આમ તો આ નાજુક દિલની વાત છે. જો તૂટી ગયું તો જિંદગી બેકાર, આપણા નાજૂક હૃદયની વાત કરીએ તો તે પણ તેટલે અંશે સાચી વાત છે, કારણ કે જો તેને બરાબર ન સાચવવામાં આવે તો નાની ઉંમરમાં મોત મળી શકે છે. તે માટે અનેક કારણો જવાબદાર છે તેથી નિષ્ણાતો નાનપણથી જ હૃદયને સાચવવાની વાત કરે છે. તેથી તેઓ સાદું, સરળ અને આધ્યાત્મિક જીવન જીવવા પર વિશેષ ભાર મૂકે છે. તેનાથી તણાવ દૂર રહેશે અને જિંદગી જીવવા જેવી થશે.
જો શરીરને બરાબર સાચવવામાં ન આવે તો બાળપણથી જ તેની શરૃઆત થઇ જાય છે, કારણ કે જો આહારની બાબતમાં કાળજી ન રાખવામાં આવે તો બાળક ગમે તેવો ખોરાક લેતું રહેશે પરિણામે તેની મુખ્ય ધમનીઓમાં વસા ભેગો થઇ જશે. તેથી બાળકોના ખોરાકની બાબતમાં કોઇપણ જાતની બેદરકારી યોગ્ય નથી. જો તેને નાનપણમાં જ ભારે ખોરાકની લત પડી જશે તો આગળ જતા આ લત છૂટશે નહી. અમુક કુટુંબોમાં આજે પણ વાર તહેવારે ભારે ભોજનની પરંપરા છે. તેમને બીમારીઓ પણ પછી વારસાગત જ મળે છે. કોલેસ્ટ્રોલની બાબતમાં આ રોગ વારસાગત રીતે આવી હૃદયરોગ સુધી જાય છે. બીજા લોકોની સરખામણીએ ભારતીય લોકો ખાવાપીવાના વધુ શોખીન હોય છે. સ્ત્રીઓને પણ એક સાથે ધમનીઓમાં વસા જામી જવાની સમસ્યા રહેતી હોય છે. જ્યારે વિદેશોમાં ખાસ કરીને પશ્ચિમી દેશોમાં આવી સમસ્યાઓ જોવા મળતી નથી. બાળક જ્યારે આઠ નવ વર્ષની ઉંમરનુ થાય ત્યારથી જ તેની તંદુરસ્તીની બાબતે વિચારણા ચાલુ કરી લેવી જોઇએ તેવું વિશેષજ્ઞાનું માનવું છે.
વજન પર નિયંત્રણ
આ ઉપરાંત જ્યારે ઉંમરના પ્રમાણમાં વજન વધી જાય ત્યારે આવા બાળકોને હૃદયરોગની સાથે સાંધાનો દુખાવો, ડાયાબિટીસ, હાઈ બીપી પાચનતંત્રના રોગો જેવા અનેક પ્રકારના રોગો થઇ શકે છે. આવાં બાળકો સમાજમાં હાંસીપાત્ર બનતા તે સમાજથી વિમુખ થઇ જાય છે પરિણામે તેઓ માનસિક રોગનો ભોગ બને છે. એક પ્રકારની હતાશા અને નિરાશાની તેમના શારીરિક વિકાસ પર અસર કરે છે.
જિન્સની અસર
વિશેષજ્ઞાના મતે હૃદયની ધમનીઓની બીમારીઓનાં અનેક કારણો છે. તેમાં ખાસ કરીને આધુનિક જીવનશૈલી, અમુક પ્રકારનાં વ્યસનો પણ કારણભૂત છે. આજે દેશની યુવાપેઢીમાં પચાસ ટકા તો ચા, ધૂમ્રપાનને કારણે અસરગ્રસ્ત છે તો પચીસ ટકા લોકો જિન્સના કારણે હાર્ટએટેકનો ભોગ બને છે. જીન્સની અસરનાં કારણો અંગે વિજ્ઞાને અનેક પ્રકારનાં સંશોધનો કર્યાં છે પરંતુ તેમને ધારી સફળતા મળી નથી. આથી જિન્સની અસરને ઘટાડવા કે બંધ કરવાનો હાલ પૂરતો કોઇ વિકલ્પ દેખાતો નથી. આથી બાકી રહેલા પચીસ ટકા લોકોના હાથમાં પોતાની જિંદગી બચાવવાના વિકલ્પો બાકી રહે છે. તેઓ પોતાની જીવનશૈલીમાં શિસ્ત અને આહારમાં યોગ્ય પરેજી અપનાવી હૃદયરોગના ખતરાને ટાળી શકે છે.
એસ્પિરિનના ઉપયોગ પર બ્રેક
ઘણી વાર સામાન્ય માથાના દુખાવામાં આપણને એસ્પિરિન લેવાની ટેવ પડે છે તો ઘણા તેને હૃદયરોગમાં અકસીર ગણી તેનો વારંવાર પ્રયોગ કરે છે. તેના વધુ પડતા વપરાશના કારણે ડોક્ટર્સ પણ હવે ચિંતિત બન્યા છે. કારણ વગરની એસ્પિરિન લેવાથી ઘણી વાર પેટમાંથી લોહી નીકળે છે જે મોતનું કારણ બની શકે છે. આ એક પ્રકારની પ્રિસ્ક્રિપ્શન ડ્રગ હોઇ ડોક્ટરની સલાહ મુજબ લેવી અનિવાર્ય છે.
તણાવને જીવનમાં પ્રવેશવા ન દો
આપણા જીવનમાં બનતી રોજબરોજની આસપાસની ઘટનાઓના કારણે આપણને તણાવ પેદા થતો હોય છે. જેમ કે, ટ્રાફિક, ભીડ, બોસનો ગુસ્સો વગેરે વગેરે... પરંતુ તેના કારણે આપણા શરીરમાં બે પ્રકારના હોર્મોન્સ પેદા થાય છે. એક એપિનેફ્રાઇન કે જેના કારણે હૃદયના ધબકારા એકદમ વધી જાય છે અને બીજું ર્કોિટસોલ કે જેના કારણે શરીરનું બીપી વધી જાય છે. જો શરીરમાં આ બંને પ્રકારના હોર્મોન્સ વારંવાર બનતા રહેશે તો હાર્ટ પર બિનજરૃરી દબાણ વધશે જેના પરિણામે હાર્ટ ફેલ થવાની શક્યતા વધશે. આ તણાવને દૂર રાખવા મનને કોઇ રચનાત્મક પ્રવૃતિમાં રોકી રાખવું જોઇએ. ઘણા વિશેષજ્ઞા આ બાબતે કૂતરાં, બિલાડી કે માછલીઘર વસાવવા પર ભાર મૂકે છે. જેથી વ્યક્તિનાં દિલ, મગજ અને શરીરને આનંદ મળે છે. જે તણાવને દૂર કરવા સહાયભૂત બને છે. આવા લોકોને તણાવ દૂર કરવા દવાઓની જરૃર પડતી નથી.
તન અને મનની શાંતિ માટે યોગ અને પ્રાણાયામ
આપણા જીવનમાં તણાવને આવવા ના દો, કારણ કે તેના કારણે અનેક સમસ્યાઓ આવી શકે છે. જીવનને સાદું, સહજ અને આધ્યાત્મિક બનાવો. તેનાથી બીજો કોઇ શ્રેષ્ઠ વિકલ્પ નથી. સાદો પણ પૌષ્ટિક આહાર લો. ભોજન સંબંધી નિયમોનું યથાયોગ્ય રીતે પાલન કરો. સારી પ્રવૃત્તિઓમાં મનને પરોવી રાખો જેથી જીવનમાં નકારાત્મક વિચારો પ્રવેશે નહીં. શરીર સારું અને તંદુરસ્ત રહે તે માટે યોગ અને પ્રાણાયામ કરો. તેનાથી શરીરને ફાયદો થશે.