ચંદીગઢ, તા. ૩
વડાપ્રધાન મનમોહન સિંહનો કાફલો આવવાનો હોઇ જડબેસલાક સલામતી વ્યવસ્થાને કારણે કિડનીનો એક દરદી સમયસર હોસ્પિટલમાં ન પહોંચી શકતાં તેનું મોત થયું હોવાનો મૃતકના કુટુંબીજનોએ આરોપ મૂક્યો છે. વડાપ્રધાનની કચેરીએ આ ઘટનાની ગંભીર નોંધ લઇ તે અંગે અહેવાલ મોકલવાનો સંબંધિત સત્તાવાળાઓને જાણ કરી છે.
હરિયાણાના અંબાલાના રહેવાસી મૃતક એસ. પી. વર્માના કુટુંબીજનોએ દાવો કર્યો હતો કે, મેડિકલ ઇન્સ્ટિટયૂટ પાસે ગોઠવવામાં આવેલા ચંડીગઢ પોલીસ સહિતના સલામતી જવાનોએ તેમના વાહનને ઇમર્જન્સી વોર્ડ સુધી જવા દીધા ન હતા અને અમને આશરે બે કલાક સુધી એકથી બીજા સ્થળે ફેરવી રાખ્યા હતા.
૪૦ વર્ષીય દરદીના એક મહિલા સગાંવાળાએ જણાવ્યું હતું કે,"અમે પીજીઆઇની નજીક આવ્યા ત્યારે વર્મા જીવતા હતા. પણ કડક સલામતી વ્યવસ્થાને કારણે અમે બે કલાક સુધી અમે હોસ્પિટલ ન પહોંચી શકતાં સારવારના અભાવે તેમનું મોત થયું હતું. વડાપ્રધાનનો કાફલો આવવાનો હોઇ અન્ય વાહનોની હેરફેર અટકાવી દેવામાં આવી હતી.
વધુમાં તેમણે કહ્યું હતું કે દરદીને કિડનીની બીમારી હતી અને તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે સવારે તેને શ્વાસમાં તકલીફ પડતાં તેને પીજીઆઇએમઇઆરમાં લઇ જવાનો નિર્ણય કરાયો હતો.
આ ઘટનાની ગંભીર નોંધ લેતાં વડાપ્રધાનની કચેરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન પીજીઆઇએમઇઆર, ચંડીગઢ ખાતે દરદીનું મોત થયું તે એક દુઃખદ બાબત છે. એ ઘટનામાં સંપૂર્ણ અહેવાલની માગણી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન અહીં પીજીઆઇએમઇઆરના પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે આવ્યા હતા. પીજીઆઇએમઇઆર અને પંજાબ યુનિર્વિસટીની વડાપ્રધાનની મુલાકાતના સંદર્ભમાં ચંડીગઢ પોલીસે જડબેસલાક સલામતી વ્યવસ્થા ગોઠવી હતી. એ સંદર્ભમાં કેટલાક માર્ગો સીલ કરી દેવાયા હતા અને કેટલાક પરનો ટ્રાફિક અન્ય માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
આ સંદર્ભમાં વારંવારના પ્રયાસો બદલ ચંડીગઢ પોલીસનો કોઇ સિનિયર અધિકારીનો સંપર્ક સાધી શકાયો ન હતો. પીજીઆઇએમઇઆરના એક સિનિયર અધિકારીનું કહેવું હતું કે દરદીને ઇમર્જન્સી વિભાગમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. જોકે તેઓ ઘટનાની વિગતો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.