અમદાવાદ, તા.૭
ભારતમાં સામાજિક અને રાજકીય વિકાસ માટે પાર્ટીઓમાં ઇન્ટર્નલ ડેમોક્રસીની જરૃર ઊભી થઇ છે. આ માટે કેટલાક સુધારા પણ લાવવા પડશે. રાજકીય પક્ષો પણ રાજકારણની કથળતી સ્થિતિ જોઇને તેમાં પરિવર્તન લાવવા ઇચ્છે છે પણ બદલાવ પક્ષને કઇ દિશામાં લઇ જશે અને કદાચ સત્તા વિહોણા થઇ જવાના અજ્ઞાાત ભયને કારણે કોઇ ફેરફાર કરવામાં આવતાં નથી. આ ઉપરાંત પક્ષોમાં ઇનર ડેમોક્રસીનું પ્રમાણ પણ નહીંવત છે એમ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે રિસર્ચ ફાઉન્ડેશન ફોર ગવર્નન્સ ઇન ઇન્ડિયા દ્વારા આયોજિત ‘હાઉ ડેમોક્રેટિક આર અવર પોલિટિકલ પાર્ટીઝ’ વિષય પરની એક વિચારગોષ્ઠીમાં એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના સક્રિય સભ્ય અને આઇઆઇએમ-એના નિવૃત્ત પ્રોફેસર જગદીપ છોકરે જણાવ્યું હતું.
ચર્ચામાં રાજ્યકક્ષાના ઉદ્યોગપ્રધાન સૌરભ પટેલે કહ્યું કે, મહિને ૧૦ કે ૨૦ હજારના પગારમાં ૩૬૫ દિવસની કામગીરી કરવાની અને ઘરે લોકોની આવન-જાવનને કારણે આખો દિવસ થતાં ચા-નાસ્તાના ખર્ચાને ગણવામાં આવે તો કોઇ નેતાનું ઘર ચાલે નહીં. નેતાઓ મુસાફરી માટે વિમાનનો ઉપયોગ કરે છે કારણ કે તેણે લોકોના કામ માટે ઓછા સમયમાં વધારે વિસ્તારોમાં ફરવાનું હોય છે, ત્યારે તેને ખોટા ખર્ચ તરીકે જોવામાં આવે છે. આથી મીડિયાએ અને લોકોએ આવા નાના-નાના મુદ્દાઓમાં પડવું ન જોઇએ.
- નેતાઓ બ્લેક મની લેવાને બદલે પારદર્શી રીત અખત્યાર કરે : પ્રો. છોકરની હિમાયત
પ્રો. છોકરે જણાવ્યું કે ૨૦૦૪ અને ૨૦૦૯ની ચૂંટણીઓ વચ્ચેના સમયગાળાનો અભ્યાસ કરીએ તો પાંચ વર્ષમાં અનેક રાજકીય નેતાઓની સંપત્તિમાં ૩૦૦૦ ગણો વધારો નોંધાયો છે. જે ભ્રષ્ટાચાર સૂચવે છે. આજે બંધારણ નેતાઓના હાથમાં છે, પોતાના પગાર વધારાનો નિર્ણય તેઓ જાતે લેતાં હોય છે અને તે મુજબ સુધારા કરતા હોય છે. ત્યારે પોતાના આ ખર્ચાની રકમ તેમણે ઉદ્યોગગૃહો પાસેથી બ્લેકમની તરીકે લેવાને બદલે પગારમાં સામેલ કરીને જાહેરમાં લેવાની શરૃ કરવી જોઇએ. આમ થશે તો જ લોકશાહીમાં પારદર્શકતા લાવી શકાશે.
- ‘ડેમોક્રસી વિધિન એન્ડ વિધાઉટ-અ રિપોર્ટ ઓન ઇનર-પાર્ટી ડેમોક્રસી ઇન પોલિટિકલ પ્રાર્ટીઝ ઇન ઇન્ડિયા’ પુસ્તિકાનું વિમોચન કાનન ધ્રુ, સૌરભ પટેલ, મંજુલા સુભ્રમણિયમ, અર્જુન મોઢવાડિયા અને જગદીપ છોકરે કર્યું હતું.
પ્રો. છોકરે જણાવ્યું કે પાર્ટીઓએ માત્ર સત્તા મેળવવાના લક્ષ્યને બદલે મતદારોને જાગૃત અને શિક્ષિત કરવાની જરૃર છે. ભારતમાં આજે ૧૧૫૦ જેટલા રાજકીય પક્ષો નોંધાઇ ચૂક્યા છે. ઇલેક્શન કમિશન પાસે પક્ષોની નોંધણીની સત્તા છે પણ નોંધણી રદ કરવાની સત્તા નથી. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે રાજકીય પક્ષો ઉપરાંતની સંસ્થાઓમાં પણ સુધારા લાવવાની જરૃર છે. આ માટે યુવાનોના મનમાંથી રાજકારણની ખરાબ છાપ દૂર કરી તેમને રાજકારણમાં સક્રિય બનાવવા જોઇએ. ગુજરાતના વિજિલિન્સ કમિશનર મંજુલા સુભ્રમણિયમે જણાવ્યું કે, મજબૂત પોલિટિકલ ડિલિવરી સિસ્ટમ વગર એકસમાન વિકાસ અશક્ય છે. તેમણે જણાવ્યું કે, નેતાઓનો ૯૦ ટકા સમય એડમિન અને પોતાના મતવિસ્તારના લોકોને રોજગારી અપાવવાની ભલામણો પાછળ ખર્ચાતો હોય છે. આમ થતું અટકે તે માટે આર્િથક વિકાસ જરૃરી છે. આર્િથક વિકાસને કારણે આપોઆપ રોજગારી સર્જાશે અને અનેક સમસ્યાઓ ઉકેલાશે. તેમણે પોલિટિકલ સાથે જ્યુડિશિયલ સિસ્ટમમાં પણ બદલાવ લાવવા પર ભાર મૂક્યો હતો.