર્બ ઓર્ચાર્ડ્સમાં આવેલું આ મકાન દક્ષિણ આફ્રિકાના એવાં સ્થળો પૈકી એક છે કે જ્યાં ગાંધીજીએ સત્યાગ્રહની ફિલસૂફી વિકસાવી હતી અને સ્થાનિક ભારતીયો પર ગુજારવામાં આવતા જુલમો સામે અવાજ ઉઠાવ્યો હતો.
જોહાનિસબર્ગમાં ગાંધીજી સાથે સંકળાયેલાં અન્ય સ્થળો પણ છે જેમાં ગાંધી સ્ક્વેર, જોહાનિસબર્ગ જેલ, વિક્ટરી હાઉસ, હિન્દુ સ્મશાન અને ટોલ્સટોય ફાર્મનો પણ સમાવેશ થાય છે. ગાંધીજીની એક વાર અટકાયત થઇ હતી ત્યારે તેમને જોહાનિસબર્ગ જેલમાં રાખવામાં આવ્યા હતા. વિક્ટરી હાઉસમાં ગાંધીજી લો પ્રેક્ટિસ કરતા હતા. જોહાનિસબર્ગનું હિન્દુ સ્મશાન તેમણે જ શરૃ કરાવ્યું હતું. ગાંધીજી સાથે જેમની યાદો સંકળાયેલી છે તેવાં સ્થળો ડરબન અને પીટરમેરિટ્સબર્ગ શહેરોમાં પણ છે જેમાં ગાંધીજીને માત્ર ગોરાઓ માટેની ટ્રેનમાંથી જ્યાં ઉતારી મૂકવામાં આવ્યા હતા તે પીટરમેરિટ્સબર્ગ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.
ગાંધીજીના મકાનની હરાજી હાથ ધરનારી કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ખરીદદારો ઐતિહાસિક મૂલ્ય ધરાવતા મકાનની જંગી રકમ ચૂકવે તે અસામાન્ય નથી.