તેલંગણાના મુદ્દે કેન્દ્ર સરકારની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ ગઈ છે. તેલંગણાને અલગ રાજ્ય બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયના ઉગ્ર પડઘા સમગ્ર આંધ્રપ્રદેશમાં પડયા છે. આંધ્રપ્રદેશમાં ધારાસભ્યો અને સંસદસભ્યોનાં રાજીનામાંની રમઝટ પછી ધરણાં, દેખાવો અને આંદોલનોને કારણે રાજ્યની રાજકીય સ્થિતિ ડામાડોળ બની છે. આંધ્રપ્રદેશમાં છેલ્લાં વીસેક દિવસથી તેલંગણા રાજ્યની રચનાના વિરોધીઓ અને તરફેણકારો, એમ બન્ને તરફથી વિરોધ અને દબાણ વધી રહ્યા છે અને તેલંગણાનો વિવાદ શાંત પડવાનું નામ લેતો નથી. આ કટોકટીભરી સ્થિતિનો સૌને માન્ય એવો કોઈ ઉકેલ શોધી કાઢવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે મંગળવારે દિલ્હી ખાતે આંધ્રપ્રદેશના રાજકીય પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, પરંતુ આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે અને સર્વપક્ષીય બેઠકમાં તેલંગણા મુદ્દે એકંદર સહમતી સાધી શકાઈ નથી. સર્વપક્ષીય બેઠકમાં ગૃહપ્રધાન ચિદમ્બરમે તેલંગણાના વિવાદના ઉકેલમાં સૌને સદ્ભાવ અને સહયોગની અપીલ કરી હતી અને કોઈ ઉકેલ નહિ આવે તો દેશને તોડવામાં રસ ધરાવતા માઓવાદીઓ ખુશ થશે, એવા સંકેતો પણ આપ્યા હતા. ચિદમ્બરમે તેલંગણાનો વિવાદ શાંતિથી ઉકેલવા માટે બધા રાજકીય પક્ષોના નેતાઓ કેન્દ્રને સહયોગ કરે એવી વિનંતી કરી હતી. જોકે, ચિદમ્બરમ્ની દાળ ગળી નહોતી. સર્વપક્ષીય બેઠકમાં હાજર કોંગ્રેસ, તેલુગુ દેશમ પાર્ટી, તેલંગણા રાષ્ટ્ર સમિતિ, પ્રજારાજ્યમ્, સીપીઆઈ, સીપીએમ, ભાજપ અને મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન, એમ આઠેય આંધ્રપ્રદેશના મુખ્ય રાજકીય પક્ષના નેતાઓએ પોતપોતાના પક્ષનું વલણ સ્પષ્ટ કર્યું હતું, જેમાં કૂતરું તાણે ગામ ભણી ને શિયાળ તાણે સીમ ભણી, જેવો ઘાટ થયો હતો. મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે કોઈ એક સર્વસ્વીકાર્ય સમજૂતી સાધવામાં સફળતા હાંસલ થઈ નહોતી, છતાં બેઠકના ફળસ્વરૃપે ચિદમ્બરની શાંતિ જાળવવાની વાત સૌએ સ્વીકારી હતી અને ને તમામ પક્ષોના નેતાઓએ પોતાના કાર્યકર્તાઓને શાંતિ જાળવવા અપીલ કરી છે. બની શકે કે આંધ્રપ્રદેશના જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખનારાં રેલ રોકો-રસ્તા રોકો જેવાં ઉગ્ર આંદોલનો શાંત પડશે, પણ અલગ તેલંગણાનો વિવાદ ટૂંક સમયમાં શમી જશે એવા કોઈ એંધાણ વર્તાઈ રહ્યા નથી. આંધ્રપ્રદેશના નેતાઓએ પોતપોતાનું વલણ સ્પષ્ટ કરીને હવે નિર્ણય કેન્દ્ર સરકાર પર છોડયો છે. દડો હવે કેન્દ્રની કોર્ટમાં છે. કેન્દ્ર માટે આ મુદ્દે કોઈ પણ નિર્ણય લાકડાના લાડું જેવો સાબિત થઈ શકે છે. અલગ તેલંગણાની જાહેરાતને વળગી રહે તો આંધ્રપ્રદેશમાં મોટી રાજકીય કટોકટી સર્જાઈ શકે છે અને સરકાર જો આ નિર્ણયમાંથી પીછેહઠ કરે તો તેલંગણા રાષ્ટ્ર સમિતિનો દ્રોહ ગણાય અને સરકારની આબરૃ જાય એમ છે. એટલે જ સરકાર હવે એકતા અને સર્વસંમતિનો રાગ આલાપી રહી છે અને ગૃહમંત્રી સદ્ભાવ અને સહયોગ કરવાની અપીલ કરી રહ્યા છે. કેન્દ્રના તેલંગણાને અલગ રાજ્યના ઉતાવળિયા નિર્ણય પછી દેશનાં અનેક રાજ્યોમાં અલગ રાજ્યનું ભૂત ધૂણવા માંડયું છે. માયાવતી ઉત્તરપ્રદેશને ત્રણ ટુકડામાં વહેંચવા માગે છે તો વિદર્ભ, ગોરખાલેન્ડ વગેરે રાજ્યોની માગણીઓએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરી રહી છે. કેન્દ્ર સરકારને હવે સમજાઈ ગયું છે કે અલગ રાજ્યના મુદ્દે હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવી પડશે.