લખનૌ, તા. ૧૦
હોળીના દિવસે માયાવતીના પોસ્ટર પર કૂચડો ફેરવીને તેને ગંદા કરવાના ગુનામાં ધરપકડ કરાયેલા ચાર વિદ્યાર્થીઓને તાત્કાલિક છોડી મૂકવાનો માયાવતીએ આદેશ આપ્યો છે. હોળીના દિવસે રાત્રે પોલીસે માયાવતીનાં પોસ્ટરો ગંદા કરવાના ગુનામાં યુપી સૈનિક સ્કૂલના ચાર વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. આ સ્ટુડન્ટ્સ ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષા આપવાના છે. જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાના ગુનામાં તેમની ધરપકડ કરાયા પછી લોકલ કોર્ટે તેમને જામીન પર છોડયા છે. માયાવતીએ તેમની નાની સરખી ભૂલ માટે તેમને આટલી આકરી સજા નહીં કરવાનો અને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
આ ચાર સ્ટુડન્ટ્સ સામે જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા માટે કેસ કરાયો હતો અને તેમને સગીર બાળકો માટેની જેલમાં લઈ જવાયા હતા. જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે આ ચારેય વિદ્યાર્થીઓના ફેમિલી બેકગ્રાઉન્ડની તપાસ કર્યા પછી દરેકને ૨૦,૦૦૦ના બોન્ડ સામે જામીન પર મુક્ત કર્યા હતા. તેમના વાલીઓ પાસેથી ભવિષ્યમાં આવું કૃત્ય નહીં કરાય તેવી લેખિત ખાતરી પણ લેવામાં આવી હતી.
ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ ૧૨ની પરીક્ષા આપવાના છે ત્યારે તેમની સામે આકરાં પગલાં શા માટે લેવા જોઈએ તેવું માયાવતીએ લખનૌના ડીઆઈજીને પૂછયું હતું. તેમને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. માયાવતીએ કહ્યું હતું કે તેમને અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલો પરથી આ ઘટના જાણવા મળી હતી. હોળીને દિવસે રાત્રે આ વિદ્યાર્થીઓ દવા લેવા માટે હોસ્ટેલની બહાર ગયા હતા અને પાછા ફરતી વખતે પોલીસે તેમને રોક્યા ત્યારે માયાવતીના પોસ્ટરોને તેમણે ગંદા કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું . આ પછી પોલીસે તેમની ધરપકડ કરી હતી.