નવી દિલ્હી, તા.૧૦
મહિલા અનામત ખરડાના વિરોધમાં સંસદને સતત બે દિવસ માથે લીધા બાદ યુપીએના સાથી પક્ષો- સમાજવાદી પાર્ટી (સપા) અને રાષ્ટ્રીય જનતા દળ હવે કૂણા પડયા છે અને તેમણે સરકારને ટેકો પાછો ખેંચવાના કોઇ સંકેત આપ્યા નથી. ગઈ કાલે લાલુપ્રસાદ યાદવ અને મુલાયમસિંહ યાદવે જાહેરાત કરી હતી કે, તેઓ બુધવારે રાષ્ટ્રપતિને મળીને ટેકો પાછો ખેંચવાના પત્રો આપશે પણ આજે તેમણે આવી કોઈ હિલચાલ નહોતી કરી. સપા-રાજદે આજે પણ લોકસભાની કાર્યવાહી ખોરવી હોવા છતાં સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો તેમનો કોઇ ઇરાદો નથી.
સપાના વડા મુલાયમસિંહ યાદવ અને રાજદના વડા લાલુપ્રસાદ યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમની પાસે પૂરતું સંખ્યાબળ ન હોઇ સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો તેમનો કોઇ વિચાર નથી. લોકસભામાં સપાના ૨૧ અને રાજદના ૪ સાંસદો છે, જ્યારે અવિશ્વાસની દરખાસ્તને ઓછામાં ઓછા ૫૫ સાંસદોનો ટેકો જરૃરી હોય છે.
સરકારને ટેકો પાછો ખેંચવાની તેમની ધમકી અંગે મુલાયમે કહ્યું કે, તેમના પક્ષના નેતાઓ આ મુદ્દે ચર્ચા બાદ નિર્ણય કરશે. લાલુએ જણાવ્યું હતું કે, તેમના પક્ષે રાષ્ટ્રપતિ પાસે સમય માંગ્યો છે, પરંતુ તેને હજુ સમય અપાયો નથી.
ગઇ કાલે રાજ્યસભામાં મહિલા અનામત ખરડા પર મતદાનથી દૂર રહેલી તૃણમૂલ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે, તે 'કોમ્યુનિકેશન ગેપ' હતો અને પક્ષ મહિલા અનામત ખરડાની તરફેણ કરે છે.
બીજી તરફ રેલવે અને જનરલ ફાઇનાન્સીસના સંબંધમાં એપ્રોપ્રિયેશન બિલ્સ પસાર થવામાં કોઇ અવરોધ ન સર્જાય તે સુનિશ્ચિત કરવા આતુર યુપીએ સરકાર તરફથી સંકેત સાંપડયા છે કે, મહિલા અનામત ખરડો લોકસભામાં યોગ્ય સમયની અંદર રજૂ કરાશે.
કાયદાપ્રધાન વીરપ્પા મોઇલીએ પત્રકારોને જણાવ્યું હતું કે, લોકસભા અધ્યક્ષ મીરાકુમાર આ બાબતે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે મસલત કરશે. ખરડો લોકસભામાં રજૂ કરવાની તારીખ શુક્રવારે મળનારી બિઝનેસ એડવાઇઝરી કમિટી (બીએસી)ની બેઠકમાં નક્કી કરાશે. સંભવતઃ ૧૫ કે ૧૬ માર્ચે ખરડો લોકસભામાં રજૂ થઇ શકે છે.
આ ખરડા સામે કેટલાક વાંધા ધરાવતા તૃણમૂલ કોંગ્રેસને મનાવવામાં સરકાર સફળ રહેશે કે કેમ? તેવા સવાલના જવાબમાં મોઇલીએ જણાવ્યું કે, "તે ફેમિલી મેટર છે. અમે સંભાળી લઇશું."
હાથ પર લેવા સરકાર પાસે ફાઇનાન્સ બિલ અને કેટલાક વટહુકમોનું સ્થાન લેનારા ખરડા એજન્ડા પર છે અને તેમને જલદી હાથ પર લેવાની જરૃર છે, તેમ મોઇલીએ ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ૧૬ માર્ચે સંસદ રિસેસ માટે મોકૂફ રહેશે અને પછી બાકીના બજેટસત્ર માટે એપ્રિલની શરૃઆતમાં ગૃહ ફરી મળશે.
સંસદીય બાબતોના પ્રધાન પી. કે. બંસલે કહ્યું હતું કે, મહિલા અનામત ખરડો લોકસભામાં ક્યારે રજૂ થશે તે તેઓ કહી શકે તેમ નથી પરંતુ અંદાજપત્રીય પ્રક્રિયાઓ પૂર્વે રજૂ થવાની શક્યતા છે.