લોકસભામાં મહિલા અનામત ખરડો બજેટસત્રના બીજા તબક્કામાં રજૂ થશે

Mar 10,2010 Home > National >Article
 
Tags:   lok sabha women reservetion bill comment    e-mail    print    
 
Viewed 344
Rate 0
Rating
Read in English
Bookmark The Article
 
 

નવી દિલ્હી, તા.૧૦

રાજ્યસભામાં મંગળવારે પસાર થઇ ચૂકેલો મહિલા અનામત ખરડો હવે ૧૬ માર્ચે બજેટસત્રનો પ્રથમ તબક્કો પૂરો થયા પછી ૧૨ એપ્રિલથી શરૃ થતા બીજા તબક્કામાં રજૂ થાય તેવી શક્યતા છે. જોકે, તે અંગે અંતિમ નિર્ણય શુક્રવારે મળનારી બિઝનેસ એડવાઇઝરી કમિટી (બીએસી)ની બેઠકમાં લેવામાં આવશે. મહિલા અનામત ખરડામાં અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની અને મુસ્લિમ મહિલાઓને પેટાઅનામતનો સરકારે ઇનકાર કર્યો છે.

બંધારણ (૧૦૮મો સુધારો) ખરડો સંસદના નીચલા ગૃહમાં ક્યારે રજૂ કરાશે? તેમ પૂછવામાં આવતાં કાયદાપ્રધાન એમ. વીરપ્પા મોઇલીએ પત્રકારોને જણાવ્યું હતું કે, "મહિલા અનામત ખરડો લોકસભામાં રજૂ કરવાની તારીખ અંગે શુક્રવારે મળનારી બીએસીની બેઠકમાં નિર્ણય લેવાશે. ખરડો ગૃહમાં ૧૨ એપ્રિલથી શરૃ થતા બજેટસત્રના બીજા તબક્કામાં રજૂ થઇ શકે છે."

મોઇલીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત પૂરી પાડવા માટેનો ખરડો લોકસભામાં પણ સુખરૃપ પસાર થઇ જશે.

રાજ્યસભાના સાત સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માગણીઓના પગલે તે દિશામાં કોઇ હિલચાલ છે કે કેમ? તેવા સવાલનો સીધો જવાબ આપવાનું કાયદાપ્રધાને ટાળ્યું હતું અને માત્ર એટલું જ કહ્યું હતું કે, "કોંગ્રેસને કે યુપીએ સરકારને લોકસભા કે રાજ્યસભાના સભ્યોને બહાર રાખવામાં રસ નથી. તે અમારી પરંપરા નથી. અમારી પરંપરા સૌને સાથે લઇને ચાલવાની છે."

દરમિયાન, ઓબીસી, મુસ્લિમ મહિલાઓ માટે પેટાઅનામતનો ઇનકાર કરતા મોઇલીએ જણાવ્યું કે, "હાલના બંધારણ હેઠળ ઓબીસી અને લઘુમતીઓ માટે પેટાઅનામતની જોગવાઇ નથી."

ખરડાએ હજુ પાંચ કોઠા વીંધવાના છે

મહિલા અનામત ખરડો રાજ્યસભામાં તો પસાર થઇ ગયો પરંતુ આ ખરડાએ હજુ કેટલાક તબક્કા પાર કરવાના છે.

તબક્કો ૧: ખરડો લોકસભામાં પસાર થવો આવશ્યક છે. સપા, રાજદ, બસપા અને જેડીયુને બાદ કરતા મોટા ભાગના રાજકીય પક્ષો સરકારની પડખે હોઇ ૫૪૧નું કુલ સંખ્યાબળ ધરાવતી લોકસભામાં યુપીએ સરકારનો ટોટલ સપોર્ટ ૪૭૦ છે. જોકે, મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના ૧૯ સાંસદો મતદાનથી અળગા રહી શકે છે.

તબક્કો ૨: ખરડો ૨૮ રાજ્યોની વિધાનસભામાં મોકલવો ફરજિયાત રહેશે અને તેમાંથી કમસે કમ ૫૦ ટકા મતલબ કે ૧૪ વિધાનસભાઓનું ખરડાએ સમર્થન મેળવવાનું રહેશે.

તબક્કો ૩: ત્યાર પછી ખરડાને કાયદાનું સ્વરૃપ આપવા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની મંજૂરી જરૃરી રહેશે.

તબક્કો ૪: મહિલાઓ માટે અનામત બેઠકો કઇ રીતે અલગ તારવવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરતો અન્ય એક ખરડો પણ સંસદે ફરજિયાત પસાર કરવો પડશે.

તબક્કો ૫: ખરડો અમલીકરણ માટે ચૂંટણીપંચને સુપરત કરાશે.

  • અંતિમ નિર્ણય કાલે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં લેવાશે
  • ઓબીસી, મુસ્લિમ મહિલાઓ માટે પેટાઅનામતનો સરકારનો ઇનકાર
 
Share This

Tweet this Update on Facebook Update on MySpace Digg it Send it Google Send it to Delicious Stumble it

Photos:
 
 
   
 

Comments

 
   
 

Most Popular

   
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com