નવી દિલ્હી, તા.૧૦
રાજ્યસભામાં મંગળવારે મહિલા અનામત ખરડા પર યોજાયેલા મતદાન વખતે બે તૃણમૂલ સાંસદો ગેરહાજર રહ્યા. તે અંગે ખુલાસો કરતા તૃણમૂલ કોંગ્રેસના વડા અને કેન્દ્રના રેલવે પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે, અમારો પક્ષ મહિલા અનામત ખરડાની તરફેણમાં જ છે. બંધારણીય સુધારા ખરડા પર મતદાન અંગે અમને જાણ કરવામાં આવી નહોતી, તેથી મારા સાંસદો મતદાન વખતે ગૃહમાં હાજર રહ્યા નહોતા.
રાજયસભામાં મારા બે સાંસદો છે પણ અમને મતદાન યોજાવાનું છે તેવી જાણ કરવામાં આવી નહોતી. કોમ્યુનિકેશન ગેપને કારણે મારા સાંસદો મતદાન કરી શક્યા નહોતા. તેવું મમતાએ પત્રકારોને જણાવ્યું હતું. મમતાએ કહ્યું હતું કે, સાથી પક્ષોની બેઠકમાં વડા પ્રધાન મનમોહનસિંહે એવું જણાવ્યું હતું કે, બિલ પર ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવશે. જેમાં લઘુમતી મહિલાઓ માટે અનામતનો મુદ્દો મમતા ઉઠાવવાના હતાં પણ પછી સર્વદલીય બેઠક યોજાઈ જ નહીં. અમને મતદાનની કોઈ જાણ કરાઈ જ નહોતી.
મતદાનમાં ગેરહાજર રહેવાના તેમના નિર્ણયનો બચાવ કરતાં મમતાએ કહ્યું હતું કે, અમારો પક્ષ મહિલા અનાામત ખરડાની તરફેણ કરે છે. અમે તેને પસાર કરાવીને જ રહીશું. મતદાન વખતે તૃણમૂલ સાંસદોની ગેરહાજરીથી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. કેબિનેટમાં જ્યારે બિલ પર ચર્ચા કરાઈ હતી ત્યારે મમતા ઘણાં ઉત્સાહી હતાં. સંસદના ઉપલા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થયો. તેની ક્રેડિટ ડાબેરીઓ લઈ રહ્યા છે. તેવા રિમાર્ક વખતે મમતાએ કહ્યું હતું કે, ડાબેરીઓ રાજ્યસભામાં મહિલા ખરડો પસાર થાય તેવું ઈચ્છતાં જ નહોતાં. તેઓ સામાન્ય મહિલા ઉપલા ગૃહમાં પ્રવેશે તેવું ઈચ્છતાં જ નથી.
ગઈકાલે તૃણમૂલ સાંસદ દિનેશ ત્રિવેદીએ કહ્યું હતું કે, મારા પક્ષના વડા ખરડામાં દલિતો, ઓબીસી અને મુસ્લિમ મહિલાઓને પણ અનામત બેઠકનો લાભ મળે તવી જોગવાઈ સમાવવા ઈચ્છતા હતા પણ આવું થયું નહીં. તૃણમૂલ ખરડા પર ચર્ચા થાય તેવું ઈચ્છતો હતો.
મમતાએ ખરડા અંગે ડાબેરીઓની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, મારો પક્ષ બિલને ટેકો આપે છે. યાદ રહે આ એકમાત્ર સીપીએમનો ખરડો નથી. લોકસભામાં તમે ખરડાની તરફેણમાં મત આપશો કે કેમ તેના જવાબમાં મમતાએ કહ્યું હતું કે, ખરડો રજૂ કરાય ત્યારે અમે નિર્ણય લઈશું.