ખૂબ જ મોડે મોડે પણ કેન્દ્ર સરકારને અને મુખ્ય શાસક પક્ષ કોંગ્રેસને વધતી જતી મોંઘવારીની ચિંતા થઈ. સારી વાત છે. પક્ષની કારોબારી સમિતિની બેઠક દિલ્હીમાં મળી ગઈ અને તેમાં થયેલી ચર્ચા-વિચારણાના અંતે મોટા ભાગના નેતાઓએ એવો સૂર વ્યક્ત કર્યો કે, મોંઘવારીનું મુખ્ય કારણ ખેતીપ્રધાન શરદ પવાર છે. શરદ પવારે સતત ભાવ વધે તેવી જ વાતો કરી છે. એકે એવું કહ્યું કે, ભલે પવારે એવું કહ્યું હતું કે તેઓ કોઈ જ્યોતિષી નથી કે ભાવ ક્યારે ઘટશે તે કહી શકે, પણ તેમણે જે જણસોના ભાવ વધશે તેવું જ્યારે જ્યારે કહ્યું ત્યારે ત્યારે જે તે ચીજવસ્તુ સાથે સંકળાયેલી લોબીને દિશાનિર્દેશ મળી ગયો અને ખરેખર ભાવ વધી ગયા. પવારે જ્યારે એવું કહ્યું કે, અમુક ચીજવસ્તુની અછત સર્જાશે ત્યારે તેમ જ થયું છે. ભલે દરોડાઓમાં સંગ્રહાખોરો પકડાયા, આવી પ્રવૃત્તિ એટલી હદ સુધી મોંઘવારી પ્રધાન શરદ પવારે ચલાવી કે તેમની ખુલ્લંખુલ્લા ટીકા થવા લાગી અને ત્યાં સુધી કે વડા પ્રધાન ડો. મનમોહનસિંહને પણ પ્રધાનનું નામ લીધા વિના શિસ્તમાં રહેવા સહુને સલાહ આપી. કારોબારીની બેઠકમાં ભાવવધારો અને ફુગાવાની ચર્ચા થઈ. દોઢેક ડઝન નેતાઓએ ચર્ચામાં ભાગ લીધો. અત્યાર સુધી કેન્દ્ર સરકારે તેના પ્રધાનોએ મોંઘવારી માટે રાજ્ય સરકારોનો દોષ કાઢયો છે અને રાજ્ય સરકારોએ કેન્દ્રનો. હવે વડા પ્રધાન ડો. મનમોહનસિંહે બે દિવસ દિલ્હીમાં મુખ્યપ્રધાનોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચર્ચા થશે વધતી મોંઘવારી ડામવા. દોષારોપણ તો થશે જ, પણ બેઠક બાદ મોંઘવારી ભલે ન ઘટે, પણ વધે નહીં તેવું વાતાવરણ તૈયાર થાય તોય ઘણું. વિવિધ બજારો અને ચીજવસ્તુઓની લોબીઓ પાસેથી જેણે જે મેળવવાનું હતું તે હવે મેળવી લીધું હશે તેમ માની લઈએ. શેરબજારોની વાત કરીએ તો યુરોપમાં અમેરિકામાં એટલે કે વૈશ્વિક સ્તરે જે કંઈ થયા છે તેવા પ્રત્યાઘાત ભારતમાં પડે છે. ભારતીય શેરબજારોમાં ઉછાળો-કડાકાનો ટ્રેન્ડ ચાલુ જ છે. વારંવાર ભૂંકપ આવતો હોય તેવું જણાય છે. વિદેશી સંસ્થાગત રોકાણોની વેચવાલીને કારણે રૃપિયાની કિંમત પણ ઘટી છે. સોના-ચાંદી વગેરે પણ એટલી ટોચે છે કે હાલ કોઈ તે ખરીદવાનું સપનું પણ જોઈ શકે તેમ નથી. શિયાળો પૂરો થયો છે. ઉનાળાની શરૃઆતથી જ ભાવો નહીં ઘટે તો સામાન્ય પ્રજાને ચોમાસા સુધી ખૂબ જ મુશ્કેલી પડવાની છે. કોંગ્રેસ કારોબારીની બેઠક મળી અને મુખ્યપ્રધાનોની બેઠક મોંઘવારી મુદ્દે મળવાની જ છે, કારણ કે પેટ્રોલિયમ પેદાશોનો ભાવ તોળાઈ રહ્યો છે. જેની અસર માલસામાનના ભાવો પર પડવાની જ છે અને ચાલુ માસ બજેટોનો છે તેથી મોંઘવારી પર નિયંત્રણ જરૃરી છે. કેટલીક ચીજોમાં ભાવો નજીવા ઘટયા છે, પણ તેના વેચાણમાં નવો ટ્રેન્ડ આવ્યો છે અને તે એ કે ગ્રાહકને ઓછામાં ઓછા જથ્થાની માત્રા નિયત કરી દેવાઈ છે. અમુક ગ્રામથી ઓછો માલસામાન વેપારીઓ વેચતા જ નથી. આ પણ મોંઘવારીનો એક પ્રકાર જ કહી શકાય. ૫૦ ગ્રામ કે ૧૦૦ ગ્રામની જરૃરિયાત સામે ૨૫૦ ગ્રામ મળે તે કેવું ? આશા રાખીએ કે, કોંગ્રેસ કારોબારીની બેઠક બાદ મુખ્યપ્રધાનોની બેઠક સામાન્ય લોકો માટે ફળદાયક બને.