સુરત તા. ૧૪
હીરાઉદ્યોગમાં બદલાયેલા સમીકરણો વચ્ચે રોકડેથી જ વ્યાપાર શરૃ થતા ઘણાં ઉદ્યોગકારોએ ખાનગી ફાયનાન્સ મેળળી બજારમાં નાણાં રોકવા માંડયા છે. પરંતુ વર્તમાન તેજીથી અંજાઇને બજારમાં આડેધડ રોકાણ કરવા સામે નિષ્માંતો લાલબત્તી દર્શાવી રહ્યાં છે. બજારમાં પોલિશ્ડની માંગમાં કરેક્શન આવે અને તેવા સમયમાં હાલની તેજી નાના વેપારીઓ માટે ભવિષ્યમાં તારાજી નહીં બને તે માટે જાણકારો વેપારીઓને સાવચેતી રાખીને કામ કરવાની નસીહત આપી રહ્યા છે.
બજારમાં ખરીદ-વેચાણ માટે ચિઠ્ઠીપ્રથા ક્યારની બંધ થઇ ગઇ છે અને વેપારીઓ કેશમાં જ ધંધો કરવાનો આગ્રહ રાખે છે. બજારમાં ૮૦ ટકા ઉપરાંત ધંધો કેશમાં જ ડાયવર્ટ થઇ ગયો છે. આ સંજોગોમાં આર્િથક તરલતાના અભાવે વધુ વ્યાપાર નહિ કરી શકતા વેપારીઓ ખાનગી ફાયનાન્સ મેળવી વ્યાપાર કરી રહ્યાં છે. વર્તમાન તેજી કેટલી તકશે તે અંગે કોઇ સયોટ દાવો કરી શકત નથી ત્યારે આ પ્રકારે ખાનગી ફાયનાન્સ મેળવી બજારમાં નાણાં રોકવાના અભિગમ સામે નિષ્ણાંતો લાલબત્તી દર્શાવી રહ્યાં છે. જેઓનું માનવું છે કે ફાયનાન્સ મેળવી સાહસ થવું જોઇએ, પરંતુ આંધળુ સાહસ મુસ્કેલીમાં મૂકે તે બાબત પમ કેન્દ્ર સ્થાને રાખવી જોઇએ.
વીતેલાં વર્ષો દરમિયાન સુરતના હીરા કારોબાર તરફ નજર નાંખીને જોઇએ તો એક વાત ચોક્કસ જણાઈ આવશે કે બજારમાં તેજીના સમય પછીનો સમયગાળો સંઘર્ષમય રહ્યો છે. તેજીના વહેણમાં તણાઇને સારા કારોબાર કરીને નફો ઘર ભેગો કરવાનો ઇરાદો ધરાવનારા ઘણા વેપારીઓના સમીકરણ ખોટા પડયા છે. સારા કારોબારની અપેક્ષાએ ફાયનાન્સરો પાસેથી ઉધાર લઇ વેપાર કરનારાઓએ રાતોરાત બજારમાંથી રફુચક્કર થઇ ગયા હતાં. તેજીનાં સમયે ઊંચામાં માલ ખરીદનારાઓને બજારમાં તેજીના સમીકરણ ઓસર્યા બાદ માલની ખરીદ કિંમત પણ નહોતી મળી. બજારમાં તેજીના સમયગાળા પછી ઉઠમણાં થવાના પણ અનેક કિસ્સા નોંધાયા હતા. સુરત ડાયમંડ અસોસિયેશનના દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું કે બજારમાં હાલમાં જે કોઇ પણ સોદાઓ થઇ રહ્યા છે તેમાં જૂના માલનું પ્રમાણ વધારે છે. બજારમાં નવો માલ ઓછો છે. હાલમાં બજારમાં માંગ સારી છે પણ બજારમાં ઉતાર-ચઢાવ આવે છે. માંગનો ગ્રાફ નીચો જવાના સમયે નવા પ્રોડક્શનને બજારમાં ખપાવવું અઘરું થઇ જાય છે. તેથી વેપારમાં સાવધાની ચોક્કસ જ જરૃરી છે.
હીરાબજારના જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું કે તેજીના વાદળ હટયા બાદ માંગનો ગ્રાફ નીચો જવાના સમયે હીરાના પ્રોડક્શનને ખપાવવા પસીનો પાડવો પડે છે. આવાં સમય દરમિયાન એવા વેપારીઓ કે જેમણે તેજીના સમયગાળામાં ફાયનાન્સ લઇ કામ કર્યું હતું તેમને સંઘર્ષમાં ઉતરવું પડે છે. સંઘર્ષમાં સફળ થનાર વેપારી પાસે નાદારી નોંધાવા સિવાય કોઇ માર્ગ બચતો નથી.