- એ.ક્યુ.મન્સુરી
પાકિસ્તાનના ઈતિહાસમાં ઓક્ટોબર મહિનો ખૂનખરાબી કે કોઈ મોટા સંકટનો મહિનો બની રહ્યો છે. આ વર્ષે પણ ઓક્ટોબર મહિનો પાકિસ્તાન માટે અપશુકનિયાળ સાબિત થયો. લાહોરના પત્રકાર ઈવન શફીએ સાપ્તાહિક અખબાર - જહામાં કાંઈક એવું જ લખ્યું - ઓક્ટોબરમાં પાકિસ્તાન લોહિયાળ ખાબોચિયામાં ડૂબ્યું હતું. ચારે બાજુ જે આતંકવાદી હુમલાઓ થયા તેમાં પૂરી કોમ આંસુઓ સાથે ડૂસકાઓ ભરતી રહી. આ વખતની દહેશતગર્દી સમગ્ર પાકિસ્તાન પર છવાઈ ગઈ હતી એવું કહીએ એમાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય.
પાકિસ્તાનમાં આતંકી ખૌફનો માહોલ એવો હતો કે શિક્ષણ સંસ્થાઓ પણ બંધ થઈ ગઈ હતી. ઈસ્લામી યુનિર્વિસટી પર થયેલા હુમલાઓએ સમગ્ર પાકિસ્તાનને હચમચાવી દીધું હતું. પંજાબના ગવર્નરે તમામ યુનિર્વિસટીઓના વાઈસ ચાન્સેલરોની ઈમરજન્સી બેઠક બોલાવી અને તેમના વિસ્તારની કોલેજોના વિદ્યાર્થીઓની સુરક્ષાની સમીક્ષા કરી પરંતુ વાઈસ ચાન્સેલરોનું માનવું હતું કે ઈસ્લામી યુનિર્વિસટી પર થયેલા હુમલાઓ પોલીસ અને સુરક્ષા દળો દ્વારા રોકી શકાય તેમ હતા. શિક્ષણ સંસ્થાઓ પોલીસ જેવી સુરક્ષા વ્યવસ્થા અલગ કરી શકે તેમ નથી. મિટિંગમાં વાઈસ ચાન્સેલરોએ કોલેજોની સુરક્ષાની જવાબદારી લેવાની ના પાડી દીધી.
પંજાબના મુખ્યમંત્રી અને નવાઝ શરીફના ભાઈ શહબાઝ શરીફે ઉચ્ચ અધિકારીઓની એક મિટિંગમાં શાળા - કોલેજોમાં સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા - વિમર્શ કર્યો. તેમનું માનવું હતું કે શાળા - કોલેજો અન્ય ટેકનિકલ, મેડિકલ, શૈક્ષણિક સંસ્થાઓએ પોતાની રીતે કોઈક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જ્યારે તેઓ ફી લેતા હોય ત્યારે તો સુરક્ષાની જવાબદારી પણ લેવી જોઈએ. આ બાજુ દક્ષિણ પંજાબ, મુલ્તાન, મુજફ્ફરગઢ, મિયાવાલી જિલ્લાઓમાં ઈસ્લામી યુનિર્વિસટી પર થયેલા હુમલાઓના કારણે લોકોમાં અને વિદ્યાર્થીઓમાં અનેક પ્રકારની કોન્ફરન્સો અને સભાઓ રદ કરવામાં આવી. લોકો બહાર જવાને બદલે ઘરમાં જ ભરાઈ રહ્યા. રસ્તાઓ સાવ સૂમસામ ભાસતા હતા. વહીવટીતંત્રે શાળા - કોલેજો બંધ કરાવી દીધી. હોસ્ટેલો પણ ખાલી કરાવી દીધી હતી. લોકોમાં એક પ્રકારનો રોષ પણ ફેલાઈ ગયો કે આ કેવા તાલિબાની આતંકવાદીઓ છે જેઓ વિદ્યાર્થીઓની કોલેજને નિશાન બનાવી રહ્યા છે ? ઓક્ટોબર મહિનામાં થયેલા આતંકી હુમલાઓની અસર હજી પણ શમી નથી. શાળા - કોલેજના વિદ્યાર્થીઓ ભણવા જતા હજી ડરે છે. જ્યારે કોઈ કામથી કે નોકરીએ જઈને ઘેર પાછો ફરે છે ત્યારે તેના ઘરના અલ્લા - તાલાને દુઆ કરે છે કે તેમના પરિવારની વ્યક્તિ હેમખેમ ઘેર પાછી ફરી છે.
અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે આવા ડરના માહોલમાં સામાન્ય માનવીનું જીવન તમામ રીતે ઠપ થઈ રહ્યું છે. તે અસુરક્ષાના ભાવને કારણે ક્યાંય જાય તોપણ ડર સતત અનુભવે છે. બાળકોના ભણતર પર ખૂબ જ મોટી અસર પડી રહી છે. જોકે સિંધના આત્મઘાતી હુમલાઓનું પ્રમાણ વધુ નથી. આમ છતાં પણ ગત મહિને પંજાબમાં વિશેષ કરીને ઈસ્લામાબાદની આંતરરાષ્ટ્રીય યુનિર્વિસટીમાં થયેલા આત્મઘાતી હુમલાઓને કારણે સિંધ પ્રાંત ધણધણી ઊઠયો હતો. ઈસ્લામાબાદ, કરાચી, હૈદરાબાદ (સિંધ) જેકબાબાદ, શિકરપુર, સરવર, લાડકારા વગેરેની પણ શાળાઓ - કોલેજો ધડાધડ બંધ કરી દેવામાં આવી હતી. કોલેજોમાં જે સ્થિતિ ઊભી થઈ તેને કારણે સિંધ વહીવટીતંત્રે એક આદેશ અનુસાર ૨૬ ઓક્ટોબર સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી હતી.
અત્યારે કરાચીમાં મજૂરી કરતા હજારો પશ્તુન પઠાણો અને બલૂચો પર મુશ્કેલીઓના પહાડ તૂટી પડેલા છે. સુરક્ષા એજન્સીઓએ આ વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. ક્યારેક સ્થાનિક લોકોને સુરક્ષા દળોની શંકાના કારણે હેરાન પરેશાન પણ થવું પડે છે.કરાચીમાં અનેક અફઘાની અને પાકિસ્તાની પઠાણોને જેહાદી સાહિત્ય રાખવાના આરોપમાં પકડી લેવામાં આવેલા છે. વધતી જતી દહેશતગર્દીના કારણે હાલમાં તો પાકિસ્તાનની પ્રજા થર થર ધ્રુજી રહી છે. એક પ્રકારે જનજીવન સાવ ઠપ થઈ ગયું છે એવો સૌને અનુભવ થઈ રહ્યો છે.