મેલબોર્ન, તા. ૫
ઓસ્ટ્રેલિયામાં ત્રણ વર્ષના બાળકની ક્રૂર હત્યા કરવામાં આવતા ભારતીય સમુદાયમાં ફરી સનસનાટી ફેલાઈ છે અને ભારતીયોને રક્ષણ આપવામાં સતત નિષ્ફળ જઈ રહેલી સરકાર સામે રોષ વ્યાપ્યો છે. ત્રણ વર્ષનો ભારતીય બાળક ગુરશન સિંહ તેના ઘર પાસેથી ગુમ થયો તે પછી બીજા દિવસે તેની લાશ મળી આવી છે. બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોવા છતાં તેના મૃત્યુનું કારણ રહસ્યમય રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના વિદેશપ્રધાન ભારતીયોના રક્ષણની ખાતરી આપવા ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે જ આ ઘટનાએ લોકોમાં આક્રોશ જગાવ્યો છે.
બાળક તેના ઘર પાસેથી ગુમ થયો તે પછીના થોડા કલાકોમાં જ તેનાં માતાપિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વિકટોરિયાના ડેપ્યુટી પોલીસ કમિશનર સર કેન જોન્સે જણાવ્યું હતું કે, બાળકના મૃત્યુનું સાચું કારણ જાણી શકાયું નથી. બાળકનાં માતાપિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને એવી શંકા છે કે કેટલાક લોકો આ ઘટનાનું રહસ્ય જાણે છે પણ વિગતો જણાવતા નથી. બાળકની ગુનાઈત ઈરાદાથી હત્યા કરાઈ છે કે અન્ય કોઈ કારણ છે તેનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. બાળકનું કુદરતી મૃત્યુ થયું નથી તે હકીકત છે પણ મૃત્યુના સાચા કારણ સુધી પોલીસ પહોંચી શકી નથી.
ગુરશન તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રજાઓ ગાળવા ગયો હતો અને અઠવાડિયામાં ભારત પાછો ફરવાનો હતો. ગઈકાલે તેનાં ઘરથી ૩૦ કિ.મી. દૂર તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સરકારી કર્મચારીને લાંબા ઊગેલા ઘાસમાંથી ગુરશનની લાશ મળી આવી હતી. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન કેવિન રૃડે ગુરશનની હત્યાને વખોડી કાઢી છે અને ઘટનાને ભયંકર ગણાવી છે. શકમંદોને પકડવા માટે પોલીસ તમામ પ્રયાસો કરી રહી છે.
વિકટોરિયાના વડા જોહ્ન બ્રમ્બીએ ગુરશનની હત્યાને અકલ્પનીય ઘટના ગણાવી છે. હત્યા માટે દોષીને પકડીને ઘટનાનો ભોગ બનેલાઓને ન્યાય આપવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું. જોન્સે કહ્યું હતું કે બાળકનો મૃતદેહ તે ગુમ થયો ત્યારે જે કપડાં પહેરેલાં તેની સાથે જ મળી આવ્યો હતો. ગુરશને બ્લ્યુ જીન્સ અને ગ્રે શર્ટ પહેર્યું હતું.
ગુરશનની માતા હરપ્રીત કૌર ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે છે . તેણે બાળક ગુમ થયો તે પછી ૪૫ મિનિટમાં પોલીસને ફરિયાદ કરી હતી. આ પછી પોલીસે ડોગ સ્કવોડ અને ૧૫ ટુકડીઓ સાથે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારતીય સમુદાયે ગુરશનની હત્યા અંગે ઘેરો શોક વ્યક્ત કર્યો હતો. ફેડરેશન ઓફ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયાના ગૌતમ ગુપ્તાએ કહ્યું હતું કે સત્તાવાળાઓએ ઘટનાના કારણોના મૂળ સુધી જવું જોઈએ. ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો પર કેવી અસર પડશે તે પછીથી મૂલવવું જોઈએ. ભારતીય કોન્સુલ જનરલ અનિતા નાયરે પણ ઘટના અંગે શોક અને ઘેરા પ્રત્યાઘાતો વ્યક્ત કર્યા હતા. બાળકનાં માતાપિતા ૯ જાન્યુઆરીએ જ ઓસ્ટ્રેલિયામાં આવ્યાં હતાં. તેનાં પિતાને જોબ નહીં મળવાથી તેમણે આવતા અઠવાડિયે ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો હતો.
ગુરશનની હત્યાનો ઘટનાક્રમ
-- ગુરશન તેના ઘર પાસેથી ગુમ થયો તે પછી બીજા દિવસે તેની લાશ મળી આવી
-- ગુમ થયો તે પછી ૪૫ મિનિટમાં પોલીસને ફરિયાદ કરાઈ હતી
-- ગુરશને બ્લ્યુ જીન્સ અને ગ્રે શર્ટ પહેર્યું હતું.
-- પોલીસે ડોગ સ્કવોડ અને ૧૫ ટુકડીઓ સાથે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
-- ઘરથી ૩૦ કિ.મી. દૂર તેનો મૃતદેહ મળી આવ્યો
-- લાંબા ઊગેલા ઘાસમાંથી ગુરશનની લાશ મળી આવી
-- મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું
-- મૃત્યુનું સાચુ કારણ રહસ્યમય રહ્યું છે
-- બાળકની ગુનાઈત ઈરાદાથી હત્યા કરાઈ છે કે અન્ય કોઈ કારણથી તેનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે
-- બાળકનું કુદરતી મૃત્યુ થયું નથી તે હકીકત પોલીસ કબૂલે છે