અમદાવાદ, તા.૧૫
તહેવારોના દિવસોમાં તમે સવાર સવારમાં એટીએમ પર બેંક બેલેંસ ચેક કરવા જાઓ અને તમારા ખાતામાં કરોડોનું બેલેંસ બોલતું હોય તો ? તમે કહેશો, શું વાત કરો છો બોસ ? તો તો દિવાળી જ સુધરી જાય. કોઇને પણ આ સવાલ પૂછીએ એટલે તેઓ આ જ જવાબ આપે તે સ્વાભાવિક છે. શહેરમાં ફર્નિચર બનાવવાનું કામ કરતા એક સામાન્ય મિસ્ત્રી પર આજે ધનતેરસના દિવસે રીતસર લક્ષ્મીજીની કૃપા વરસી હતી. જુગલકિશોર નામના આ ભાઇ આજે સવારે પંજાબ નેશનલ બેંકના એટીએમમાં બેલેન્સ ચેક કરવા ગયા હતા. એટીએમમાં કાર્ડ નાખ્યા બાદ તેમના હાથમાં સ્લીપ આવી ત્યારે તેમની આંખો આશ્ચર્ય સાથે પહોળી થઇ ગઇ હતી, કેમ કે તેમના ખાતામાં પૂરા ૫૯ કરોડ ૩૦ લાખનું બેલેન્સ બોલતું હતું. તેમણે આંખો ચોળી જોઇ કે, ક્યાંક હું દિવસે તો સપનું નથી જોઇ રહ્યો ને ? આટલી મોટી રકમનો આંકડો જોઇ આઘાત સાથે આશ્ચર્યની લાગણી અનુભવતા જુગલકિશોરે અન્ય એટીએમ પર જઇને ચેક કરી જોયું, પરંતુ ત્યાં પણ સ્લીપમાં આ જ આંકડો આવ્યો હતો. જોકે બેંક દ્વારા મોટી ભૂલ થઇ ગઇ હોવાનું જાણી ગયેલા જુગલકિશોરે ઇમાનદારી દાખવી બેંકને જાણ કરી હતી. બેંકે પણ પોતાના સર્વરમાં ખામી થઇ હોવાનું જણાવી પોતાની ભૂલ સ્વીકારી હતી. સવાર સવારમાં કરોડપતિ બની ગયેલા જુગલકિશોર માટે આ અનુભવ જિંદગીભર ભૂલી ન શકાય તેવો હતો.
મેઘાણીનગરમાં રહેતા મૂળ રાજસ્થાનના ૩૨ વર્ષીય જુગલકિશોર ગણપત જાગીડ વર્ષોથી ર્ફિનચર બનાવવાનું કામ કરે છે. દિવાળીમાં કારીગરોને પગાર ચૂકવવાનો હોઇ તેઓ ન્યુ ક્લોથ માર્કેટના પંજાબ નેશનલ બેન્કના એટીએમમાં બેંક બેલેન્સ ચેક કરવા ગયા હતા. તેમણે મશીનમાં કાર્ડ નાખ્યું અને જેવી તેમના હાથમાં સ્લીપ આવી ત્યારે તેમાં આંકડો જોઇ તેઓ ચોંકી ઊઠયા. તેમના ખાતામાં પૂરા ૫૯.૩૦ કરોડનું બેલેન્સ બોલતું હતું. આ જોઇને જુગલકિશોરની આંખો પહોળી થઇ ગઇ. એક તબક્કે તો તેઓ સ્વપ્ન જોતાં હોય તેવંુ લાગ્યું હતું. જુગલકિશોરને આ વાત હજુય ગળે ઊતરતી ન હતી. જેથી તેમણે કાંકરિયા પાસે વાણિજ્યભવન નજીકના એટીએમમાં ફરી બેલેન્સ ચેક કર્યું તો આંકડો ૫૯.૩૦ કરોડનો જ બોલતો હતો. અધધધ રકમ પોતાના ખાતામાં જમા થઇ હોવાની વાત તેમણે પોતાના મિત્રને કરી તો તે પણ આ વાત માનવા તૈયાર ન હતા.
આટલી મોટી રકમ ખાતામાં જમા થઇ હોવાનું જોઇને આંતરરાષ્ટ્રીય હવાલાના નાણાંની આશંકા થતાં જુગલકિશોરે તેમના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રને આ વાતની જાણ કરી હતી. જેથી તેમણે સીધો બેંકનો સંપર્ક કરવાને બદલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને જાણ કરી હતી. છેવટે આ અંગે પંજાબ નેશનલ બેંકને જાણ કરાતાં બેંકના અધિકારીઓ ચેમ્બર ખાતે દોડી આવ્યા હતા. બેંકના અધિકારીઓએ સર્વરમાં ટેકનિકલ ભૂલ થતાં આમ બન્યંુ હોવાનું જણાવ્યું હતું. ગયા વર્ષે પણ ભૂલથી જુગલકિશોરના ખાતામાં ૯૫ હજાર જમા થઇ ગયા હતા. આવું તેની સાથે બીજીવાર બન્યું છે.