દરેક લોકશાહીમાં રાજકીય પક્ષો હોય છે અને દરેક રાજકીય પક્ષોના મુખપત્ર હોય છે. નેતાઓ જે જાહેરમાં નથી કહી શકતા તેવી વાતો મુખપત્રો દ્વારા કહેવાય છે. આમ તો મુખપત્ર રાજકીય પક્ષનાં મૂલ્યો, નીતિઓ અને આદર્શો-સિદ્ધાંતોનો જ દર્પણ હોય છે. પણ જ્યારે કંઈક અવળું બફાઈ જાય ત્યારે તુરત જ મુખપત્ર પ્રગટ થયા બાદ પક્ષના પ્રવકતા જાહેર કરતા હોય છે કે, મુખપત્રમાં છપાયેલા અહેવાલ કે લેખ તંત્રીની વ્યક્તિગત માન્યતા છે. પક્ષ સાથે કોઈ સંબંધ નથી. જે કહેવાનું હતું તે તો કહેવાઈ ગયું પછી ભલેને મુખપત્રને પક્ષનો દર્પણ ન ગણે. શિવસેનાનું મુખપત્ર ‘સામના’ છે તે જ રીતે ખેતીપ્રધાન એટલે કે આપણા મોંઘવારી પ્રધાન તેમ જ શેરડી ઉત્પાદકો-ખાંડલોબી સહિત વિવિધ ખેત લોબીના ઉદ્ધારક શરદ પવારના પક્ષ એનસીપીનું મુખપત્ર પણ છે જેનું નામ ‘રાષ્ટ્રવાદી’ છે. મુખપત્રના તંત્રીલેખમાં એવી સલાહ અપાઈ છે કે, “ખાંડ નહીં ખાવાથી કોઈ મરશે નહીં. પોષાતી ન હોય તો ન ખરીદવી અને ખાંડના ભાવવધારા કરતાં છઠ્ઠા પગારપંચનો વધારો વધુ છે તેથી ખોટી બૂમરાણ કરવાની જરૃર નથી.” મોરચા સરકારની આ વિવશતા છે. ગત સરકારમાં ડાબેરીઓને પડતા મૂકી શકાતા ન હતા. આ વખતે એનસીપીને. લોકશાહીમાં સત્તાનું આ એક દૂષણ છે.
ષ્ટ્રીય પક્ષના મુખપત્રના તંત્રીને શું ખબર નહીં હોય કે પગારપંચનો વધારો ફક્ત કેટલાક લાખ લોકોને જ મળે છે. દેશમાં સુખી સંપન્ન અને છાશવારે મોંઘવારીના આંક સાથે પગારવધારો મેળવતા કર્મચારીઓ કરતાં અનેક ગણા લોકો છે જેમને ખાંડની જરૃર પડે છે. ભૂતકાળમાં પણ ખાદ્યતેલના ભાવ વધ્યા ત્યારે તેલ ન ખાવાનો ઉપદેશ અપાયો હતો. એનસીપીના મુખપત્રના તંત્રીલેખની એક વાત સાચી છે કે, ખાસ ચીજવસ્તુઓ પાછળ લોકો જે સરેરાશ ખર્ચ કરે છે તેનાથી વધુ બેફામ મોંઘી બનેલી ચીજો પાછળ ખર્ચ કરે છે જે ‘સ્ટેટ્સ’ માટે જ હોય છે. મોટા ભાગના આવી ખરીદી ટાળી શકે છે. એનસીપીના અધ્યક્ષ શરદ પવાર શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેને મળ્યા હતા અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો વિરોધ ન કરવા વિનંતી કરી હતી. આ વિનંતી પાછળ પણ શરદ પવારનો આર્થિક લાભ જ હતો, કારણ કે તે ક્રિકેટજગત સાથે પણ સંબંધ ધરાવે છે. આમ રાજકારણીઓ વિવિધક્ષેત્રે વ્યાપક રીતે સામાન્ય પ્રજા સાથે રમતો રમીને જ સમૃદ્ધ થઈ રહ્યા છે. સામાન્ય લોકોએ આવી માનસિકતા સમજવી જરૃરી છે. ખાંડ કોણે ખાવી અને કોણે નહીં તેનો નિર્ણય લોકોને લેવા દો. બીજું એ કે ખાંડ ખાવા ન દેવી હોય તો ગોળ તો સસ્તો આપો, કારણ કે ગોળ તો ગરીબોની જ ચીજ છે. આજના રાજકારણમાં રાજકીય નેતાઓ ‘રાષ્ટ્રવાદ’નો સાચો અર્થ જ ભૂલી ગયા છે. ખરેખર તો લોકોએ જ આ નેતાઓને સાચો રાહ બતાવવાની જરૃર છે. એક વાત માની લઈએ કે ખાંડ પગારપંચના લાભાર્થી ઘી ખાય તો દૂધનું શું ? શકભાજીનું શું ? કઠોળનું શું ? કોઈ જવાબ કોઈની પાસે નથી. દિલ્હીમાં પી.એમ.-સી.એમ.ની બેઠકો થઈ. બસ દોષરોપણ કરી સહુ છૂટા પડેલા. જેમ ચાલે છે તેમ ચાલશે અને ફરી પાછા એકાદ બે માસમાં આવી બેઠકો યોજશે. ખરેખર મોંઘવારી શું છે તે સમાજના સામાન્ય વર્ગના જ લોકો અનુભવે છે બાકી તો વાતો જ કરી ઉપદેશો આપે રાખે છે.